એક વર્ષ પહેલાં નાના એવા પૅચમાં ઘાસ ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ એ નિષ્ફળ ગયો હતો
શિવાજી પાર્ક પરની લાલ માટીની સમસ્યા દૂર કરવા હવે એની સાથે બીજી માટી ભેળવી એને દબાવી દેવાનું IIT-બૉમ્બેનું સૂચન.
દાદરના શિવાજી પાર્ક પર લાલ માટીના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB) દ્વારા BMCને ગ્રીન પૅચ વિકસાવવાનો નિર્દેશ આપ્યાના લગભગ દોઢ વર્ષ પછી આ મુદ્દાને કાયમી ધોરણે ઉકેલવા માટે કોઈ પ્રગતિ થઈ નથી. ગયા ચોમાસામાં ગ્રાઉન્ડમાં ઘાસને ઉગાડવામાં નિષ્ફળ ગયા પછી BMC પાસે હવે ધૂળને ઊડતી અટકાવવા માટે નવી યોજનાઓ વિચારણા હેઠળ છે.
૨૦૨૧માં BMCએ એના બ્યુટિફિકેશન પ્રોજેક્ટના ભાગરૂપે શિવાજી પાર્ક પર બહારથી લવાયેલી લાલ માટીનો ૯ ઇંચ જાડો થર પાથરવામાં આવ્યો હતો. જોકે એ પછી રહેવાસીઓએ ધૂળ બહુ જ ઊડતી હોવાથી અને પ્રદૂષણમાં વધારો થવાની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
લાલ માટીને કારણે થતા ઍર પૉલ્યુશનને અટકાવવા માટે IIT-બૉમ્બેની ટીમે તાજેતરમાં એક બેઠક યોજી હતી અને ધૂળને ઊડતી અટકાવવા માટે પ્રયોગ સૂચવ્યો હતો, જેમાં લાલ માટીને બીજી માટી સાથે ભેળવીને દબાવી દેવી એવી ભલામણ કરાઈ હતી. આ યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. જોકે આસપાસના રહેવાસીઓનું માનવું છે કે લાલ માટી હટાવવી એ જ માત્ર ઉપાય છે.
