દિવા સ્ટેશનના પ્લૅટફૉર્મ ૫/૬ પર વહેલી સવારે બની આંચકાજનક ઘટના : મહિલા તાબે ન થઈ તો છેડતી કરનારા બદમાશે તેને
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
છેડતી કરનારા બદમાશે તાબે ન થયેલી મહિલાને ધક્કો મારીને પ્લૅટફૉર્મ નજીકથી પસાર થતી માલગાડી આગળ ફેંકી દેવાની આંચકાજનક ઘટના દિવા સ્ટેશન પર બની હતી. ટ્રેન નીચે કચડાતાં પીડિત મહિલાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. સ્ટેશન પર કામ કરતા સફાઈ-કામદાર તુલસીદાસ કામડી ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે થાણે પોલીસે ૩૯ વર્ષના રાજન સિંહ નામના માણસની ધરપકડ કરી છે.
ફરિયાદીએ આપેલી માહિતી મુજબ દિવા સ્ટેશન પર શુક્રવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પ્લૅટફૉર્મ નંબર ૫/૬ પર બે જણના ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે પ્લૅટફૉર્મ નંબર ૭/૮ પર કામ કરતા સફાઈ-કર્મચારીએ એ તરફ જોયું તો એક પુરુષે મહિલાને ગળામાં હાથ નાખીને આગળથી પકડી લીધી હતી. મહિલા પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ એક માલગાડી ત્યાંથી પસાર થતાં આરોપીએ મહિલાને પ્લૅટફૉર્મ પરથી ધક્કો મારી દીધો હતો. ટ્રેન નીચે આવી જતાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આરોપી ટ્રૅક પરથી ભાગીને છટકવા માગતો હતો ત્યારે દિવા સ્ટેશન પર હાજર કૉન્સ્ટેબલ સાગર શિંદેએ તેને પકડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતાં ન હોવાનું જણાયું છે.

