૨૦૧૭ની ૧૯ ડિસેમ્બરે સ્ટોર-મૅનેજર તરીકે કામ કરતી ૩૦ વર્ષની પીડિતા કામ પરથી છૂટીને થાણે ઘરે જવા પાંડુરંગ ગોસાવીની કૅબમાં કાશીમીરાથી બેઠી હતી
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાં ચકચાર જગાડનાર નિર્ભયા ગૅન્ગરેપમાં જે રીતે પીડિતા પર ચાલુ બસમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો એવા જ એક કેસમાં થાણે કોર્ટે કારમાં પીડિતા પર સામૂહિક બળાત્કાર કરનાર પાંડુરંગ ગોસાવી અને ઉમેશ ઉર્ફે રાકેશ ઝાલાને મહિલાદિનની પૂર્વસંધ્યાએ ગુરુવારે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
સામૂહિક બળાત્કારની આ ઘટના ૨૦૧૭માં બની હતી. ૨૦૧૭ની ૧૯ ડિસેમ્બરે સ્ટોર-મૅનેજર તરીકે કામ કરતી ૩૦ વર્ષની પીડિતા કામ પરથી છૂટીને થાણે ઘરે જવા પાંડુરંગ ગોસાવીની કૅબમાં કાશીમીરાથી બેઠી હતી. એ વખતે ઑલરેડી આગળની સીટમાં બીજો આરોપી ઉમેશ ઉર્ફે રાકેશ ઝાલા બેઠો હતો. થોડેક આગળ ગયા પછી કારમાં પંક્ચર થયું છે એટલે ટાયર બદલવું પડશે એમ કહીને તેમણે કાર રોકી હતી. ત્યાર બાદ કાર પાછી વાળી મુંબઈ-અમદાવાદ રોડ પર આગળ લઈ જઈ કારમાં જ પીડિતા પર વારફરતી બળાત્કાર કરીને તેને લૂંટી લીધી હતી. એટલું જ નહીં, તેને વસઈની એક લૉજમાં લઈ ગયા હતા અને ફરી ત્યાં બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે પીડિતાએ બૂમાબૂમ કરતાં બીજા લોકો દોડી આવ્યા હતા અને તેને છોડાવી હતી. જોકે એ વખતે બન્ને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. પીડિતાએ ત્યાર બાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ કરીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.

