° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


ઉદ્ધવ ઠાકરે સરકારે વિશ્વાસના મતનો સામનો શા માટે ન કર્યો?

17 March, 2023 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવ મહિનાથી ચાલી રહેલા શિવસેનામાં સત્તાસંઘર્ષ મામલાની સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીના ગઈ કાલના છેલ્લા દિવસે કોર્ટે સવાલ કર્યો : બંને પક્ષની લાંબી દલીલો સાંભળ્યા બાદ પાંચ જજની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

શિવસેનામાં સત્તા મેળવવા માટે નવ મહિનાથી ચાલી રહેલી લડતની સુનાવણી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ હતી. છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે જૂથ વતી રિજોઇન્ડર રજૂ કરનારા વકીલોને ખંડપીઠે સવાલ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની સરકારે વિશ્વાસનો મત લીધા વિના કેમ રાજીનામું આપ્યું? રાજીનામું આપ્યા બાદ કોર્ટ એ સમયની સ્થિતિ પાછી કેવી રીતે લાવી શકે?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જસ્ટિસની બંધારણીય ખંડપીઠ સમક્ષ શિવસેનાના સત્તાસંઘર્ષની ગઈ કાલે છેલ્લી સુનાવણી થઈ હતી. હવે આ મામલામાં કોઈ સુનાવણી હાથ ધરવામાં નહીં આવે. બંને પક્ષના વકીલોની લાંબી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જોકે ચુકાદો અનામત રાખ્યો છે.

બુધવારે એકનાથ શિંદે જૂથ વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ લીધેલા નિર્ણય બાબતે રજૂઆત કરી ત્યારે ખંડપીઠે રાજ્યપાલની ભૂમિકા સામે સવાલ ઊભા કર્યા હતા. વિશ્વાસનો મત લેવાનો નિર્દેશ આપવો એ સરકાર તોડી પાડવાનો પ્રયાસ તો નહોતોને? એવો પણ સવાલ કર્યો હતો. જોકે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ એ સમયનો આખો ઘટનાક્રમ કહ્યો હતો અને રાજ્યપાલે બંધારણની અંદર રહીને જ તમામ નિર્ણય લીધા હોવાનો દાવો કર્યો હતો.

બાદમાં આ બાબતે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે રાજ્યપાલનો નિર્ણય અયોગ્ય હોવાની દલીલ કરી હતી. આ દલીલ ગઈ કાલે પણ આગળ ચલાવી હતી. તેમની દલીલ સાંભળતી વખતે ખંડપીઠે સવાલ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફરીથી કેવી રીતે લાવી શકાય? ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘જૂની સ્થિતિ પાછી લાવવાનું કહેવું સરળ છે, પણ શું થાત જો ઉદ્ધવ ઠાકરે એ સમયે ફરી મુખ્ય પ્રધાન બની જાત? તેમણે એ સમયે રાજીનામું નહોતું આપ્યું? આ એવું છે જેમ અદાલતમાં કહેવાઈ રહ્યું છે કે જે સરકાર રાજીનામું આપી ચૂકી છે એને ફરી સત્તા સોંપો. તત્કાલીન મુખ્ય પ્રધાને વિશ્વાસના મતનો સામનો કર્યા વગર રાજીનામું આપ્યું. આથી કોર્ટ હવે કેવી રીતે ફરી મુખ્ય પ્રધાન બનાવી શકે?’

ઉદ્ધવ ઠાકરે જૂથ વતી ઍડ્વોકેટ કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામતે ગઈ કાલે રિજોઇન્ડર પ્રસ્તુત કર્યાં હતાં. કપિલ સિબલે રાજ્યપાલની ભૂમિકા અને તેમણે લીધેલો નિર્ણય અયોગ્ય હોવાનું તેમ જ એકનાથ શિંદે પક્ષપ્રમુખ ન હોવા છતાં કેવી રીતે પક્ષના નેતા તરીકે સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ કહ્યું હતું. પહેલાં તેમણે કહ્યું હતું કે તેમણે શિવસેનામાં કોઈ બળવો નથી કર્યો અને બાદમાં ચૂંટણી પંચમાં પોતે જ શિવસેના છે એમ કહીને શિવસેના પક્ષ અને ધનુષબાણ મેળવ્યું છે.

બંધારણીય ખંડપીઠે તેમની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી પૂરી થવાનું જાહેર કર્યું હતું. હવે તેઓ આ બાબતે ક્યારે ચુકાદો આપે છે એના પર સૌની નજર રહેશે. નવ મહિનાથી ચાલી રહેલા શિવસેનાના સત્તાસંઘર્ષે રાજ્યના રાજકારણમાં ઐતિહાસિક કહી શકાય એવો માહોલ ઊભો કરી દીધો છે. હવે આ લડાઈ બંધ થાય અને ઝટ ચુકાદો આવે એમ બધા ઇચ્છી રહ્યા છે.

બંધારણના નિષ્ણાતોના મતે સુપ્રીમ કોર્ટ જે કોઈ ફેંસલો આપશે એના પ્રત્યાઘાત આખા દેશમાં પડશે અને ભવિષ્યમાં કોઈ પણ રાજ્યમાં આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો આ ચુકાદાને બેન્ચમાર્ક તરીકે જોવામાં આવશે. 

17 March, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

જાગો ગ્રાહક જાગો

કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ ખરીદ્યા પછી જો કોઈ ફરિયાદ હોય તો વેઇટ ઍન્ડ મેઝર ડિપાર્ટમેન્ટને કરો ફરિયાદ : ગયા વર્ષે આવા બનાવમાં ૮૦૦૦ લોકો પર કાર્યવાહી થઈ

22 March, 2023 09:38 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

બાંદરાની ફૅમિલી કોર્ટમાં મહિલાઓ અને બાળકો માટે ફીડિંગ અને ચાઇલ્ડ કૅર રૂમ

મહિલાઓ તેમનું જીવન સન્માનથી જીવી શકે અને તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન ન થાય એ માટે તમામ સાર્વજનિક સ્થળોએ ચાઇલ્ડ કૅર રૂમ અને ફીડિંગ રૂમ હોવી અનિવાર્ય

19 March, 2023 08:23 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

ગેરકાયદે હડતાળને લીધે શહેરીજનોને અગવડ ન પડવી જોઈએ : હાઈ કોર્ટ

આ અરજીમાં શૈક્ષણિક અને મેડિકલ સ્ટાફ સહિત રાજ્યના સરકારી કર્મચારીઓની ચાલી રહેલી હડતાળને તત્કાળ પાછી ખેંચી લેવાની માગણી કરવામાં આવી હતી

18 March, 2023 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK