મૉરિસે પોતાની પાસે ગનનું લાઇસન્સ નહોતું એટલે ગન ધરાવનાર અમરેન્દ્ર મિશ્રાને સિક્યૉરિટી ગાર્ડ તરીકે બે મહિના પહેલાં રાખ્યો હતો અને મિશ્રાની ગન પોતાના ડ્રૉઅરમાં રાખતો હતો
બોરીવલી-ઈસ્ટના દૌલત નગરમાં ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરનાં અંતિમ દર્શન વખતે રડી પડ્યાં હતાં તેમનાં મમ્મી માધુરી ઘોસાળકર અને પત્ની તેજસ્વી. (સતેજ શિંદે)
બોરીવલીની આઇસી કૉલોનીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યા કરવાના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અભિષેક પર ફાયરિંગ કરનારા મૉરિસે બે મહિના પહેલાં હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ મૉરિસ નોરોન્હાને શંકા હતી કે અભિષેકને કારણે પોતાની સામે બળાત્કાર અને વિનયભંગનો કેસ પોલીસે દાખલ કરીને ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ વાતનો બદલો લેવા માટે મૉરિસ ઘણા સમયથી તકની રાહ જોઈ રહ્યો હતો.
ADVERTISEMENT
પોલીસના કહેવા મુજબ થોડા સમય બાદ તે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે અભિષેક ઘોસાળકર સાથે ફરી સાથે આવવાની મિત્રતા કરવાનો ઢોંગ રચ્યો હતો. તેણે આઇસી કૉલોનીમાં અભિષેક ઘોસાળકરની ઑફિસની સામે જ પોતાની ઑફિસ ખોલીને ગમે ત્યારે અભિષેકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ પ્લાન મુજબ ૫૪ વર્ષના મૉરિસ પાસે ગનનું લાઇસન્સ નહોતું એટલે તેણે ગનનું લાઇસન્સ ધરાવતા અમરેન્દ્ર મિશ્રા નામના સિક્યૉરિટી ગાર્ડને પોતાની સુરક્ષા માટે નોકરીએ રાખ્યો હતો. ગન રાખવા માટે મૉરિસે શરત કરી હતી કે ગન કાયમ ઑફિસના ડ્રૉઅરમાં જ રહેશે, જેની એક ચાવી તેની પાસે પણ રહેશે. અમરેન્દ્ર મિશ્રાએ આ શરત માન્ય રાખી હતી.
અમરેન્દ્ર મિશ્રાને પોલીસે પૂછપરછ માટે તાબામાં લીધો છે. તેની પત્નીએ કહ્યું હતું કે ઘટનાના દિવસે મૉરિસે મારા પતિને એક હૉસ્પિટલમાં કોઈક બીમાર હોવાથી તેને મદદ કરવા માટે મોકલ્યો હતો. એ સમયે ગન તેની ઑફિસમાં જ હતી. રાતના ૭.૩૦ વાગ્યે અભિષેક ઘોસાળકર ઑફિસમાં આવ્યો હતો ત્યારે મૉરિસે તેની પર આ જ ગનથી ફાયરિંગ કર્યું હતું. રાતના ત્રણ વાગ્યે ખબર પડી હતી કે સિક્યૉરિટી ગાર્ડની ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે અને મૉરિસે પણ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
પોલીસની તપાસમાં એમ પણ જણાઈ આવ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીએ અભિષેકનો બર્થ-ડે હતો એટલે તેણે પત્ની તેજસ્વી સાથે મનાલી જવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે હોટેલની સાથે ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી. તેઓ શનિવારે સવારના ૬ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર જવાના હતા, પણ એની પૂર્વસંધ્યાએ જ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. અભિષેક એક દિવસ પહેલાં જ મનાલી જવા નીકળ્યો હોત તો કદાચ તે બચી જાત.