Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાઈ BP માટે અકસીર છે સર્પગંધા, પણ શું બધા દરદીઓ એ લઈ શકે?

હાઈ BP માટે અકસીર છે સર્પગંધા, પણ શું બધા દરદીઓ એ લઈ શકે?

17 May, 2024 07:54 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

બ્લડ-પ્રેશર માટેની આયુર્વેદની દવાઓમાં આ એક ચીજ વન્ડર ડ્રગની જેમ કામ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ના. આયુર્વેદનું આ ઔષધ ભલભલી ઍલોપથી દવા કરતાંય વધુ ઝડપથી બ્લડ-પ્રેશરને નીચું લાવી શકે છે. જોકે સમજણ વિના એનો ઉપયોગ કરવામાં આવે તો એ બેધારી તલવાર સાબિત થઈ શકે છે. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે ત્યારે સમજીએ આપણા આયુર્વેદશાસ્ત્રમાં આ રોગને ટ્રીટ કરવા માટે કેવી દવાઓનો ઉલ્લેખ છે અને સર્પગંધા એમાં ક્યારે અને કેટલી માત્રામાં વપરાય

હાઇપરટેન્શન કૂદકે ને ભૂસકે વધતી જતી સમસ્યા છે. બ્લડ-પ્રેશર વધારે રહેવું એ પોતે સ્વતંત્ર રોગ જ હોય એવું જરૂરી નથી. શરીરમાં કોઈક રોગ છે એનું લક્ષણ પણ હાઈ BP હોઈ શકે છે. આ મૉડર્ન બીમારી હોવાથી એની દવા ઍલોપથીથી જ થાય એવી માન્યતા છે, પરંતુ ૪૦૦૦ વર્ષ જૂના આયુર્વેદશાસ્ત્રમાં રક્તચાપ વધી જવાનાં લક્ષણો માટે ચોક્કસ ઔષધિઓ છે અને એવી ઔષધિઓ છે જે ઍલોપથીની દવાઓ જેટલી જ ઝડપથી અસર પણ કરે છે. આવી જ એક દવારૂપે સર્પગંધાનું ચલણ વધ્યું છે. બ્લડ-પ્રેશર માટેની આયુર્વેદની દવાઓમાં આ એક ચીજ વન્ડર ડ્રગની જેમ કામ કરી રહી છે. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે પર આ સર્પગંધા અને એ ઉપરાંતની બીજી કઈ આયુર્વેદિક દવાઓ કામ કરી શકે છે એ વિશે સમજીએ. 

સર્પગંધા છે શું?
સાપનું વિષ ઉતારવા માટેની અકસીર દવા છે સર્પગંધા. કહેવાય છે કે કોબ્રા સાથે લડતાં પહેલાં નોળિયો સર્પગંધાની પત્તીઓનો રસ ચૂસીને વિષ સહન કરવાની શક્તિ મેળવે છે. સર્પગંધાનો સ્વાદ કડવો, તીખો, તૂરો અને પેટ માટે ઉષ્ણ હોય છે. ઔષધ તરીકે સર્પગંધાના મૂળનો ઉપયોગ વધુ થાય છે. એનાં મૂળ જમીનમાં ૧૮થી ૨૦ ઇંચ ઊંડે ઊતરેલાં હોય છે અને એની છાલ બ્રાઉન-પીળા રંગની હોય છે. એનાં મૂળનો આકાર સાપ કોકડું વાળીને સૂતો હોય એવો હોવાથી એનું નામ સર્પગંધા પડ્યું છે. એનું બૉટનિકલ નામ છે રોવાલ્ફિયા સર્પેન્ટિના. આયુર્વેદના ગ્રંથ આર્યભિષકમાં થયેલા ઉલ્લેખ મુજબ સર્પગંધા કફ અને વાતને શાંત કરે છે. એ ઊંઘ લાવનારો ગુણ ધરાવે છે. એનાથી ઉંદર, સાપ, ગરોળી જેવાં ઝેરી પ્રાણીઓનું વિષ નાશ પામે છે. અસ્થમા, વાતને કારણે થતી તકલીફો, પીડા, તાવ જેવી બીમારીઓમાં અન્ય ઔષધિઓની સાથે વપરાય છે. સર્પગંધાનો હાઇપરટેન્શનમાં ઉપયોગ કઈ રીતે શરૂ થયો એ વિશે વાત કરતાં આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મૂળે સર્પગંધાને પાગલપન માટેની ઔષધિ કહેવાતી હતી. મલતબ કે ઍન્ગ્ઝાયટી ન્યુરોસિસ, રેસ્ટલેસનેસ જેવાં લક્ષણોમાં એ અકસીર રહેતી. એનું કારણ એ છે કે એમાં રીસર્પિન નામનું આલ્કલાઇન તત્ત્વ રહેલું છે જે ઍન્ગ્ઝાયટી પેદા કરતાં ન્યુરોટ્રાન્સમીટર્સને બ્લૉક કરે છે. જોકે આ લક્ષણો માટે રીસર્પિનમાંથી બનેલી દવા આપતાં જોવા મળ્યું કે એનાથી દરદીઓનું બ્લડ-પ્રેશર પણ અચાનક જ ઘટી જાય છે. મતલબ કે એ ઍન્ટિહાઇપરટેન્સિવ છે. એ જોઈને સર્પગંધાના મૂળમાંથી એવી દવા તૈયાર કરવામાં આવી જે હાઇપરટેન્શનની સમસ્યામાં વાપરી શકાય.’સર્વેસર્વા છે સર્પગંધા?
સર્પગંધાના મૂળમાંથી બનેલી દવા તાત્કાલિક ધોરણે બ્લડ-પ્રેશરને નીચું લાવવામાં મદદ કરે છે, પણ દરેક પ્રકારના દરદીમાં એકસરખી અસર જોવા નથી મળતી. એનું કારણ શું? એ વિશે પ્રકાશ પાડતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘હાઇપરટેન્શન એ કોઈ એક જ રોગ છે એવું આયુર્વેદ નથી માનતું કેમ કે એ વખતે હાઈ BP જેવી સમસ્યા જ નહોતી. પણ હા, હાઇપરટેન્શન જેવાં લક્ષણો માટે ઔષધિઓ આયુર્વેદમાં છે. રક્તચાપ વધી જવાની તકલીફ કોઈ એક કારણસર નથી થતી. એનાં અનેકવિધ કારણો છે અને એ દરેક કારણનું નિદાન કરીને એની સારવાર કરવાનું આયુર્વેદમાં કહેવાયું છે. એક કારણ છે વ્યાન વાયુનો બગાડ. બીજું કારણ છે સાધક પિત્તમાં ડિસ્ટર્બન્સ. આ ગરબડ મન પર અસર કરે છે. અત્યાધિક હર્ષ કે અત્યાધિક દુઃખ, શોક, ચિંતા, સ્ટ્રેસને કારણે સાધક પિત્ત વધે છે અને બ્લડ-પ્રેશર વધે છે. ત્રીજું કારણ છે કફનું પ્રમાણ વધવાથી ધમનીઓ કડક થઈ જવી. આધુનિક વિજ્ઞાન એને ઍથરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખે છે. દરદીમાં બ્લડ-પ્રેશર વધવાનું કારણ શું છે એ સમજીને એ મુજબની દવાઓનું કૉમ્બિનેશન અપાય. આ દવાઓમાં જરૂરિયાત મુજબ સર્પગંધા, તગર, બ્રાહ્મી, જટામાંસી, બિલ્વ અને લસણ જેવાં દ્રવ્યો વપરાય. ‌જ્યારે કફ દોષનો વિકાર હોય ત્યારે બિલ્વ કે લસણની ભાવના સાથે સર્પગંધા કામ કરે છે. બ્રાહ્મી, તગર અને જટામાંસી જેવી ઔષધિઓ સાધક પિત્તના ડિસ્ટર્બન્સમાં કામ આવે છે. વ્યાન વાયુને કારણે વધેલા બ્લડ-પ્રેશરના દરદીને સૂતશેખરની બુટી ચટાડો તો એ તરત જ કામ કરે છે. કહેવાનો મતલબ એટલો જ કે સર્પગંધા ભલે મુખ્ય દ્રવ્ય હોય, એની સાથે કૉમ્બિનેશનમાં શું વાપરવું એ બહુ મહત્ત્વનું છે.’


એસેન્શ્યિલ હાઇપરટેન્શન 
હાઈ બ્લડ-પ્રેશરની દવા ક્યારે શરૂ કરવી એ વિશેની ગાઇડલાઇન પણ સમજવી જરૂરી છે. એક વાર બ્લડ-પ્રેશર માપ્યું અને એ હાઈ આવ્યું એટલે દવા શરૂ કરી દેવાય એમ જણાવતાં ડૉ. સંજય કહે છે, ‘આઇડિયલ પ્રૅક્ટિસ એવું કહે છે કે પહેલી વાર BP હાઈ આવે એટલે દવા શરૂ કરી દેવાની જરૂર નથી. પહેલાં દરદીને રિલૅક્સ કરો. કયાં કારણોસર  બ્લડ-પ્રેશર વધ્યું છે એનું નિદાન કરો. ઓછામાં ઓછી ત્રણ વાર BP માપો અને સતત હાઈ આવે ત્યાં સુધીમાં તમે એનાં કારણોનું નિદાન કરી લો. આ ત્રણ વાર પણ એક-એક કલાક કે દિવસના અંતરે નહીં, સાત-સાત દિવસના અંતરે માપવું. ૧૨૦/૮૦ બ્લડ-પ્રેશરને ફૅરીટેલ આંકડો કહેવાય છે. મતલબ કે આટલું આઇડિયલ પ્રેશર તો પરીકથામાં જ જોવા મળે. ઉંમરના હિસાબે ઉપરનું બ્લડ-પ્રેશર થોડુંક વધુ હોય જ છે, એમાં ચિંતાગ્રસ્ત કે પૅનિક થવાની જરૂર નથી. કેટલીક વાર અનએક્સપ્લેન્ડ હાઇપરટેન્શન પણ હોય છે. એને ફિઝિયોલૉજિકલ BP કહેવાય. મારે ત્યાં ઘણા દરદી આવે છે જેમનું નૉર્મલ બ્લડ-પ્રેશર જ હાઈ રહેતું હોય. મારી પ્રૅક્ટિસની શરૂઆતમાં એક દરદી મારી પાસે આવેલો. તેનું BP હતું ૨૪૦/૧૩૦. સ્વાભાવિક છે આટલું બ્લડ-પ્રેશર ઇમર્જન્સી જ કહેવાય પણ આ ભાઈને નહોતાં કોઈ લક્ષણો, નહોતી કોઈ તકલીફ. ભાઈ સાહેબ મજામાં. તેમનું BP ઘટાડવા માટે મેં દવાઓ શરૂ કરી અને એનાથી તેમને સખત તકલીફો થવા લાગી. મારા ગુરુએ એ દરદીને તપાસીને કહ્યું કે આ તો એસેન્શિયલ હાઇપરટેન્શનનો પેશન્ટ છે. તેમણે બધી જ દવાઓ બંધ કરાવી અને પેશન્ટ ફરી નૉર્મલ! મતલબ કે જેમ કોઈ કાળું-ગોરું હોય, પણ એ સ્વસ્થ જ કહેવાય એમ BP થોડુંક વધતું-ઓછું હોય તો એ પણ નૉર્મલ હોઈ શકે છે.’

જાતે નિર્ણયો ન લેવા
હાઇપરટેન્શન એક એવું લક્ષણ છે જેમાં કોઈએ પોતાની જાતે સેલ્ફ-મેડિકેશન શરૂ ન કરી દેવું જોઈએ, ન દવાના ડોઝમાં કોઈ બદલાવ કરવો જોઈએ. આ એક બાબતને પથ્થરની લકીરની જેમ પાળવાની સલાહ આપતાં ડૉ. સંજય કહે છે, ‘આજકાલ BP માપવાનાં મશીનો ઘરે-ઘરે આવી ગયાં છે. એવામાં જો BP વધારે આવે તો લોકો જાતે જ દવાઓ ચાલુ કરી દે કે નૉર્મલ આવવા લાગે તો જાતે જ દવાનો ડોઝ ઘટાડી દે કે દવા જ છોડી દે છે. આ તમારી જાત સાથે ખેલાયેલો ખતરનાક ખેલ છે. પૅરૅલિસિસ, કિડની ફેલ્યર કે હાર્ટ ડિસીઝની ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયેલા પચાસ ટકા દરદીઓની હિસ્ટરીમાં જોવા મળે છે કે પેશન્ટે જાતે જ દોઢડહાપણ કરીને દવા ઘટાડી કે બંધ કરી દીધી હોય છે. તમે આયુર્વેદની દવા લેતા હો કે ઍલોપથીની, બન્ને નિષ્ણાતની નિગરાનીમાં જ દવા લેવાય અને નિયમિતરૂપે લેવાય એ બહુ જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2024 07:54 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK