દાદર-માટુંગાના વેપારીઓ સાથે ઘરોબો ધરાવતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશી વિશે તેમના મિત્ર શાંતિલાલ મારુએ કહ્યું
ગઈ કાલે રાજકીય સન્માન સાથે મનોહર જોશીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. (સૈયદ સમીર અબેદી)
લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના બાળાસાહેબ બાદના સૌથી વજનદાર નેતા મનોહર જોશીનું ગઈ કાલે વહેલી સવારે ૮૬ વર્ષની ઉંમરે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું હતું. મુંબઈમાં બીએમસીના ક્લર્કની નોકરીથી મુખ્ય પ્રધાન અને છેક લોકસભામાં સ્પીકર સુધીની રાજકીય સફર કરનારા મનોહર જોશીનો દાદર અને માટુંગાના ગુજરાતી અને કચ્છી વેપારીઓ સાથે ખૂબ સારો ઘરોબો હતો. વેપારીઓને કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે મનોહર જોશી તેમને મદદ કરતા. વેપારીઓના કહેવા મુજબ તેઓ ક્યારેક કોઈ સાથે રૂપિયાનો વ્યવહાર કરતા ત્યારે અચૂક યાદ રાખીને સમયસર પાછા આપી દેતા.
દાદરમાં આવેલા સુવિધા શોરૂમના માલિક શાંતિલાલ મારુ મનોહર જોશીના ખૂબ જ નજીકના મિત્ર હતા. મનોહર જોશીના સ્વભાવ અને તેમના વ્યક્તિત્વ વિશે શાંતિલાલભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોશીસાહેબ જબાનના પાક્કા અને ટાઇમસર કામ કરવામાં ખૂબ માનતા હતા. મારો તેમની સાથે લાંબો પરિચય રહ્યો છે. વેપારીઓને કોઈ તકલીફ હોય કે બીજી મુશ્કેલી ઊભી થતી ત્યારે તેઓ શિવસેનાના મોટા પદે હોવા છતાં ખડેપગે રહેતા. તેમનો વ્યવહાર એટલો ચોખ્ખો હતો કે તેમની સાથે બિઝનેસ કરવા માટે કોઈને ખચકાટ નહોતો રહેતો. મારા પર તેમને એટલો બધો વિશ્વાસ હતો કે અમારી વચ્ચે કોઈ ડીલ થઈ હોય તો એની તેઓ કે હું કોઈ નોંધ પણ નહોતા રાખતા. ચારથી પાંચ દાયકાની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે કોઈની સાથે ખોટું કર્યું હોય એવો કદાચ એક પણ દાખલો નહીં મળે. તેમના આવા સ્વભાવને કારણે જ બાળાસાહેબ ઠાકરેએ તેમના પર વિશ્વાસ રાખીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.’
સારવાર દરમ્યાન દમ તોડ્યો
ADVERTISEMENT
મનોહર જોશીની તબિયત કથળતાં તેમને ગુરુવારે રાત્રે માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. અહીં ગઈ કાલે વહેલી સવારે સારવાર દરમ્યાન જ તેમનું અવસાન થયું હોવાનું ડૉક્ટરોએ જાહેર કર્યું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે. ગયા વર્ષે મે મહિનામાં તેમને બ્રેઇન હૅમરેજ થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થયા બાદ તેમને એ સમયે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
શિવાજી પાર્કમાં અંતિમવિધિ
મનોહર જોશીના પાર્થિવ દેહને ગઈ કાલે બપોરના ૧૧થી બે વાગ્યા દરમ્યાન તેમના માટુંગામાં આવેલા નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વિવિધ પક્ષોના નેતાઓ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે સહિત અસંખ્ય શિવસૈનિકો પહોંચ્યા હતા. બાદમાં ત્રણ વાગ્યે શિવાજી પાર્કની સ્મશાનભૂમિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ક્લર્કથી મુખ્ય પ્રધાન અને લોકસભાના સ્પીકર સુધીની સફર
રાયગડ જિલ્લાના નાનકડા નાંદવી ગામમાં ૧૯૩૭ની બીજી ડિસેમ્બરે જન્મેલા મનોહર જોશીનો રાજકીય પ્રવાસ ઘણો સંઘર્ષમય રહ્યો હતો. તેમના ઘરની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી એટલે તેમણે મુંબઈ આવીને પહેલાં એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં સિપાહીની અને બાદમાં બીએમસીમાં ક્લર્કની નોકરી કરી હતી. સાથે તેમણે ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ તેમણે કોચિંગ ક્સાસિસ શરૂ કર્યા હતા જેને લીધે તેઓ ‘સર’ના નામે ઓળખાતા હતા.
૨૭ વર્ષની ઉંમરે તેમણે એમએ, એલએલબી કર્યું હતું. તેમણે ૭૨ વર્ષની ઉંમરે શિવસેનાની સ્થાપના, પક્ષનો વિકાસ, સ્વરૂપ, યશઅપયશ અને ભારતીય રાજકારણમાં શિવસેનાનું ભવિષ્યનો વિશ્લેષણાત્મક અભ્યાસ વિષય પર સંશોધન કરીને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
કોહિનૂર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના
મનોહર જોશીનો સ્વભાવ રાજકારણ કરતાં ઉદ્યોગનો હતો. આથી તેમણે પહેલાં દૂધ, ફટાકડાનું વેચાણ સહિતના ધંધા કર્યા હતા. અનુભવ મેળવ્યા બાદ તેમણે ૧૯૬૯ની બીજી ડિસેમ્બરે કોહિનૂર નામના કોચિંગ ક્લાસિસની સ્થાપના કરી હતી. બાદમાં આ ક્લાસિસ કોહિનૂર ઇન્સ્ટિટ્યૂટ બની, જેની ભારતભરમાં ૭૦ બ્રાન્ચ કરી હતી.
બે વખત નગરસેવક, મેયર બન્યા
મનોહર જોશીએ તેમની રાજકીય શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક તરીકે કરી હતી. જોકે બાળાસાહેબ ઠાકરેના વિચારોથી પ્રેરાઈને તેઓ ૧૯૬૭માં શિવસેનામાં જોડાયા હતા. પક્ષનું કામ કરતાં-કરતાં તેઓ મુંબઈ બીએમસીમાં બે વખત નગરસેવક થયા અને મુંબઈના મેયર થયા. બાદમાં સળંગ ત્રણ વખત વિધાન પરિષદના સભ્ય રહ્યા. બાદમાં રાજ્યમાં પહેલી વખત શિવેસના-બીજેપીની સરકાર ૧૯૯૫માં બની ત્યારે શિવસેનાના પહેલા મુખ્ય પ્રધાન બન્યા. ચાર વર્ષ તેઓ આ પદે રહ્યા હતા. ૧૯૯૯થી ૨૦૦૪ દરમ્યાન કેન્દ્રમાં બીજેપીની સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રીય ભારે ઉદ્યોગપ્રધાન બન્યા અને બાદમાં તેમણે લોકસભાના સ્પીકરની જવાબદારી સંભાળી હતી.
અંતિમ શ્વાસ સુધી શિવસેનાને વફાદાર રહ્યા
બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ શિવસેનામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. રાજ ઠાકરે, છગન ભુજબળ, નારાયણ રાણે, ગણેશ નાઈક સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ શિવસેનાને રામરામ કર્યા હતા; પરંતુ મનોહર જોશી કાયમ ઠાકરે પરિવાર અને શિવસેના સાથે રહ્યા હતા અને અંતિમ શ્વાસ સુધી તેમણે આ વફાદારી નિભાવી હતી.


