એક વાર પુરુષ ઘર ખરીદી આપે પછી તે તેની સાથેનો સંબંધ તોડી નાખતી હતી
પ્રતીકાત્મક તસવીર
ચીનના શેનઝેનમાં લિયુ જિયા નામની ૩૦ વર્ષની એક મહિલાએ ઘર ખરીદવા માટે ૩૬ પુરુષને તેની પ્રેમજાળમાં ફસાવ્યા હતા. એક વાર પુરુષ ઘર ખરીદી આપે પછી તે તેની સાથેનો સંબંધ તોડી નાખતી હતી. આ મહિલાએ ૩૬ પુરુષ સાથે ડેટિંગ કરવાનો ઢોંગ કર્યો હતો અને તેમની સાથે ફરવા જતી હતી અને પછી થોડા સમયમાં આ પુરુષોને નજીકના શહેરમાં અપાર્ટમેન્ટ ખરીદવા માટે મનાવી લેતી હતી. તેણે મોટા ભાગે ૩૦ વર્ષના પુરુષોને ફસાવ્યા હતા. ટૂંકા ગાળાના ડેટિંગ બાદ જિયા તેના પ્રેમીઓને શેનઝેનથી ૯૦ કિલોમીટર દૂર આવેલા હુઇઝોઉ અથવા ગુઆન્ગડૉન્ગ પ્રાંતમાં રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ખરીદવા મનાવી લેતી હતી.
જિયાના પ્રેમમાં ફસાયેલા અતાઓ નામના એક યુવાને કહ્યું હતું કે જિયા ૩૦ વર્ષની હોવાનો દાવો કરે છે અને તે મૂળ હુનાનની રહેવાસી છે. શેનઝેનમાં એક ઈ-કૉમર્સ કંપનીમાં તે કામ કરે છે. તેણે અતાઓને કહ્યું હતું કે જો તે ઘર ખરીદશે તો જ તેનાં માતા-પિતાને મળવા અને તેમની સાથે રહેવા સંમત થશે. અતાઓનો વિશ્વાસ જીતવા તેણે ફ્લૅટના ડાઉન પેમેન્ટ માટે ૩૦,૦૦૦ યુઆન (૩.૬ લાખ રૂપિયા) આપવાની ઑફર કરી હતી. આને કારણે અતાઓને લાગ્યું હતું કે આ એક સંપૂર્ણ ગર્લફ્રેન્ડ છે. જોકે એક ફ્લૅટ ખરીદવામાં આવ્યા બાદ તેણે સંબંધો કાપી નાખ્યા હતા. હવે અતાઓને શેનઝેનમાં તેના ખુદના ઘરના ભાડા ઉપરાંત હોમ લોનના આશરે ૫૦,૦૦૦ રૂપિયા દર મહિને ભરવા પડે છે.

