મંગળવારના વિસર્જન પહેલાં ગણેશ મંડળ અને મૂર્તિકારોએ સરકારને આપ્યું ૨૪ કલાકનું અલ્ટિમેટમ : દરિયા કે તળાવમાં ગણરાયાના વિસર્જનની પરવાનગી નહીં મળે તો વિઘ્નહર્તાની મૂર્તિને ત્યાં જ રાખીને આંદોલન કરવાની ચીમકી આપી
ગણેશ મૂર્તિકાર અને ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓની ગઈ કાલે પરેલની શિરોડકર હાઈ સ્કૂલમાં બેઠક યોજાઈ હતી.
પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યા બાદ રાજ્ય સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અત્યારે ચાલી રહેલા માઘી ગણેશોત્સવમાં PoPની મૂર્તિનું દરિયા કે તળાવમાં વિસર્જન કરવા ન દેવાનો નિર્ણય લેવાની સાથે PoPની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અને ગણેશોત્સવ મંડળોને નોટિસ મોકલવાની શરૂઆત કરી હોવાથી મૂર્તિકારો આક્રમક બન્યા છે. સરકાર ૨૪ કલાકમાં PoPની મૂર્તિનો વિકલ્પ જણાવ્યા વિના વિસર્જનનો પ્રતિબંધ કાયમ રાખશે તો માઘી ગણેશોત્સવના મંગળવારના છેલ્લા દિવસે મૂર્તિઓ દરિયાકિનારે મૂકીને આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT
રાજ્યભરના PoPની મૂર્તિ બનાવતા મૂર્તિકારો, ગણેશોત્સવ મંડળ અને એક્સપર્ટ્સની ગઈ કાલે પરેલમાં આવેલી શિરોડકર સ્કૂલમાં બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ૭૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. આ વિશે શ્રી ગણેશ મૂર્તિકાર કામગાર સંગઠનના ખજાનચી રાહુલ ઘોણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ જાન્યુઆરીએ PoPની મૂર્તિ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ અમે સંયમ રાખ્યો છે. આ નિર્ણયથી મૂર્તિકાર, ગણેશોત્સવ મંડળ અને ગણેશભક્તો મુશ્કેલીમાં મુકાયાં છે. આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને કોર્ટમાં સરકારી વકીલ મારફત આ બાબતે રજૂઆત કરીને મૂર્તિના વિસર્જન પરનો પ્રતિબંધ તાત્કાલિક સ્થગિત કરવાની માગણી કરીશું એટલું જ નહીં, પહેલેથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિ અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશમૂર્તિને વિસર્જન કરવા માટેની પરવાનગી આપવાની માગણી પણ કરીશું. ૨૪ કલાકમાં સરકાર પરવાનગી નહીં આપે તો રાજ્યભરનાં અસંખ્ય ગણેશભક્ત, મૂર્તિકાર અને ગણેશ મંડળો દરિયાકિનારે જઈને મંગળવારે ગણેશમૂર્તિઓ મૂકીને આંદોલન કરશે.’
શ્રી ગણેશ મૂર્તિકાર કામગાર સંગઠનના અધ્યક્ષ પ્રશાંત દેસાઈએ કહ્યું હતું કે ‘PoPની મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું હોવાનો આરોપ કરનાર સંસ્થા, સમિતિ અને બિનસરકારી સંસ્થાઓની વાત સાંભળીને એકતરફી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર કે કોઈ પણ સંસ્થાએ કોઈ પણ નિર્ણય લેતી વખતે મૂર્તિકાર અને પર્યાવરણના એક્સપર્ટ્સની વાત સાંભળીને નિર્ણય લેવાની જરૂર હતી એથી જેમણે પણ કોર્ટમાં કે કેન્દ્રીય પર્યાવરણ બોર્ડમાં ફરિયાદ કરી છે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ સરકારે આપવો જોઈએ.’


