દાદર રેલવે-સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલી વ્યક્તિને પોલીસે આમ કહીને ત્યાંથી ભગાડી દીધી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિક્રોલીના એક બિઝનેસમૅન થાણે રેલવે-સ્ટેશનના બ્રિજ પરથી જઈ રહ્યા હતા ત્યારે બે બાળકો તેમની પાસે પૈસા માગવા આવ્યા હતા અને તેમની પાછળ તેમના બીજા સાથીઓએ આવીને બિઝનેસમૅનનો મોબાઇલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાથી ડરી ગયેલા બિઝનેસમૅને પ્લૅટફૉર્મ નંબર ૩ પર ભાગવાનું શરૂ કર્યું તો બન્ને યુવકો તેમની પાછળ દોડ્યા હતા. ત્યાંથી પ્લૅટફૉર્મ નંબર ૬ પર આવીને તેઓ કોકણ એક્સપ્રેસમાં બેસીને દાદર ઊતર્યા હતા. દાદરના રેલવે પ્રોટેક્શન ફોર્સના સ્ટાફને તેમણે ફરિયાદ નોંધવાનું કહ્યું ત્યારે તેમણે ‘હમારે પાસ આનેકા નહીં, તુમ્હારા કમ્પ્લેઇન્ટ બાહર દેખો’ એવો તોછડાઈભર્યો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બિઝનેસમૅને દાદર પોલીસ-સ્ટેશનમાં આખી ઘટના જણાવીને તેમનો કેસ દાદર રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાવ્યો હતો. એ પછી એ કેસ થાણે રેલવે પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આાવ્યો હતો.


