Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભગવાન કરે આવી વરસાદી યાતના પાછી ન સહેવી પડે:  કેવી યાતનામાંથી પસાર થયા વસઈ, નાલાસોપારા, વિરારના રહેવાસીઓ?

ભગવાન કરે આવી વરસાદી યાતના પાછી ન સહેવી પડે:  કેવી યાતનામાંથી પસાર થયા વસઈ, નાલાસોપારા, વિરારના રહેવાસીઓ?

Published : 10 July, 2026 07:22 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

છેલ્લા થોડાક દિવસમાં વસઈ, નાલાસોપારા અને વિરારના લોકો પર શું વીતી છે એ જાણીને તમે હચમચી જશો

વસઈ-વેસ્ટ, નાલાસોપારા-ઈસ્ટ, વસઈ-વેસ્ટ અને વિરાર-વેસ્ટના દૃશ્યો

સ્પેશ્યલ રિપોર્ટ

વસઈ-વેસ્ટ, નાલાસોપારા-ઈસ્ટ, વસઈ-વેસ્ટ અને વિરાર-વેસ્ટના દૃશ્યો


મુશળધાર વરસાદને કારણે વસઈ, નાલાસોપારા અને વિરારના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી, વીજળી ગુલ થવાથી અને જનજીવન ઠપ થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રહેવાસી ઇમારતોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને મૂળભૂત સુવિધાઓ વગર રહેવાની ફરજ પડી હતી અને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા થતી હોવાથી હવે સંયમનો બંધ તૂટ્યો છે. અસરગ્રસ્ત રહેવાસીઓમાં પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. આવા જ કેટલાક પરિવારો સાથે વાતચીત કરીને મિડ-ડેએ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

ભગવાનનાં દર્શન પણ ભીતરમાં




કેતન શાહ, ટ્રસ્ટી, દ્વારકેશ દર્શન હવેલી, નાલાસોપારા-ઈસ્ટ

હવેલીવાળા રોડ પર પહેલી વાર પાણી નથી ભરાયાં. આ સમસ્યા દર વર્ષની છે. ૧૨ વર્ષથી જોઉં છું કે ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય, ગટરનાં ઢાંકણાં ખુલ્લાં હોય, રોડ તૂટેલા હોય. એમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરવા આવે ત્યારે તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. પ્રશાસનને અનેક વાર ફરિયાદ કરી છે, પરંતુ રોડ ઊંચો કરતા નથી. ડુંગરનું પાણી ગાલાનગર થઈને અને શંખેશ્વરનગરનું પાણી હવેલી પાસે આવી જાય છે. દર વખતે પ્રશાસન એમ જ કહે છે કે ચોમાસા પછી ટેન્ડર પાસ થઈ જશે, પણ કંઈ થતું નથી. ચોમાસામાં વીજળી ગુલ થવી એ નવી વાત નથી. પાંચ દિવસ ભારે વરસાદને લીધે હવેલીનાં પગથિયાં સુધી પાણી આવી ગયું હતું. શયનનાં દર્શનમાં વીજળી વિના મુશ્કેલી પડે. વૈષ્ણવોની સલામતીને ધ્યાનમાં રાખી મોટા ભાગનાં દર્શન ભીતરમાં રાખવાની ફરજ પડી હતી. જોકે ભગવાન દ્વારકાધીશ માટે લીલો અને સૂકો મેવો તેમ જ દૂધ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. બે સેવકો હાજર રહ્યા હતા. પાણીના નિકાલની સુવિધાના અભાવે વરસાદ રહી ગયા પછી પણ રોડ સુકાતાં સમય લાગે છે. અત્યારે કીચડના લીધે વૈષ્ણવોને હાલાકી ભોગવવી પડી રહી છે. 


એરિયાની જ્યૉગ્રાફી બરાબર નથી કે પ્રશાસન ઊંઘે છે?

મિતુલ મકીમ, કામનવાલા કુંજ, વિરાર-વેસ્ટ

પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. દર વખતે પાણી ભરાઈ જાય છે. સામાન્ય રીતે જુલાઈના અંતમાં પાણી ભરાતું હોય છે. આ વખતે પહેલા વરસાદમાં જ ઘરમાં દોઢ ફુટ પાણી ઘૂસી ગયાં. વરસાદ ધીમો પડ્યો ત્યારે સાફસફાઈ કરી ત્યાં વરસાદનું જોર વધ્યું અને પાણીનું સ્તર અઢી ફુટ થઈ ગયું. મને એ સમજાતું નથી કે અમારા એરિયાની જ્યૉગ્રાફી બરાબર નથી કે પ્રશાસન ઊંઘે છે? કોઈ ઉકેલ કેમ નથી લાવતા? ગ્રાઉન્ડ ફ્લોરનો ફ્લૅટ લીધો ત્યારે એવો વિચાર આવ્યો હતો કે સામે ગાર્ડન છે અને પગથિયાં ચડવા નહીં પડે, પરંતુ હવે અફસોસ થાય છે. વૉશિંગ મશીન ટેબલ પર ચડાવી દીધું, પરંતુ ફ્રિજ પાણીમાં તરતાં-તરતાં પડી ગયું. ફર્નિચર ખરાબ થઈ ગયું. કલાકો સુધી વીજળી ગુલ રહ્યા પછી વિરારમાં જ ગ્લોબલ સિટીમાં રહેતી બહેનના ઘરે જવા નીકળ્યો. ભારે વરસાદને લીધે કોઈ સાધન મળે નહીં. એક કલાક રાહ જોયા બાદ ટ્રૅક્ટરમાં બેસીને પહોંચ્યો. આર્થિક નુકસાની સાથે જીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. 

સ્પેશ્યલ ચાઇલ્ડને સાચવવામાં કસોટી થઈ

હરેશ કાણકિયા, નેમીનાથ સોસાયટી, નાલાસોપારા-ઈસ્ટ
અમારી ૧૦ વર્ષની દીકરી સ્પેશ્યલ ચાઇલ્ડ છે. જન્મથી સેરિબ્રલ પૉલ્ઝીની બીમારીથી પીડિત હોવાથી તેની તમામ દૈનિક ક્રિયાઓ પથારીમાં જ થાય છે. ભારે વરસાદને લીધે ૪ દિવસ વીજળી નહોતી. ઘરમાં પીવાનું અને વાપરવાનું પાણી ખલાસ થઈ ગયું હતું. તેને અમૂલ તાઝા દૂધમાં ક્રશ કરી લિક્વિડ બનાવીને જમવાનું આપવું પડે છે. દૂધની ગાડીઓ આવતી નહોતી. મારી પત્નીને પણ સગર્ભાવસ્થામાં ડાયાબિટીઝ આવ્યો હતો. દીકરીની જવાબદારી સાથે અમારી તબિયત સાચવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જનરેટરની બૅટરી ઊતરી ગઈ અને એક સમયે મીણબત્તી પણ ખૂટી ગઈ. દિવાળીનાં કોડિયાં શોધ્યાં અને દીવાના પ્રકાશમાં આખી રાત અમે બન્ને બે-બે કલાકના વારા કરી દીકરીને છાપાથી હવા નાખતાં જેથી તેની ઊંઘમાં ખલેલ ન પડે. અમે ઘરમાં જે હતું એ ખાઈ લેતાં. એક દિવસ પાડોશીએ દીકરી માટે દૂધ લાવી આપ્યું. આમજનતાને તો કોઈ સુવિધા મળતી નથી, પણ નગરપાલિકાએ સ્પેશ્યલ ચાઇલ્ડને મદદ પહોંચાડવી જોઈતી હતી. સગાંસંબંધીઓ સાથે ૪ દિવસે કૉન્ટૅક્ટ થયો. તેઓ બહુ ચિંતા કરતાં હતાં, પણ મોબાઇલ બંધ થઈ ગયા હતા એટલે ક્યાંથી કૉન્ટૅક્ટ થાય. પરિસ્થિતિને મૅનેજ કરવામાં ભગવાન યાદ આવી ગયા.

૩૫ વર્ષમાં પહેલી વાર આટલું પાણી જોયું

પરેશ જાદવાણી, ૧૦૦ ફીટ રોડ, વસઈ-વેસ્ટ
અમારા બિલ્ડિંગમાં તો જાણે પૂર આવ્યાં હતાં. ૩૫ વર્ષનો રેકૉર્ડ થઈ ગયો. ક્યારેય પાણી ભરાયાં નથી. બધાએ પહેલી વાર આટલું પાણી જોયું. ૪ દિવસ વીજળી વિના કાઢ્યા. અમે ઘરમાં પાંચ મેમ્બર છીએ. સામાન્ય રીતે આપણા ઘરમાં ૪-૫ દિવસ ચાલે એટલું રૅશન-પાણી હોય એટલે તકલીફ નહોતી પડી. હું મૅરથૉન-રનર અને વસઈ પિન્કેથૉનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છું. લૉન્ગ-ડિસ્ટન્સ સાઇક્લિંગ અને બાઇકિંગ માટે જઉં છું. આવા સમયે લોકોને મદદરૂપ થવામાં ફિટનેસ કામ લાગી. પાણીમાં ૧૦ કિલોમીટર ચાલી શક્યો. વીજળી વગર રહેવું બહુ મુશ્કેલ હતું, પરંતુ મારી પાસે મૅરથૉન માટે ઉપયોગમાં લેવાતી લાઇટ છે જેની બૅટરી બે વર્ષ ચાલે છે એ કામ લાગી. વસઈ-વિરારના રહેવાસીઓને હું સલાહ આપીશ કે આવી બૅટરી વસાવી લે. જોકે ઘરમાં બેઠાં-બેઠાં આર્થિક નુકસાન થયું. વસઈ-ઈસ્ટના ગવરીપાડામાં મારી ફાસનર (નટ બૉલ્ટ) બનાવવાની ફૅક્ટરી છે. એમાં ૩ ફુટ પાણી ઘૂસી ગયાં. પાંચ દિવસ ફૅક્ટરી બંધ રહી. ઑઇલ વેડફાઈ જતાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઑઇલ, અન્ય માલસામાન અને વર્કર્સની સૅલેરી સહિત અંદાજે પચીસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. નસીબજોગે વરસાદ રહી ગયો. અન્યથા મુશ્કેલી હજી વધી હોત.’

વાપરવાના પાણીના ડબલ પૈસા ચૂકવ્યા

યશ પંચાસરા, એવરશાઇન, વસઈ-ઈસ્ટ
નાલાસોપારામાં લાઇટ-પાણીની તકલીફ હતી એટલે અમે વસઈ રહેવા આવ્યા. અહીં પણ એવી જ હાલાકી થઈ. અમારા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. સોમવાર સવારથી વીજળી ગુલ હતી તે બુધવારે મોડી સાંજે આવી. અમે ત્રીજા માળે રહીએ છીએ. ટૉપ ફ્લોર હોવાથી અગાસીમાંથી પાણી આવતું હતું. બહાર આટલું પાણી અને ઘરમાં તરસ્યા. ન પીવાનું પાણી મળે કે ન વાપરવાનું મળે. ત્રણેય ભાઈ-બહેન પરેશાન થઈ ગયાં. દુકાનદારને રિક્વેસ્ટ કરી ડબલ પૈસા ચૂકવીને ૬ બૉટલ પાણી મગાવ્યું. ઘરમાં બેઠા રહીએ તો આવકની ચિંતા થાય. નાલાસોપારા-વેસ્ટમાં ફનફીએસ્ટા થિયેટર પાસે મારા કરાટે ક્લાસિસ છે. ત્યાં કમર સુધી પાણી ભરાતાં ક્લાસ બંધ રાખવા પડ્યા. એને કારણે ઘણાની આ મહિનાની ફી આવી નથી. કરાટેમાં ઉપયોગી પન્ચિંગ બૅગ, કરાટે મૅટ્સ, કાર્પેટ પાણીમાં પલળીને ખરાબ થઈ ગયાં. એક પન્ચિંગ બૅગ ૬૦૦૦ રૂપિયાની આવે છે. ૧૦ પીસની કરાટે શીટ્સ ૧૦,૦૦૦ રૂપિયાની આવે. આ બધી નુકસાની થઈ એ અલગ. એ વિસ્તારમાં હજી પાણી ઊતર્યાં નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડ્યા પછી તપાસ કરીશ કે શીટ્સ અને પન્ચિંગ બૅગ રિકવર થઈ શકે કે નહીં. મારી ભણવાની ફી કરાટે ક્લાસમાંથી નીકળે છે એની ચિંતા પણ છે. 

આમજનતાની હાલાકીની પ્રશાસનને પડી નથી

ચેતન સરૈયા, સાંઈનગર, વસઈ-વેસ્ટ
અમારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ચારેકોર પાણી જ પાણી. છેલ્લાં ૧૦ વર્ષમાં ત્રીજી વાર નુકસાન થયું છે. નગરપાલિકામાં ફરિયાદ કરી છે પણ કોઈ સાંભળતું નથી. આવીને જોઈ જાય પછી રામ-રામ કરી દે. આમજનતાની હાલાકીની તેમને પડી નથી. રીડેવલપમેન્ટને મંજૂરી આપો છો એ પહેલાં જૂની ઇમારતો પાસેના રસ્તા ઊંચા કેમ નથી કરતા એ સમજાતું નથી. મૂળભૂત સુવિધા પર કામ કરવું જોઈએ. ડ્રેનેજ સિસ્ટમનાં ઠેકાણાં નથી એટલે આ સમસ્યા ઠેરની ઠેર છે. અમારા ઘરમાં પાણી ભરાઈ જતાં ફર્નિચર ખરાબ થઈ ગયું. ફ્રિજની હાલત એવી થઈ છે કે ઊભા-ઊભા નવું લેવું પડશે. પાંચ દિવસે વીજળી આવી. એક વાર પાણી ઘૂસ્યા પછી વરસાદ રહી જાય તોય ઊતરતાં સમય લાગે. ઘરમાં ગટરનું પાણી ઘૂસી જતાં દુર્ગંધ મારે છે. સોસાયટીની ટાંકી સ્વચ્છ થયા પછી ઘરમાં પાણી આવશે. કોઈ સગવડ નથી એટલે અમે નજીકમાં રહેતા ભાઈના ઘરે રહીએ છીએ. હવે વરસાદ રહી ગયો છે તો સાફસફાઈ કરીને ઘરે પાછા ફરીશું. 

ધંધામાં મંદી, ઉપરથી નુકસાની

જિજ્ઞેશ વોરા, આચોલે રોડ, નાલાસોપારા-ઈસ્ટ
નાલાસોપારામાં આચોલે રોડ પર મારી કબાટની દુકાન છે. ૪ વર્ષ પહેલાં અમે મીરા રોડ શિફ્ટ થઈ ગયા છીએ, પણ ધંધો ત્યાં જ છે. શુક્રવારે હું અંગત કામસર સુરત ગયો હતો. શનિવારે જોરદાર વરસાદને લીધે દુકાને નહોતો ગયો. ધંધાપાણી છે નહીં અને માણસો રાખ્યા છે તેઓ સંભાળી લેશે વિચારીને ઘરે રહ્યો. રવિવારે દુકાનના કર્મચારીઓએ અને આજુબાજુની દુકાનવાળાએ વિડિયો મોકલ્યા કે દુકાનની અંદર પાણી ભરાઈ રહ્યાં છે. પરિસ્થિતિ થાળે પડ્યા પછી દુકાન ખોલી તો લગભગ અઢી ફુટ પાણી હતાં. અંદર બધું વેરવિખેર થઈ ગયું છે. ટ્રૅક્ટર જેવાં મોટાં વાહનો પસાર થયાં હશે ત્યારે પાણીના ફોર્સથી કેટલાંક કબાટ દીવાલ સાથે ભટકાઈને પડી ગયાં હતાં તો કેટલાંક કબાટના કાચ તૂટી ગયા છે. ખુરસી અને ટેબલ પાણીમાં તરતાં હતાં. આખી દુકાન કાદવથી ભરાઈ ગઈ છે. મંદીમાં આર્થિક નુકસાન થયું. દુકાનની સફાઈ, નવા કાચ અને ફર્નિચરથી લઈને કબાટને ફરીથી કલર કરવામાં અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ થશે.

વીજળી આવવાની રાહમાં છીએ

મૌસમી કોઠારી, સ્ટેશન રોડ, વિરાર 
અમારી ઇમારત ઊંચી છે એટલે કૉમ્પ્લેક્સમાં પાણી નથી ભરાયાં, પરંતુ આસપાસની ઇમારતોમાં પાણી ભરાઈ જતાં વીજળી વિભાગે પાવર કટ કરી નાખ્યો. એક દિવસ જેમતેમ વિતાવ્યો. જનરેટરનું ચાર્જિંગ ખતમ થઈ ગયું. મોબાઇલ બંધ થઈ ગયા. ફ્રિજમાં સ્ટોર કરેલી વસ્તુઓ બગડવા લાગી. દૂધ ફાટી ગયું. વીજળી વિના મોટર ચાલુ ન થાય અને પાણી ઉપર ન ચડે એટલે ઘરમાં વાપરવાનું પાણી મળતું બંધ થયા પછી રસોઈ કેમ બનાવવી એ પ્રશ્ન ઊભો થયો. અમારા પાડોશમાં બે લેડીઝ એકલી રહે છે. તેઓ પણ ગભરાવા લાગી. સંપર્કવિહોણા થઈ જવાથી રાતના સમયે ભય લાગે. પરિસ્થિતિ જોતાં અમારે ​થોડા દિવસ વિરાર છોડવાનો નિર્ણય લેવો પડ્યો. હસબન્ડ અને મોટી દીકરી અંધેરી મારાં સાસુને ત્યાં ચાલ્યાં ગયાં જેથી બન્ને ઑફિસ જઈ શકે. હું અને નાની દીકરી બે દિવસ ભાઈંદર મારી બહેનના ઘરે રોકાવા ચાલ્યાં ગયાં. ગઈ કાલે રાતના ટ્રેનો શરૂ થઈ અને વીજળી આવી એવા સમાચાર મળતાં ઘરે આવ્યા, પણ જોયું તો અમારા વિસ્તારમાં કોઈકને ત્યાં વીજળી આવી છે તો ઘણાં ઘરોમાં હજી અંધારપટ છે. વીજળી વિભાગમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે જૈન મંદિર પાસેનું ટ્રાન્સફૉર્મર બળી ગયું છે. એક ફેઝ ગયો છે અને સમારકામમાં સમય લાગશે. હવે અમે વીજળી આવવાની રાહ જોઈએ છીએ. 

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 07:22 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK