ભાયખલાના વેપારીએ ક્લિક કરીને કઈ રીતે ૧,૩૮,૯૯૮ રૂપિયા ગુમાવી દીધા એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ભાયખલા-ઈસ્ટના ઘોડપદેવમાં રહેતા ૩૯ વર્ષના એક વેપારીએ લાલબાગચા રાજા એક્ઝિક્યુશન નામના વૉટ્સઍપ-ગ્રુપમાં મળેલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ઈ-ચલાન દર્શાવતી APK ફાઇલ પર ક્લિક કરતાં ૧,૩૮,૯૯૮ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં સોમવાર સાંજે નોંધાઈ હતી. કાલાચૌકી વિસ્તારમાં ઠંડાં પીણાંનો વ્યવસાય કરતા હોવાથી મંડળના સભ્યો તેમ જ આસપાસના વેપારીઓએ તેમને લાલબાગચા રાજા એક્ઝિક્યુશન નામના વૉટ્સઍપ-ગ્રુપમાં ઍડ કર્યા હતા. વેપારીએ ૩ સપ્ટેમ્બરે વૉટ્સઍપ-ગ્રુપમાં ઈ-ચલાન APK ફાઇલ જોઈને પોતાના વાહન પરનો ફાઇન તપાસવા એના પર ક્લિક કર્યું હતું. ત્યાર બાદ સતત ચાર દિવસ સુધી વેપારીના બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા ઊપડી ગયા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
- ઠંડાં પીણાંનો વ્યવસાય કરતા વેપારીએ ૩ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે લાલબાગચા રાજા એક્ઝિક્યુશન વૉટ્સઍપ-ગ્રુપમાં RTO ઈ-ચલાન દર્શાવતી APK ફાઇલ જોઈ હતી.
- વેપારીએ પોતાના વાહનનો ફાઇન તપાસવા APK ફાઇલ પર ક્લિક કરતાં એક ઍપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ થઈ હતી.
- મોબાઇલમાં ડાઉનલોડ થયેલી ઍપ્લિકેશન પર ક્લિક કરતાં એક ફૉર્મ આવ્યું હતું જેમાં બૅન્કની માહિતી સહિત અન્ય માહિતી ભરવાનું કહેવામાં આવ્યું હતું. એ મુજબ વેપારીએ પોતાની તમામ માહિતી એમાં ભરી હતી.
- માહિતી ભર્યા બાદ RTO ઑફિસર તરીકેની ઓળખ આપીને વેપારીને એક યુવકે ફોન કરી તમારો ફાઇન પેન્ડિંગ છે કહીને તાત્કાલિક ૧૦ રૂપિયા ભરવાનું કહ્યું હતું. એ વ્યક્તિ પર વિશ્વાસ રાખીને વેપારીએ ૧૦ રૂપિયા મોબાઇલમાં ડાઉનલોડ થયેલી ઍપ્લિકેશનમાં ભરી દીધા હતા.
- થોડી વારમાં વેપારીના બૅન્ક-અકાઉન્ટમાંથી ૫૦૦૦ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ આવ્યો એટલે વેપારીએ તાત્કાલિક RTO ઑફિસર નામે ઓળખ આપનાર વ્યક્તિને ફોન કરી પૈસા કપાયા વિશે માહિતી આપી હતી. એ સમયે વેપારીને કહેવામાં આવ્યું કે ૨૪ કલાકમાં તમારા પૈસા અકાઉન્ટમાં પાછા આવી જશે.
- આ ઘટના બાદ વેપારી સતત કામમાં વ્યસ્ત હતા ત્યારે સતત ૪-પ-૬ સપ્ટેમ્બરના ૪ દિવસમાં તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧,૩૮,૯૯૮ રૂપિયા ઊપડી ગયાનો મેસેજ આવતાં તેમણે ઘટનાની ફરિયાદ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.


