શિવસેના કોની અને વિધાનસભ્યો પાત્ર કે અપાત્ર બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કોર્ટે એકનાથ શિંદે જૂથને કર્યો સવાલ

ઉદ્ધવ ઠાકરે
શિવસેનામાં ચાલી રહેલા સત્તાના સંઘર્ષની સુનાવણી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની અધ્યક્ષતાની ત્રણ જજની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. એકનાથ શિંદે જૂથની અરજીમાં કેટલીક બાબતો ખૂટતી હોવાથી એમાં સુધારો કરવાની સૂચના ખંડપીઠે આપી હતી અને આજે સૌથી પહેલાં આ યાચિકાની જ સુનાવણી હાથ ધરવાનું કોર્ટે કહ્યું હતું. કોર્ટમાં એકનાથ શિંદે જૂથના વકીલ હરીશ સાળવે દલીલ કરવા ઊભા થયા હતા ત્યારે કાર્ટે તેમને સવાલ કર્યો હતો કે નવો પક્ષ બનાવ્યો નથી તો તમે છો કોણ?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના, જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ હીમા કોહલીની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં વિધાનસભ્યોના પાત્ર અને અપાત્ર તેમ જ શિવસેના પક્ષ હવે કોનો છે એ સંબંધે યાચિકાઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ખંડપીઠે દલીલ કરવા ઊભા થયેલા એકનાથ શિંદેના વકીલ હરીશ સાળવેને સવાલ કર્યો હતો કે તમે નવો પક્ષ બનાવ્યો નથી તો તમે કોણ છો? જવાબમાં વકીલે કહ્યું હતું કે ‘અમે શિવસેનામાં છીએ અને પક્ષમાં બહુમતી ધરાવીએ છીએ. કોઈએ પક્ષમાંથી હજી સુધી રાજીનામું આપ્યું નથી. આથી તેમની સામે પક્ષાંતરનો કેસ ન બની શકે. આ મામલો પક્ષની અંદર બળવાનો છે.’
હરીશ સાળવીની દલીલ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ વતી કપિલ સિબલે દલીલ કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે બહુમતી હોવાથી જ પક્ષાંતરનો કેસ ન બની શકે એમ કહી ન શકાય. કાયદાની દૃષ્ટિએ તેમની પાસે કોઈ પક્ષમાં વિલીન થવાનો એકમાત્ર વિકલ્પ છે, જે તેઓ થવા માગતા નથી. માત્ર વિધાનસભ્યો અને સંસદસભ્યો એટલે આખો પક્ષ નથી હોતો. એક વાત ગેરકાયદે ગણાશે તો બંધારણની અનેક બાબતો ગેરકાયદે થઈ જશે. સરકાર અને સરકારે લીધેલા નિર્ણયો પણ આમાં આવી જાય છે જેની અસર કરોડો લોકો પર થઈ શકે છે. આથી આ તમામ યાચિકાની સુનાવણી તાત્કાલિક હાથ ધરવાની જરૂર છે.
બન્ને પક્ષના વકીલોની બે કલાક સુધી ચાલેલી દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના વકીલ હરીશ સાળવીને આવતી કાલે યાચિકાના તમામ સવાલ બરાબર કરીને લેખિત સ્વરૂપમાં આપવાનો નિર્દેશ આપ્યો હતો અને આજે સવારના ફરી સુનાવણી હાથ ધરવાનું કહ્યું હતું.