હજી ઓગસ્ટ મહિનામાં જ ચોરીના કેસમાં જેલમાંથી બહાર આવ્યો, ફરી એ જ રીતે ચોરી કરવા માટે ગયો એમાં ઝડપાઈ ગયો ૩૨ વર્ષનો આકાશ પટેલ
આકાશ પટેલ
ચોરીના કેસમાં જેલની હવા ખાઈને ઑગસ્ટ મહિનામાં બહાર આવેલા ૩૨ વર્ષના રીઢા ચોર આકાશ પટેલે ફરી તેની જૂની અને જાણીતી પદ્ધતિથી બસમાં રાતે સૂઈ ગયેલા પૅસેન્જરની બૅગમાંથી કૅશ અને સોનાનું મંગળસૂત્ર તફડાવી લીધું હતું. મુલુંડ પોલીસે ચતુરાઈથી કેસની તપાસ હાથ ધરીને તેને ઝડપી લીધો હતો.
આકાશ પટેલે કરેલી આ ચોરી વિશે માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ કારાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડના અજય સોંડકર તેની પત્ની અને બે બાળકો સાથે ઍર-કન્ડિશનર (AC) સ્લીપર બસમાં ૨૯ ઑગસ્ટે મહાબળેશ્વર જઈ રહ્યો હતો. રાતે સૂતાં પહેલાં તેની પત્નીએ ૨૮ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, ઘરના કબાટની ચાવી અને કૅશ ૩૫૦૦ રૂપિયા પર્સમાં રાખ્યાં હતાં અને એ પર્સ રેક પર મૂકી દીધું હતું. બીજા દિવસે મહાબળેશ્વર પહોંચ્યા પછી ખબર પડી કે પર્સમાં મંગળસૂત્ર અને રૂપિયા ગાયબ છે. એ પછી તેણે મહાબળેશ્વરથી પાછા આવ્યા બાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં સવારે ૪.૦૫ વાગ્યે કો-પૅસેન્જર પર્સ ફંફોસતો હોવાનું જણાયું હતું. એના આધારે એ ટિકિટ કોણે અને ક્યાંથી બુક કરાવી હતી એની તપાસ કરીને આખરે આકાશ પટેલને સોમવારે ઝડપી લેવામાં આવ્યો હતો. આકાશ પટેલ રીઢો ચોર છે અને તે આ જ મૉડસ ઑપરૅન્ડીથી ચોરી કરે છે. તે બસની ટિકિટ ખોટા નામથી કઢાવે, બસમાં પ્રવાસ કરે અને બધા સૂઈ જાય ત્યારે સિનિયર સિટિઝન કે મહિલાઓના પર્સમાંથી કૅશ અને દાગીના ચોરીને પુણે નજીક ઊતરીને પાછો મુંબઈ આવી જાય. ઑલરેડી તેની સામે આ પહેલાં આવા પાંચેક ગુના નોંધાયા છે. આવા જ એક કેસમાં તે પકડાયો હતો અને ઑગસ્ટ મહિનામાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. આવ્યા પછી પણ તેણે ફરી એ પ્રમાણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું.’
ADVERTISEMENT
- ઐશ્વર્યા ઐયર


