ટમેટાંની આવકમાં સુધારો થયો હોવાથી નવી મુંબઈની શાક માર્કેટમાં ૫૦થી ૬૦ રૂપિયે કિલો વેચાય છે, પણ મુંબઈ અને ઉપનગરોમાં રીટેલમાં એનો ભાવ ૧૨૦થી ૧૫૦ રૂપિયા ચાલે છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા બે મહિનાથી ટમેટાંનો પાક ઓછો થયો હોવાથી નવી મુંબઈના વાશીની એપીએમસી હોલસેલ શાક માર્કેટમાં ટમેટાંના ભાવ ૮૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા હતા. જોકે હવે માર્કેટમાં ટમેટાંની આવકમાં સુધારો થયો હોવાથી નવી મુંબઈની હોલસેલ શાક માર્કેટમાં ટમેટાં ૫૦થી ૬૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. જોકે મુંબઈ અને ઉપનગરોમાં આજે પણ છૂટક શાકવાળાઓ ખુલ્લેઆમ ઘરાકોને લૂંટી રહ્યા છે. ગઈ કાલે મુંબઈના ઘાટકોપર, મુલુંડ, મલાડ, કાંદિવલી, સાઉથ મુંબઈના ભાયખલા અને ભુલેશ્વરમાં ટમેટાં ૧૦૦થી ૧૨૦ રૂપિયે કિલો વેચાય છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટમેટાંના નવા પાકના આગમનથી ટમેટાંની આવક વાશીમાં રોજની ૩૦થી ૩૫ ટ્રકોની થઈ ગઈ છે. એને કારણે હોલસેલ માર્કેટમાં ટમેટાંના ભાવ ઘટીને ૫૦થી ૬૦ રૂપિયા કિલો ચાલી રહ્યા છે. જોકે, વસઈ-વિરારમાં વસઈનો લોકલ માલ આવતાં ટમેટાંના ભાવ ગઈ કાલે સ્ટેશન પાસે ૫૦થી ૬૦ રૂપિયા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
નવાં ટમેટાંની આવકની માહિતી આપતાં એપીએમસીના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઉથની સાથે હવે મહારાષ્ટ્રના સાતારા, સાસવડ, વિટાથી ટમેટાંની આવક શરૂ થઈ ગઈ છે. નાશિકનાં ટમેટાં પણ ૨૦થી ૩૦ દિવસમાં માર્કેટમાં આવવાની શરૂઆત થઈ જશે. અત્યારે માર્કેટમાં ૫૦થી ૬૦ રૂપિયે કિલો ટમેટાં વેચાય છે. ત્યાર પછી નાશિકનાં ટમેટાંની આવક શરૂ થતાં હોલસેલ માર્કેટમાં ટમેટાં ૨૦થી ૪૦ રૂપિયે કિલો વેચાશે. આમ હવે ટમેટાંના ભાવ નીચે જઈ રહ્યા છે. મે મહિનામાં ભાવમાં જબરો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર પછી ખેડૂતોએ નવા પાકની વાવણી શરૂ કરી દીધી હતી. હવે તો ઉત્પાદનની શરૂઆત પણ થઈ ગઈ છે. અત્યાર સુધી ફક્ત બૅન્ગલોરથી જ ટમેટાં આવતાં હતાં. ત્યાંનો ભાવ ૧૮૦ રૂપિયે કિલો હતો, જ્યારે હવે બૅન્ગલોરનાં ટમેટાંનો ભાવ નીચે પડીને ૬૦થી ૮૦ રૂપિયે કિલો થઈ ગયો છે. હવે આંધ્ર પ્રદેશની સાથે કર્ણાટકના કોલાર, નામંગલા, માલાવલ્લી અને માંડ્યાથી ટમેટાં આવવા લાગ્યાં છે. એની સાથે મહારાષ્ટ્રમાંથી પણ ટમેટાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ટમેટાં મુંબઈમાં આવશે પછી ભાવ હજી ઘટશે.’
નવાઈની વાત એ છે કે ટમેટાંની મુંબઈમાં આવક વધવાથી અને હોલસેલ માર્કેટમાં પણ ટમેટાંના ભાવમાં જબરો ઘટાડો થયો હોવા છતાં મુંબઈમાં આજે પણ ટમેટાંના ભાવ ૧૦૦થી ૧૫૦ રૂપિયા કિલો છે. આ માહિતી આપતાં ઘાટકોપર (વેસ્ટ)ના અમૃતનગરમાં રહેતા યોગગુરુ દીપક બગડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે પણ અમારા અમૃતનગરમાં ટમેટાં છૂટકમાં મોંઘા ભાવે જ વેચાઈ રહ્યા છે અને એ પણ હલકી ગુણવત્તાનાં, જેના પર નિયંત્રણ લાવવાની જરૂર છે.’
બદલાપુરમાં આજે પણ ટમેટાં ૧૬૦ રૂપિયે કિલો વેચાય છે એમ જણાવીને બદલાપુરમાં રહેતાં સુધા ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને હજી ક્યાંય શાકભાજી સસ્તાં થયા હોવાનો અહેસાસ થતો નથી. અમે ફક્ત મીડિયામાં ટમેટાંના અને શાકભાજીના ભાવ ઘટ્યા હોવાના સમાચાર સાંભળીએ છીએ. બાકી આજે પણ શાકભાજીવાળાઓ અમને લૂંટી રહ્યા છે.’

