Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઐતિહાસિક અને અપાર સંભાવનાઓનું બજેટ, વિકસિત ભારતના સપનાને સાકાર કરશે

ઐતિહાસિક અને અપાર સંભાવનાઓનું બજેટ, વિકસિત ભારતના સપનાને સાકાર કરશે

Published : 02 February, 2026 07:21 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્મલા સીતારમણના સતત નવમા બજેટ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું... ઐતિહાસિક અને અપાર સંભાવનાઓનું બજેટ, વિકસિત ભારતના સપનાને સાકાર કરશે

ગઈ કાલે લોકસભામાં નિર્મલા સીતારમણના બજેટ-ભાષણ વખતે એને ટેબલ થપથપાવીને વધાવતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે લોકસભામાં નિર્મલા સીતારમણના બજેટ-ભાષણ વખતે એને ટેબલ થપથપાવીને વધાવતા નરેન્દ્ર મોદી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ માટે સરકારના વિઝનની રૂપરેખા આપતાં એને વિશાળ તકોનું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ બજેટ વર્તમાનનાં સપનાંઓને પૂરાં કરશે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. નિર્મલા સીતારમણે સતત નવમું બજેટ રજૂ કરીને ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો છે. આ બજેટ વિશાળ તકોનો રાજમાર્ગ છે જે વિકસિત ભારતનો પાયો વધુ મજબૂત બનાવશે.’

નરેન્દ્ર મોદીના શબ્દોમાં વાંચીએ બજેટ વિશેના તેમના પ્રતિભાવ...



આ બજેટ ઐતિહાસિક છે. એમાં દેશની નારીશક્તિનું સશક્ત પ્રતિબિંબ દેખાય છે. મહિલા નાણાપ્રધાનના રૂપમાં નિર્મલાજીએ સતત નવમી વખત દેશનું બજેટ પ્રસ્તુત કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ બજેટ અપાર અવસરોનો રાજમાર્ગ છે. આ બજેટ વર્તમાનનાં સપનાંને સાકાર કરે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત કરે છે. આ બજેટ ૨૦૪૭ના વિકસિત ભારતની આપણી ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે.


આજે ભારત જે રિફૉર્મની આશાઓ પર સવાર છે એને આ બજેટ નવી ઊર્જા અને નવી ગતિ આપશે. અમલમાં મુકાયેલા પાથબ્રેકિંગ સુધારાઓ ભારતના મહત્ત્વાકાંક્ષી, હિંમતવાન અને પ્રતિભાશાળી યુવાનોને ઊડવા માટે ખુલ્લું આકાશ પૂરું પાડે છે. આ બજેટ ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ અને માનવઆધારિત અર્થરચનાને સાકાર કરે છે.

આ એક અનોખું બજેટ છે જે રાજકોષીય ખાધ ઘટાડવા, ફુગાવાને નિયંત્રિત કરવા અને ઉચ્ચ મૂડીખર્ચ અને ઉચ્ચ વૃદ્ધિને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને નવી રીતે સશક્ત કરે છે.


ભારતના ૧૪૦ કરોડ નાગરિકો સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવાથી સંતુષ્ટ નથી. અમે શક્ય એટલી વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માગીએ છીએ. આ આપણા કરોડો દેશવાસીઓનો સંકલ્પ છે.

વિશ્વમાં વિશ્વસનીય લોકશાહી ભાગીદાર અને વિશ્વસનીય ગુણવત્તા સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા સતત વધી રહી છે. હાલમાં જે મોટી-મોટી ટ્રેડ-ડીલ્સ ભારતે કરી છે, ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ એનો મહત્તમ લાભ ભારતના યુવાનોને મળે, ભારતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને મળે એ સુનિશ્ચિત કરવા માટે બજેટમાં મોટાં પગલાં લેવામાં આવ્યાં છે.

આ બજેટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનોને વેગ આપવા માટે એક મહત્ત્વાકાંક્ષી રોડમૅપ રજૂ કરે છે. આ બજેટમાં ઊભરતા ઉદ્યોગો એટલે કે સનરાઇઝ સેક્ટરોને આપવામાં આવેલું મજબૂત સમર્થન અભૂતપૂર્વ છે. આ બજેટ સરકારના વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદ કરશે.

બાયોફાર્મા શક્તિ મિશન, સેમી-કન્ડક્ટર મિશન 2.0, ઇલેક્ટ્રૉનિક કૉમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરિંગ સ્કીમ, રૅર અર્થ કૉરિડોરનું નિર્માણ, ક્રિટિકલ મિનરલ્સ પર બળ, ટેક્સટાઇલ્સ સેક્ટરમાં નવી સ્કીમ, હાઈ-ટેક ટૂલ મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહન ચૅમ્પિયન MSMEનું નિર્માણ કરશે જે અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ બજેટ લોકલને ગ્લોબલ બનાવવાની તાકાત આપશે.

બજેટમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણાં મુખ્ય પગલાં સામેલ છે. સમર્પિત ફ્રેટ કૉરિડોર, દેશભરમાં જળમાર્ગોનું વિસ્તરણ, હાઈ-સ્પીડ રેલ કૉરિડોર, ટિયર ૨ અને ટિયર ૩ શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન અને શહેરોને મજબૂત આર્થિક આધાર પૂરો પાડવા માટે મ્યુનિસિપલ બૉન્ડ્સને પ્રોત્સાહન. આ બધાં પગલાં વિકસિત ભારત તરફની યાત્રાને વધુ વેગ આપશે.

કોઈ પણ દેશની મજબૂત મૂડી એના દેશના નાગરિકો હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારી સરકારે દેશના નાગરિકોના સામર્થ્યને વધારવા માટે રોકાણ કર્યું છે. અમારા પ્રયાસ સ્કિલ, સ્કેલ અને સસ્ટેનિબિલિટીને હંમેશાં પ્રોત્સાહન આપવામાં રહ્યા છે. આ યુવાશક્તિ બજેટ છે. એમાં યુવાનોના વિચાર છે, સપનાં અને સંકલ્પ છે અને યુવાઓની ગતિ છે. બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે એમાંથી અલગ-અલગ સેક્ટરમાં લીડર્સ, ઇનોવેટર્સ અને ક્રીએટર્સ તૈયાર થશે. મેડિકલ હબના નિર્માણથી અલાઇડ હેલ્થ પ્રોફેશનલોને પ્રોત્સાહન મળશે. ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ટૂરિઝમને આપવામાં આવેલા પ્રોત્સાહનથી યુવાનો માટે નવી તકો ઊભી થશે. ભારતને દુનિયાનું ડેટા સેન્ટર હબ બનાવવા ટૅક્સમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હું દેશના યુવાનોને આ બજેટ માટે અભિનંદન આપું છું. એનાથી નોકરીની તકો વધશે.

દેશમાં ટૂરિઝમ અને નૉર્થ-ઈસ્ટમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, યોગ્ય પગલાં લેવામાં આવ્યાં છે. ભારતનાં વિવિધ રાજ્યોને સશક્ત બનાવીને આ બજેટ સંતુલિત વિકાસનો પાયો પણ મજબૂત બનાવે છે.

દેશમાં ૧૦ કરોડથી વધારે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપો (SHG) સાથે જોડાયેલી છે. SHGનું અભિયાન સફળ રહ્યું છે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલાં અને સંચાલિત SHGની આધુનિક ઇકો-સિસ્ટમ બનાવવાને બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે દેવી લક્ષ્મી દરેક ઘરમાં પધારે. દરેક જિલ્લામાં છોકરીઓ માટે ગર્લ હૉસ્ટેલ બનાવવાની યોજના છે. આ શિક્ષણને સુલભ બનાવશે.

અમારી સરકારે હંમેશાં ભારતના કૃષિ, ડેરી ક્ષેત્ર અને મત્સ્યઉદ્યોગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ બજેટમાં નારિયેળ, કોકો, કાજુ અને ચંદનના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો માટે ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં પણ સામેલ છે. આ બજેટ દેશમાં રોજગારની નવી તકો ઊભી કરશે અને સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે જેનાથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે.

ભારત વિસ્તાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એ ટૂલથી ખેડૂતોને તેમની ભાષામાં જાણકારી આપવાથી ઘણી મદદ મળશે. ફિશરીઝ અને પશુપાલનમાં એને પ્રોત્સાહન આપવાથી ગામમાં જ રોજગારના અવસર મળશે. આ બજેટ આશાવાદી છે અને દેશની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરે છે. આ બજેટ બનાવવા માટે નિર્મલાજી અને તેમની ટીમને અભિનંદન આપું છું.

બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓના આધારે શું સસ્તું થશે અને શું મોંઘું થશે?

શું સસ્તું થશે?

સરકારે કૅન્સરની સારવારમાં વપરાતી ૧૭ દવાઓ ઉપરાંત સાત અસાધારણ બીમારીઓમાં વપરાતા વિશેષ પોષક પદાર્થો પરની ડ્યુટી ઘટાડી દીધી હોવાથી એ દવાઓ સસ્તી બનશે.

માઇક્રોવેવ અવનઃ આના અમુક ભાગ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવામાં આવી છે.

વિદેશપ્રવાસ માટેનાં પૅકેજ પરનો TCS ઘટાડાયો હોવાથી પૅકેજ સસ્તાં થશે

અંગત વપરાશ માટે આયાત કરવામાં આવતી દેવાઓ

વિમાનના ભાગ, જેમાં એન્જિનનો સમાવેશ થાય છે

 સોલર ગ્લાસના ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ

અણુઊર્જા પ્રૉજેક્ટ્સ માટે આયાત કરવામાં આવતી વસ્તુઓ

અગત્યનાં ખનિજો માટે વપરાતાં કૅપિટલ ગુડ્સ

શું મોંઘું થશે?

 ઓછા ભાવની આયાતી છત્રીઓ

પોટૅશિયમ હાઇડ્રોક્સાઇડ

ATM/કૅશ ડિસ્પેન્સર મશીન અને એના ભાગ

વિદેશી ક્રૂ માટેનાં ફિલ્મ અને બ્રૉડકાસ્ટિંગનાં ઉપકરણો

પ્રાણી સંગ્રહાલય માટે આયાત કરવામાં આવતાં પ્રાણીઓ-પક્ષીઓ

એમોનિયમ ફોસ્ફેટ/નાઇટ્રોફોસ્ફેટ ખાતરો અને નેપ્થા જેવા
ખાતરના પદાર્થો

કૉફીનાં રોસ્ટિંગ, બ્રૂઇંગ અને વેન્ડિંગ મશીન

એરંડા ખોળ

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?

ભારતમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭માં સરકાર પાસે નાણાં ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે

રૂપિયો ક્યાંથી આવશે (આવક) : અહીં સરકારની આવકના વિભિન્ન સ્રોતની જાણકારી અપાઈ છે

સ્રોત

ટકાવારી

વર્ણન

ઋણ તથા અન્ય લાયેબિલિટી

24%

ભારત સરકારે લીધેલી લોન તથા અન્ય ઋણ

આવકવેરામાંથી થનારી આવક

21%

વ્યક્તિગત કરદાતાઓ દ્વારા તેમની કમાણી ઉપર ચૂકવવામાં આવતો ટૅક્સ

કૉર્પોરેટ ટૅક્સ

18%

કંપનીઓ દ્વારા તેમના નફા પર ચૂકવવામાં આવતો ટૅક્સ

GST તથા અન્ય વેરા

15%

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ તથા અન્ય પરોક્ષ વેરા

કરવેરા સિવાયની આવક

10%

સરકારી સેવાઓ માટે વળતું વ્યાજ, ડિવિડન્ડ અને ફી

કેન્દ્રીય આબકારી જકાત (એક્સાઇઝ ડ્યુટી)

6%

દેશની અંદર ઉત્પાદિત માલસામાન પર લેવાતો ટૅક્સ

કસ્ટમ્સ ડ્યુટી

4%

ભારતમાં આયાત કરાતા કે નિકાસ કરાતા માલસામાન પર લેવાતો ટૅક્સ

બિન-ઋણ મૂડી આવક

2%

લોનની રકમની વસૂલી તથા ડિસઇન્વેસ્ટમેન્ટ થકી પ્રાપ્ત આવક

રૂપિયો ક્યાં જશે (ખર્ચ) : અહીં સરકાર વિવિધ ક્ષેત્રો માટે એના ભંડોળની કેવી રીતે ફાળવણી કરે છે એની વિગત છે

ક્ષેત્ર

ટકાવારી

વર્ણન

કરવેરામાં રાજ્યોનો હિસ્સો

22%

ટૅક્સ અને ડ્યુટીઓનો એ હિસ્સો જે રાજ્ય સરકારોને આપવામાં આવે છે

વ્યાજની ચુકવણી

20%

સરકાર દ્વારા અગાઉના ઋણ પર ચૂકવવામાં આવેલું વ્યાજ

કેન્દ્રીય યોજનાઓ

17%

સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના ભંડોળથી ચાલનારી યોજનાઓ

સંરક્ષણ

11%

દેશનાં સૈન્યો તથા આંતરિક સુરક્ષા માટેનું બજેટ

કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ

8%

કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત ભંડોળવાળી યોજનાઓ

નાણા પંચ તથા અન્યો

7%

નાણા પંચની ભલામણ આધારિત અપાતી ગ્રાન્ટ

અન્ય ખર્ચ

7%

સામાન્ય વહીવટી તથા વિવિધ ખર્ચ

મુખ્ય સબસિડી

6%

અન્ન, ખાતર તથા ઈંધણ માટે અપાતી આર્થિક મદદ

 

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK