તત્કાલ ટિકિટ બુકિંગમાં ગોલમાલ ચાલતી હોવાની કચ્છ પ્રવાસી સંઘને શંકા : આજે મુંબઈ સેન્ટ્રલમાં થનારી ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગમાં આ બાબતની રજૂઆત કરવામાં આવશે
નીલેશ શાહ
ભારતીય રેલવેની ટિકિટિંગ વ્યવસ્થામાં, એમાં પણ તત્કાલ ટિકિટ બુકિંગમાં ગોલમાલ ચાલી રહી હોવાની કચ્છ પ્રવાસી સંઘને શંકા છે. પ્રાઇમ ટ્રેનોમાં બુકિંગ શરૂ થતાં જ ફક્ત ૩૦ સેકન્ડમાં વેઇટિંગ કેવી રીતે શરૂ થઈ જાય છે એ સવાલ આજે દરેક પ્રવાસીના મગજમાં ઘૂમરાય છે. આજની મુંબઈ સેન્ટ્રલમાં થનારી ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગમાં કમિટીના મેમ્બર અને કચ્છ પ્રવાસી સંઘના ફાઉન્ડર પ્રેસિડન્ટ નીલેશ શાહ કમિટી સમક્ષ આ બાબતની રજૂઆત કરીને રેલવે મંત્રાલય પાસે યાત્રીઓ અને ઑપરેટરોને તત્કાલ ટિકિટની સુવિધા મળે એ માટે ટિકિટિંગ સિસ્ટમમાં સુધારા કરવા માટેની માગણી કરશે.
આ બાબતની માહિતી આપતાં નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશભરનાં મુખ્ય રેલવે-સ્ટેશનો જેવાં કે દિલ્હી, મુંબઈ, લખનઉ, વારાણસી, પટના, જયપુર, ભોપાલ અને અમદાવાદ ખાતે થયેલા નિરીક્ષણમાં જણાયું છે કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટ ઓપન થતાંની સાથે જ માત્ર ૧-૨ મિનિટમાં ‘નો રૂમ’ થઈ જાય છે. લાંબી કતારમાં ઊભેલા યાત્રીઓમાંથી માત્ર પહેલા ૩-૪ લોકો જ કન્ફર્મ ટિકિટ મેળવી શકે છે. બાકી બધાને વેઇટિંગ લિસ્ટ કે નિરાશા મળે છે. આ રીતે તત્કાલ ટિકિટ સામાન્ય નાગરિક માટે અપ્રાપ્ય બની ગઈ છે. મળેલી જાણકારી પ્રમાણે તત્કાલ ટિકિટ બુકિંગ અને યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK) ઑપરેટરો સામે ભેદભાવ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે જે રેલવેની પારદર્શિતા અને ન્યાયસંગતતા પર ગંભીર શંકાઓ ઊભી કરે છે.’
ADVERTISEMENT
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલ હેઠળ શરૂ કરાયેલાં YTSK કાઉન્ટરો દેશના ગ્રામ્ય વિસ્તાર, સિનિયર સિટિઝન, મહિલાઓ અને દિવ્યાંગોને સુવિધા આપવા માટે શરૂ કરાયાં હતાં. એ જાણકારી આપતાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘દરેક ઑપરેટર દ્વારા આશરે ૧૨ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાયું છે. YTSK કાઉન્ટરો સેન્ટર ફૉર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ સર્વર સાથે સીધાં જોડાયેલાં હોવાથી બુકિંગ, કૅન્સલેશન અને રીફન્ડની પ્રક્રિયા સંપૂર્ણપણે રેલવેના નિયંત્રણમાં રહે છે છતાં રેલવે દ્વારા YTSK કાઉન્ટરો પર તત્કાલ ટિકિટ માટે ૩૦ મિનિટનો વિલંબ ફરજિયાત રાખવામાં આવ્યો છે, જ્યારે સવારે ૧૦ વાગ્યે શરૂ થતાં પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ એકથી બે મિનિટમાં જ ફુલ થઈ જાય છે. આ સંજોગોમાં ૩૦ મિનિટ પછી એટલે કે સવારના ૧૦.૩૦ વાગ્યે શરૂ થતાં YTSK કાઉન્ટર પરથી ટિકિટ કેવી રીતે મળે? આ એક બહુ મોટો સવાલ છે.’
ગ્રામ્ય અને પછાત વિસ્તારો માટે YTSK હવે અસુવિધા કેન્દ્ર બની ગયું છે. એ સંદર્ભમાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘જે YTSK કાઉન્ટરો પહેલાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ હતાં એ આજે અસુવિધાનું કારણ બની ચૂક્યાં છે. સિનિયર સિટિઝન, મહિલાઓ અને દિવ્યાંગો માટે હવે ટિકિટ મેળવવી વધુ મુશ્કેલ બની ગઈ છે. રેલવે દ્વારા વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રેનમાં ઘણી બેઠકો ખાલી રહે છે જેને ટ્રાવેલર ટિકિટ એક્ઝામિનર (TTE) દ્વારા રોકડમાં વધુ રકમ લઈને અન્ય યાત્રીઓને આપી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિ રેલવેની આવકમાં નુકસાન પહોંચાડી રહી છે અને ભ્રષ્ટાચારને વધારી રહી છે.’
નીલેશ શાહે રેલવેની ટિકિટ બુકિંગની ગેરવ્યવસ્થા સામે શંકાની સોંય તાણીને કહ્યું હતું કે ‘આધાર આધારિત વન ટાઇમ પાસવર્ડ (OTP) ટિકિટિંગનો ઉદ્દેશ પારદર્શિત હતો, પરંતુ હવે એજન્ટો દ્વારા મુસાફરોની વ્યક્તિગત માહિતી એકઠી કરીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે. નૉન-ટેક્નિકલ અને અજ્ઞાની મુસાફરો પાસેથી વધુ રકમ લઈને તેમની જ ઓળખ પરથી ટિકિટ બુક કરી દેવામાં આવી રહી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) પોર્ટલ અને મોબાઇલ ઍપ વારંવાર ક્રૅશ થાય છે. પ્રીમિયમ તત્કાલ ચાર્જ સામાન્ય નાગરિક માટે અસહ્ય બની ગયો છે.’
યાત્રીઓ અને ઑપરેટરોની શું-શું માગણી છે?
રેલવે ટિકિટિંગ સિસ્ટમમાં તાત્કાલિક સુધારા જરૂરી છે એમ જણાવતાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘YTSK યોજના અને આધાર OTP પદ્ધતિ જે ઉદ્દેશ સાથે શરૂ થઈ હતી એ આજે સામાન્ય જનતાને લાભ આપવાને બદલે મુશ્કેલીમાં મૂકી રહી છે. જો તાત્કાલિક સુધારા ન કરવામાં આવે તો રેલવે પ્રત્યે જનતાનો વિશ્વાસ અને સહકાર સતત ઘટતો રહેશે. આ માટે યાત્રીઓ અને ઑપરેટરોની નીચે મુજબની માગણી આજની મીટિંગમાં કચ્છ પ્રવાસી સંઘ તરફથી રજૂ કરવામાં આવશે.
૧.
YTSK પર તત્કાલ અને સામાન્ય ટિકિટ બુકિંગ માટે લાગુ ૩૦ મિનિટનો વિલંબ તાત્કાલિક રદ કરવો.
૨.
નિયમિત રીતે સંચાલિત વેઇટિંગ ટિકિટ મુસાફરી ફરીથી મંજૂર કરવી.
૩.
TTE દ્વારા કાળાબજાર કરવામાં આવતી બેઠકો પર કડક કાર્યવાહી કરવી.
૪.
આધાર OTP ટિકિટિંગમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવી.
૫. ગ્રામ્ય વિસ્તારોમાં YTSK કાઉન્ટરોને વધુ મહત્ત્વ આપવું.

