ગઈ કાલે સવારથી જ બોરીવલી-ઈસ્ટના દૌલત નગર રોડ નંબર-૯ પર આવેલા તેમના ઔડંબર બિલ્ડિંગ પાસે લોકો ભેગા થવા માંડ્યા હતા
અભિષેક ઘોસાળકરની સ્મશાનયાત્રા
ફાયરિંગમાં મૃત્યુ પામેલા શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની બોરીવલીના દૌલત નગરમાંથી ગઈ કાલે નીકળેલી સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. ડૂસકાં, ભીની આંખો અને ‘અભિષેક ઘોસાળકર અમર રહે’ના નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
મૉરિસ નોરોન્હાએ ઘોસાળકર પર ગોળીઓ ફાયર કરી અને તેઓ જખમી થયા. ત્યાર બાદ મૉરિસે પોતાના પર પણ ફાયરિંગ કરીને સુસાઇડ કર્યું હતું. અભિષેક સાથેના તેમના સમર્થકોએ તરત જ તેમને રિક્ષામાં નજીકની હૉસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના પર ફાયરિંગ થયું હોવાની જાણ વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને ગુરુવાર રાતથી જ કરુણા હૉસ્પિટલની બહાર તેમના હજારો સમર્થકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ તેમનું નિધન થયાના સમાચાર આવતાં લોકોમાં આઘાતની લાગણી ફેલાઈ હતી અને બધા ગમગીનીમાં સરી પડ્યા હતા. મોડી રાતે તેમના મૃતદેહને જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો. ત્યાર બાદ ગઈ કાલે સવારે તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે સવારથી જ બોરીવલી-ઈસ્ટના દૌલત નગર રોડ નંબર-૯ પર આવેલા તેમના ઔડંબર બિલ્ડિંગ પાસે લોકો ભેગા થવા માંડ્યા હતા. આજુબાજુના વિસ્તારોની દુકાનો બંધ રાખવામાં આવી હતી. ધીમે-ધીમે ગિરદી વધવા માંડી હતી. પોલીસ-બંદોબસ્ત પણ સખત હતો. બધા પક્ષના રાજકારણીઓ તેમનાં અંતિમ દર્શન કરવા અને પરિવારજનોને સાંત્વના આપવા આવી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ પરિવાર સહિત તેમનાં અંતિમ દર્શન માટે ગયા હતા.
આમ તો દૌલત નગર વિસ્તાર ગુજરાતીઓ અને જૈનોનો ગઢ ગણાય છે છતાં અનેક મરાઠીઓ અને એ પણ એજ્યુકેટેડ અને નોકરિયાત પરિવારો ત્યાં વસે છે. એકમેક સાથે વર્ષોથી ભળી ગયેલા આ લોકો અભિષેકની અણધારી વિદાયથી ચોંકી ઊઠ્યા હતા. બહુ મોટી સંખ્યામાં લોકો તેમનાં અંતિમ દર્શન માટે આવી રહ્યા હતા. ઘરમાં જગ્યા નાની પડે એટલે બિલ્ડિંગની નીચે ભોંયતળિયે કૉમન એન્ટ્રન્સ લૉબીમાં તેમના મૃતદેહને રાખવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે, રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિતના શિવસેનાના અનેક નેતાઓ અભિષેકના પાર્થિવ શરીરનાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં આવી જતાં પોલીસને મૅનેજ કરવામાં અગવડ પડી રહી હતી. બિલ્ડિંગના બન્ને ગેટ પર લોકોએ ગિરદી કરતાં ગેટ બંધ કરવો પડ્યો હતો અને એ પછી થોડા-થોડા લોકોને અંદર જવા દેવાતા હતા. બધા સ્તરના લોકો તેમનાં અંતિમ દર્શન માટે આવ્યા હતા. બિઝનેસમેન, નોકરિયાતો, દૌલત નગરના લોકો, સગાંસંબંધીઓ અને સૌથી મોટી સંખ્યામાં તેમના દહિસરના મતવિસ્તારના સામાન્ય લોકો પણ આવ્યા હતા. અંતિમ દર્શન માટે ભારે ધસારો થયો હતો.
મૉરિસને મહાલક્ષ્મીના મેટોરિયમમાં દફન કરાયો
એક તરફ અભિષેકની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા ત્યારે બીજી તરફ એવા સમચાર મળ્યા હતા કે મૉરિસ નોરોન્હા જે આઇસી કૉલોનીમાં રહેતો હતો અને સમાજસેવક હતો છતાં તેના અંતિમ સંસ્કારમાં પરિવારના ગણ્યાગાંઠ્યા ૧૫થી ૨૦ લોકો જ હાજર હતા. એટલું જ નહીં, આઇસી કૉલોનીના મેઇન ચર્ચમાં તેની દફનવિધિ કરવાની ચર્ચે ના પાડી દીધી હતી, એથી મહાલક્ષ્મીના ક્રીમેટોરિયમમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.