અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં પેઇન્ટનું કામ કરતો હતો ત્યારે પાવરકટ થઈ ગયો : ઇલેક્ટ્રિસિટી કંપનીના કર્મચારીઓ હડતાળ પર હતા એટલે સમયસર મદદ ન મળી
તસવીર સૌજન્ય : એ.આઈ
થાણેના માજીવાડામાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં સસ્પેન્ડેડ ક્રૅડલ લિફ્ટ એટલે કે વાયરોના સહારે લટકતી ખુલ્લી લિફ્ટમાં એક કારીગર ૨૧મા માળે કામ કરતો હતો ત્યારે અચાનક પાવરકટ થતાં તે ૧૫ કલાક સુધી લટકી રહ્યો હતો.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘માજીવાડા પેટ્રોલ-પમ્પની સામે નવા બની રહેલા એક બિલ્ડિંગમાં ૩૯ વર્ષનો કારીગર પેઇન્ટનું કામ કરતો હતો. મંગળવારે બપોરે ૩ વાગ્યે અચાનક પાવરકટ થતાં લિફ્ટ બંધ થઈ ગઈ હતી. અમને મોડી રાતે બે વાગ્યે ફરિયાદ મળી હતી. હું ચાર વાગ્યે સાઇટ પર પહોંચ્યો ત્યારે ત્યાં ફક્ત કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર હાજર હતા. ઇલેક્ટ્રિસિટી કંપનીના કર્મચારીઓ હડતાળ પર હોવાને લીધે મદદ મળવામાં મોડું થયું હોવાનું કહેવામાં આવતાં મેં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કંપનીના વરિષ્ઠ અધિકારીને ફોન કર્યો હતો. તેમણે તાત્કાલિક બે કર્મચારીઓને મોકલી આપ્યા હતા.’
ADVERTISEMENT
સાઇટ એન્જિનિયરે પ્રાઇવેટ જનરેટરની વ્યવસ્થા કરી આપતાં છ વાગ્યે કારીગરને સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાનાં ધોરણો યોગ્ય રીતે જળવાતાં ન હોવાનું યાસીન તડવીએ ઉમેર્યું હતું.


