Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીના ગુજરાતી યુવકનું કાર-અકસ્માતમાં કરુણ મોત

ભિવંડીના ગુજરાતી યુવકનું કાર-અકસ્માતમાં કરુણ મોત

Published : 06 September, 2026 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિત્રના માસક્ષમણના પારણાનું ડેકોરેશન કરીને પાછા ફરતી વખતે થયો જીવલેણ અકસ્માત

દર્શિલ શાહ

દર્શિલ શાહ


ભિવંડીના બ્રાહ્મણઆળી વિસ્તારમાં આવેલા પૂનમ અપાર્ટમેન્ટમાં રહેતા ૨૪ વર્ષના દર્શિલ શાહનું શુક્રવારે મોડી રાતે થાણેના બાલકુમ વિસ્તારમાં એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ મામલે કાપુરબાવડી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શુક્રવારે રાત્રે સાડાત્રણ વાગ્યે બાલકુમ વિસ્તાર નજીક આ કાળમુખી ઘટના બની હતી. દર્શિલ પોતાના મિત્રના માસક્ષમણના પારણાના પ્રસંગ માટે રાતભર જાગીને ડેકોરેશનનું કાર્ય પૂરું કરીને નાસ્તો કરવા મિત્રો સાથે કાપુરબાવડી નજીક આવ્યો હતો. ત્યાં જૈન ફૂડ ન મળતાં નાસ્તો કર્યા વગર જ તે પાછો ફરી રહ્યો હતો ત્યારે જ કાળે તેના પર પંજો માર્યો હતો. એકાએક બનેલી આ હૃદયસ્પર્શી ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

દર્શિલના મોટા પપ્પા અશોક શાહે અત્યંત ભાવુક હૃદયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર્શિલ મારા ભાઈ વિપુલનો એકનો એક દીકરો હતો. તે અંધેરીની એક કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ તેનો જીવ ધર્મ અને પ્રભુભક્તિમાં જ વસેલો હતો. રોજે સવારે નિયમપૂર્વક ભગવાનની સેવા-પૂજા કર્યા વગર તે ક્યારેય કામે જતો નહોતો અને સાંજે પણ હંમેશાં સમયસર ચોવિહાર કરતો હતો. અત્યંત શાંત, મિલનસાર અને ધાર્મિક સ્વભાવ ધરાવતા દર્શિલના જવાથી અમારા સમગ્ર પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. અમારા ઘરમાંથી એક જીવંત અને સંસ્કારી દીકરો આ રીતે અચાનક ચાલી જશે એવી કલ્પના પણ અમે કરી નહોતી. શુક્રવારે ભિવંડીમાં મિત્રના ઘરે રાખેલા માસક્ષમણ પારણા નિમિત્તે ડેકોરેશનનું કામ પૂરું કર્યા પછી દર્શિલ પોતાના મિત્રો સાથે કાપુરબાવડી નજીક મોડી રાતે નાસ્તો કરવા ગયો હતો. જૈન હોવાના કારણે તેને અનુકૂળ નાસ્તો ન મળતાં તેઓ કારમાં પાછા ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન બાલકુમ વિસ્તાર નજીક દર્શિલ જે કાર ચલાવી રહ્યો હતો તે અચાનક અનિયંત્રિત થઈને રોડના કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં દર્શિલને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળથી તેને તરત જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર શરૂ થાય એ પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.’



પોલીસ શું કહે છે?
આ બનાવ વિશે કાપુરબાવડી પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર મંજુશા ભોગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કારમાં દર્શિલ સાથે અન્ય ૩ મિત્રો પણ હતા. અકસ્માત કઈ રીતે થયો અને અકસ્માત પાછળનું મૂળ કારણ જાણવા માટે અમે વિગતવાર તમામ મિત્રોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. કારની પણ RTOના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK