ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને ચોરાયેલા ૨૦,૮૯,૯૧૪ રૂપિયાના ૪૯ મોબાઇલ રિકવર કર્યા
GRPની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલો આરોપી અને તેની પાસેથી રિકવર કરેલા મોબાઇલ.
લોકલ ટ્રેનમાં ભીડનો ફાયદો ઉઠાવીને લોકોના મોબાઇલ તફડાવતા ૩૪ વર્ષના શ્યામ બરનવાલની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની ક્રાઇમ બ્રાન્ચે ભાયખલા રેલવે પરિસરમાંથી ગયા અઠવાડિયાના અંતમાં ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે આરોપી શ્યામ પાસેથી ૨૦,૮૯,૯૧૪ રૂપિયાના વિવિધ કંપનીઓના ૪૯ મોબાઇલ રિકવર કર્યા હતા. આરોપી માત્ર લોકલ ટ્રેન જ નહીં, મુંબઈ તેમ જ આસપાસનાં પરાંમાં ભીડવાળા વિસ્તારોમાં જઈને ચોરી કરતો હોવાની માહિતી પોલીસની તપાસમાં બહાર આવી છે.
GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉલ્હાસનગરમાં રહેતા ૧૯ વર્ષના સુજિત કાંબળેનો ૩૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન જાન્યુઆરીમાં કલ્યાણ રેલવે-સ્ટેશનથી ઉલ્હાસનગર તરફ લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતી વખતે અજાણ્યા ચોરે ચોરી લીધો હતો. એની ફરિયાદ કલ્યાણ GRPમાં નોંધાવવામાં આવતાં અમે ચોરાયેલા મોબાઇલને ટ્રેસ કરવાની કોશિશ કરતાં ગુપ્ત સૂત્રો અને ટેક્નિકલ માહિતીમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલની ચોરી રેકૉર્ડ પરના આરોપી શ્યામ બરનવાલે કરી છે. ઉપરાંત એવી પણ માહિતી મળી હતી કે તે ચોરીના મોબાઇલ ભાયખલા વિસ્તારમાં વેચવા આવવાનો છે. અંતે અમે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી. બેથી ૩ દિવસની તપાસમાં તેના કબજામાંથી ૨૦,૮૯,૯૧૪ રૂપિયાની કિંમતના વિવિધ કંપનીઓના ૪૯ મોબાઇલ મળી આવ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી શ્યામ બરનવાલ સહિત આરોપીઓની એક ગૅન્ગ છે જે દેશનાં વિવિધ રાજ્યોમાં તહેવારો અને કાર્યક્રમોમાં ભેગી થતી ભીડમાં જઈને ચોરીને અંજામ આપતી હોય છે જેમાં ઉપનગરીય રેલવે મુસાફરોનો પણ સમાવેશ થાય છે. હાલમાં ધરપકડ કરેલા આરોપીએ ઓડિશા, ઉત્તર પ્રદેશ તેમ જ વિવિધ રાજ્યોમાં મોટા તહેવારો અને કાર્યક્રમોમાં થયેલી ભીડમાં મોબાઇલોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના બીજા સાથીઓની તપાસ કરવામાં આવી રહી છે.’

