Silkyara 41: આમિર ખાન પ્રોડક્શન્સ, માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ અને કબીર ખાન ફિલ્મ્સ મળીને ‘સિલક્યારા 41’ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઐતિહાસિક બચાવ અભિયાન પર આધારિત છે.
`સિલક્યારા 41` જાહેરાત કરાઇ છે. રિલીઝ સંબંધિત માહિતી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.
આમિર ખાન પ્રોડક્શન્સ (ભારત), માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ (ઓસ્ટ્રેલિયા) અને કબીર ખાન ફિલ્મ્સે પોતાની નવી ફિલ્મ ‘Silkyara 41’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં થયેલા ઐતિહાસિક બચાવ અભિયાનથી પ્રેરિત છે. ફિલ્મમાં 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલા મોટા રેસ્ક્યૂ ઓપરેશનની ઘટના દર્શાવવામાં આવશે. આ ઘટનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ટનલ નિષ્ણાત અને ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના પ્રોફેસર અર્નોલ્ડ ડિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા પણ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે. વર્ષ 2023માં બનેલી આ ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી. સિલક્યારા ટનલમાં 41 મજૂરો લગભગ 17 દિવસ સુધી ફસાયેલા રહ્યા હતા, ત્યારબાદ લાંબા અને પડકારજનક બચાવ અભિયાન બાદ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફિલ્મ આ સાહસિક બચાવ કામગીરી, મજૂરોની હિંમત અને મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરનારા બચાવ દળના પ્રયાસોને મોટા પડદા પર જીવંત કરશે.
ભારત-ઓસ્ટ્રેલિયાની ભાગીદારીમાં બનાવાશે ‘સિલક્યારા 41’ ફિલ્મ
ADVERTISEMENT
‘Silkyara 41’ની વાર્તા જાણીતા ઓસ્ટ્રેલિયન લેખક એન્ડ્ર્યુ અનાસ્તાસિયોસએ લખી છે. તેમણે અગાઉ ‘ધ વોટર ડિવાઇનર’ જેવી ફિલ્મો માટે પણ કામ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા કબીર ખાન કરશે, જેમણે ‘બજરંગી ભાઈજાન’ અને ‘83’ જેવી લોકપ્રિય ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ ભારત અને ઓસ્ટ્રેલિયાના ફિલ્મ જગત વચ્ચેના ખાસ સહયોગને દર્શાવે છે. બંને દેશોના કલાકારો અને નિર્માતાઓ સાથે મળીને એક એવી સાચી ઘટના પડદા પર લાવી રહ્યા છે, જેમાં વાર્તા, અનુભવ અને સર્જનાત્મકતાનો સુંદર મેળ જોવા મળશે.આ ફિલ્મની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. બંને દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે મળીને પરસ્પર સહયોગ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ‘Silkyara 41’ માત્ર એક ફિલ્મ નહીં પરંતુ બંને દેશોની મિત્રતા, સાથે મળીને કામ કરવાની ભાવના અને માનવતાનો સંદેશ આપતી વાર્તા બનીને સામે આવી રહી છે.
આમિર ખાને કહ્યું: ‘સિલક્યારા 41’ હિંમત અને માનવતાની સાચી વાર્તા છે
આમિર ખાન પ્રોડક્શન્સના સ્થાપક અને નિર્માતા આમિર ખાને કહ્યું કે, માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ અને આમિર ખાન પ્રોડક્શન્સ વચ્ચેની આ ખાસ ભાગીદારીની જાહેરાત કરતા અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. તેમણે કહ્યું કે સિલક્યારા ટનલ બચાવ અભિયાનની વાર્તાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. આ માત્ર એક ઘટના નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત, ધીરજ, સમજદારી અને માનવતાની ભાવના જીવંત રાખવાની પ્રેરણાદાયી વાર્તા છે. આમિર ખાને જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે, ત્યારે આવી ખાસ ક્ષણે આ ફિલ્મની જાહેરાત કરવી અમારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે ‘Silkyara 41’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ બે દેશોના સાથે મળીને કામ કરવાની ભાવના અને માનવીય હિંમતની જીતને દર્શાવતી એક ખાસ વાર્તા છે.
41 મજૂરોના બચાવ અભિયાનને મોટા પડદા પર લાવશે ‘સિલક્યારા 41’
ફિલ્મના દિગ્દર્શક કબીર ખાને કહ્યું કે સિલક્યારા ટનલ બચાવ અભિયાન તાજેતરના વર્ષોની સૌથી પ્રેરણાદાયી સાચી ઘટનાઓમાંની એક છે. તેમણે કહ્યું કે આ માત્ર બચાવ કામગીરી નહોતી, પરંતુ મુશ્કેલ સમયમાં હિંમત, ધીરજ અને બધા લોકોના સાથે મળીને કરેલા પ્રયાસોની વાર્તા હતી. કબીર ખાને જણાવ્યું કે આ ઘટનામાં તેમને સૌથી વધુ માનવીય લાગણીઓએ પ્રભાવિત કર્યા હતા. ટનલમાં ફસાયેલા મજૂરોનું જીવન, બહાર તેમની રાહ જોઈ રહેલા પરિવારજનો અને આ મુશ્કેલ કામગીરીને સફળ બનાવનારા તમામ લોકોની ભૂમિકા ખૂબ જ ખાસ હતી. તેમણે કહ્યું કે આવી સાચી અને પ્રેરણા આપતી ઘટનાને મોટા પડદા પર લાવવી તેમના માટે ગર્વની વાત છે. પ્રોફેસર અર્નોલ્ડ ડિક્સે કહ્યું કે સિલક્યારા બચાવ અભિયાન કોઈ એક વ્યક્તિની વાર્તા ન હતી. આ અલગ-અલગ દેશો, સંસ્કૃતિઓ અને ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા એક જ લક્ષ્ય માટે સાથે મળીને કરેલા પ્રયાસોની વાર્તા હતી. તેમણે જણાવ્યું કે 41 મજૂરોને સુરક્ષિત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે દરેક વ્યક્તિએ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અર્નોલ્ડ ડિક્સે ખુશી વ્યક્ત કરી કે હવે આ અસાધારણ ઘટના દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ ફિલ્મ લોકોને યાદ અપાવશે કે જ્યારે બધા લોકો સાથે મળીને પ્રયાસ કરે છે, ત્યારે મોટીથી મોટી મુશ્કેલીનો પણ સામનો કરી શકાય છે.
ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાને નવી દિશા આપશે ‘સિલક્યારા 41’
માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી મિતુ ભોમિક લાંગેએ કહ્યું કે, જ્યારે તેમણે પહેલીવાર સિલક્યારા બચાવ અભિયાન વિશે સાંભળ્યું ત્યારે જ તેમને લાગ્યું હતું કે આ ઘટનાને મોટા પડદા પર લાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ માત્ર એક બચાવ અભિયાન નથી, પરંતુ આશા, સંઘર્ષ અને બધા લોકોના સાથે મળીને કરેલા પ્રયાસોની પ્રેરણાદાયી ઘટના છે. આમિર ખાન પ્રોડક્શન્સ સાથે આ `Silkyara 41`ફિલ્મ પર કામ કરવું તેમના માટે ખૂબ જ ખાસ અનુભવ છે. મિતુ ભોમિકે કહ્યું કે આ ફિલ્મ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સહયોગ સાબિત થશે અને બંને દેશો વચ્ચેની વધતી મિત્રતાને પણ દર્શાવશે. વિક્ટોરિયાના પ્રીમિયર જેસિન્ટા એલને કહ્યું કે વિક્ટોરિયા અને ભારત વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધો છે અને ‘સિલક્યારા 41’ જેવી સાથે મળીને બનાવવામાં આવતી ફિલ્મો આ સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આ ફિલ્મ દુનિયા સમક્ષ એવી ઘટના રજૂ કરશે, જેમાં પરિવાર, મહેનત, એકતા, આશા અને સિનેમા પ્રત્યેના બંને દેશોના પ્રેમની ઝલક જોવા મળશે. ઓસ્ટ્રેલિયાના ગૃહ અને કલા મંત્રી ટોની બર્કે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સહયોગ માટે `Silkyara 41`જેવી પ્રેરણાદાયી ફિલ્મથી સારી બીજી કોઈ ઉદાહરણ હોઈ શકે નહીં. તેમણે ખુશી વ્યક્ત કરી કે આ ખાસ ઘટના હવે મોટા પડદા પર લોકો સુધી પહોંચશે.
સિલક્યારા બચાવ અભિયાનની યાદગાર ઘટના હવે ફિલ્મના રૂપમાં જોવા મળશે
ફિલ્મ `Silkyara 41` એક એવી સાચી ઘટનાને મોટા પડદા પર રજૂ કરશે, જેણે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં માણસની સમજદારી, ટીમની એકતા અને મજબૂત હિંમતથી એક અશક્ય લાગતું કામ પણ સફળ બની શકે છે. આ ફિલ્મ ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે મળીને કામ કરતી સર્જનાત્મક અને ટેક્નિકલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે. ફિલ્મ દ્વારા હિંમત, સહયોગ અને માનવતાનો સંદેશ દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ફિલ્મના કલાકારો, અન્ય સહયોગીઓ અને રિલીઝ સંબંધિત માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
