ડૉક્ટર, એન્જિનિયર, ઑફિસર જેવા ઉચ્ચપદે કાર્યરત પાંચ હજાર જેટલા જૅપનીઝ લોકો જપાનમાં રહીને પૂર્ણપણે શાકાહારી થઈ ગયા છે અને દરરોજ મહામંત્ર નવકારનો જાપ કરે છે
ભાઈંદરના શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ નિપુણરત્નવિજયજી મહારાજસાહેબ સમક્ષ ૮૧ જૅપનીઝ.
પોતાના આરાધ્ય ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવના પ્રસંગે તેઓ હમણાં ભાઈંદર આવ્યા હતા એટલું જ નહીં, પ્રવેશના અવસરે નીકળેલી શોભાયાત્રામાં ઉપનગરના માર્ગો પર જાતે બનાવેલાં બૅનરો સાથે ખુલ્લા પગે બે કલાક ચાલ્યા અને ચડાવા બોલીને પ્રવચનમાં ગુરુના મુખે વંચાનારા બે પવિત્ર ગ્રંથ ગુરુને અર્પણ કરવાનો લાભ પણ લીધો. ડૉક્ટર, એન્જિનિયર, ઑફિસર જેવા ઉચ્ચપદે કાર્યરત પાંચ હજાર જેટલા જૅપનીઝ લોકો જપાનમાં રહીને પૂર્ણપણે શાકાહારી થઈ ગયા છે અને દરરોજ મહામંત્ર નવકારનો જાપ કરે છે.
૨૦૦૫માં ૧૦ વર્ષની ઉંમરે ભારતમાં જૈન ધર્મના પરિચયમાં આવીને અભિભૂત થયેલી જૅપનીઝ ગર્લે પોતાના દેશમાં પ્રસાર કર્યો જૈનિઝમનો: આજે તે ૩૧ વર્ષની છે, તેનું મૂળ નામ ચુરુશી મિયાઝાવા હતું પણ હવે તે તુલસી છે
ADVERTISEMENT

મહારાજસાહેબ શું બોલે છે એ સમજાતું નથી છતાં તેમને શાંતિથી સાંભળતો ૬ વર્ષનો આદિશ.
૧૦ વર્ષની જૅપનીઝ બાળકી ચુરુશી મિયાઝાવા તેનાં મમ્મી-પપ્પા સાથે ભારતના પર્યટને આવી હતી. ફરતાં-ફરતાં તેઓ જોધપુર પહોંચ્યાં અને ગાઇડ તેમને જોધપુરમાં આવેલું જોવાલાયક જિન મંદિર લઈ ગયો. ચુરુશી સહિત આખા પરિવારને દેરાસરની કથામાં, કારીગરીમાં અને જૈન ધર્મમાં બહુ રસ પડ્યો. તેમનો ઇન્ટરેસ્ટ જોઈને ગાઇડે કહ્યું કે તમારે આ ધર્મ વિશે વધુ જાણવું હોય તો આ શહેરમાં જ એક જૈન આચાર્ય મહારાજસાહેબ છે તેમને મળવા જવાય. મિસ્ટર અને મિસિસ મિયાઝાવાએ ત્યારે તો ગાઇડને જવાબ ન આપ્યો, પણ એ જ રાત્રે દીકરીને સપનામાં સફેદ વસ્ત્રો પહેરેલા એક મન્ક (સાધુ) દેખાયા. સવારે ચુરુશીએ તેના પેરન્ટ્સને પોતાનું ડ્રીમ કહ્યું એટલે તેના પપ્પાને થયું કે ચાલ, તે ધર્મગુરુને મળું, નવું જાણવા મળશે. આમેય મિયાઝાવા યુગલ ઝેન બુદ્ધિઝમનું ફૉલોઅર હતું અને મેડિટેશન, ફિલોસૉફી જેવા વિષયોમાં તેમને રુચિ હતી જ.

દાદા ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી તથા ઉપકારી ગુરુભગવંત જયંતસેનસૂરીશ્વરજી મહારાજસાહેબનું આ ઑઇલ પેઇન્ટિંગ જૅપનીઝ ભક્તોએ જાતે પેઇન્ટ કર્યું અને પ્રવેશ પ્રસંગે નિપુણરત્નવિજયજી મહારાજસાહેબને ભેટ કર્યું હતું.
બીજા દિવસે તે જૅપનીઝ ફેમિલી ત્યાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરજી મહારાજસાહેબને મળવા ગયું. જૈનાચાર્ય અને જૅપનીઝ પરિવાર વચ્ચે ભાષાનો ઇશ્યુ તો હતો, પણ ગાઇડની મદદથી મહારાજસાહેબે તેમને જૈન ધર્મનાં મુખ્ય હાર્દ અહિંસા અને જીવદયા વિશે સમજાવ્યું, મહામંત્ર નવકારનો અર્થ સમજાવ્યો. અનુવાદ થયેલી આ સમજણથી ત્રણેય જણ એટલાં બધાં અભિભૂત થયાં કે તેમણે ત્યાં ને ત્યાં જ શાકાહારી બનવાનો નિર્ણય કરી લીધો. આ વાત છે ૨૦૦૫ની. એ પછી કામકાજ અર્થે અવારનવાર આ પરિવાર ભારત આવતો અને મહારાજસાહેબને મળવા જતો, જૈન ધર્મ વિશે વધુ જાણતો. આમ ને આમ ચાર-પાંચ વર્ષ વીતી ગયાં. ચુરુશીને હવે કરીઅર નક્કી કરવાનો સમય આવ્યો હતો. તે ૧૫-૧૬ વર્ષની થઈ ત્યાં ફરી ઇન્ડિયા આવવાનું થયું. મહારાજસાહેબને મળ્યા ત્યારે ગુરુમહારાજે તેને કહ્યું કે તું હિન્દી શીખી જા, ભાષા આવડશે તો ધર્મગ્રંથોનું વાંચન કરી શકીશ અને પ્રવચન આદિ સાંભળીશ તો ધર્મનું જ્ઞાન મળશે. ચુરુશીએ સૌથી પહેલું કામ કર્યું ભાષા શીખવાનું. હિન્દી વાંચતાં-બોલતાં આવડ્યું એટલે મહારાજસાહેબ સાથે કમ્યુનિકેશન સરળ બન્યું અને ધાર્મિક પુસ્તકો વાંચવાનું શક્ય બન્યું.

ગુરુમહારાજને પવિત્ર ગ્રંથ અર્પણ કરવા રોકાઈ ગયેલા જૅપનીઝ શુક્રવારે સ્વદેશ પાછા જતાં પહેલાં ગુરુદેવને વંદન કરવા આવ્યા હતા. તસવીરો : સતેજ શિંદે
પૂજ્ય આચાર્ય જયંતસેનસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય નિપુણરત્નવિજયજી મહારાજસાહેબના ચાતુર્માસ-પ્રવેશ અર્થે હાલમાં ભાઈંદર આવેલી ચુરુશી પોતાની લાઇફસ્ટોરી આગળ વધારતાં ‘મિડ-ડે’ને શુદ્ધ હિન્દીમાં કહે છે, ‘મહારાજસાહેબનો પરિચય વધ્યો એટલે મેં કહ્યું કે તમે મને મંત્ર આપો. ગુરુદેવે કહ્યું કે મંત્ર લેવા પહેલાં એના નિયમો પાળવા પડે. હું તૈયાર હતી અને મારા પેરન્ટ્સ પણ તૈયાર હતા એટલે તેમણે અમને મંત્રદીક્ષા આપી. એ મંત્ર મળતાં ગુરુદેવના માર્ગદર્શન અનુસાર હું જાપ કરવા લાગી. એક કલાક, બે કલાકના જાપ પછી મને બહુ શાંતિ અને ખુશીનો અનુભવ થતો. મને થયું કે મારે આવી જ કરીઅર બનાવવી જોઈએ જેનાથી હું સર્વે દુખીજનોને પ્રસન્ન કરી શકું. ઔર મૈંને ઉસી વિષય કી પઢાઈ કી.’

પવિત્ર ગ્રંથને બહુ માનપૂર્વક માથે મૂકીને મહારાજસાહેબને વહોરાવવા લઈ જતો જૅપનીઝ ટીનેજર.
જૈન ધર્મનાં અપરિગ્રહ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય જેવાં એલિમેન્ટ્સ ચુરુશીને એવાં આર્કષી ગયાં કે તે વારંવાર ભારત આવવા લાગી, જૈન તીર્થોનાં દર્શનાર્થે જવા લાગી અને જગતનાં ભૌતિક સુખો, સંપત્તિ, મોહથી પર રહેવા લાગી. નિપુણરત્નવિજયજી મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચુરુશીએ ગુરુદેવ પાસે દીક્ષાની માગણી કરી, તેને સંયમ લેવાનો ભાવ જાગ્યો; પરંતુ ગુરુજીએ તેને કહ્યું કે તું તારા દેશમાં જ રહીને જૈન ધર્મના સિદ્ધાંતોને સ્પ્રેડ કર, એ જ તારું ખરું કાર્ય છે. તેની માગણીથી ગુરુમહારાજે તેનું નામ ચુરુશીમાંથી તુલસી પાડ્યું. ત્યારથી તે ઑફિશ્યલ ડૉક્યુમેન્ટ્સ, ફ્રેન્ડ્સ, ફૅમિલી-ગ્રુપમાં તુલસી તરીકે ઓળખાય છે. તે અહીં આવે ત્યારે સાધુની જેમ સંપૂર્ણ સફેદ ભારતીય પોશાક પહેરે છે અને ધર્મસ્થાનોમાં આમન્યારૂપે માથે ઓઢે છે. પ્રભુપૂજા, ચોવિહાર, પ્રતિક્રમણ, સામાયિક કરે છે તથા સંપૂર્ણ વ્યાખ્યાન સાંભળે છે.’

જપાનમાં જૈન ધર્મનો પ્રસાર કરનાર તુલસી ઉર્ફે ચુરુશી મિયાઝાવા.
જૈન ધર્મને સમર્પિત અપરિણીત તુલસી કહે છે, ‘ગુરુદેવ જયંતસેનસૂરીશ્વરજી મહારાજસાહેબના કાળધર્મ બાદ નિપુણરત્નવિજયજી મહારાજસાહેબે મારી ધર્મયાત્રા આગળ વધારી છે. હું ચૈત્યવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણનાં સૂત્રો શીખી છું અને મારા પેશન્ટ્સને શીખવું પણ છું. એમાં મારા દરદીઓને પણ મૅજિકલ અનુભવો થયા છે અને તેઓ પણ જૈન ધર્મમાં બિલીવ કરતા થયા છે.’
તો ચમત્કારને કારણે તમારા દરદીઓ જૈન ધર્મ પાળે છે? એ સવાલના જવાબમાં ૩૧ વર્ષની તુલસી કહે છે, ‘ના, શ્રદ્ધાને કારણે. કોઈ જૅપનીઝ ચમત્કાર કે મૅજિકમાં માને નહીં. તેમને લૉજિકલ લાગે તો જ ફૉલો કરે. મારે ત્યાં ઊંચા પદ પર કાર્યરત પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ જાતજાતના પ્રશ્નો, રોગો, તનાવોથી મુક્ત થવા હીલિંગ અર્થે આવે છે. તે દરેકને હું અન્ય ટ્રીટમેન્ટ સાથે નવકારમંત્રના જાપ સાથે મેડિટેશન કરવાનું કહું છું અને તેમને સારું થાય છે. આથી તેમને આ ધર્મના અન્ય સિદ્ધાંતો જાણવાની ઇચ્છા થાય છે. તેઓ એ પાળે છે અને પોતાના આત્મા પર ફોકસ કરીને સદ્જીવન જીવે છે.’

શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ નિપુણરત્નવિજયજી મહારાજસાહેબ કહે છે, ‘તુલસી સિવાય ભાષાફેરને લીધે બીજા કોઈ ભાવિકો સાથે વાતચીત થઈ શકતી નથી. છતાં તેમને એટલું કહીએ કે ગેન્કી દેસકા (કેમ છો?), સુકુફુકુ સિમાસો (અમારા આશીર્વાદ છે) ત્યારે તેમના ચહેરા ખીલી ઊઠે છે.’
ટોક્યોથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા નાગાનોકેન શહેરમાં રહેતી હીલર તુલસીના માધ્યમથી જપાનમાં જૈન ધર્મનો વ્યાપક પ્રચાર થયો છે. ઑનલાઇન અને ફિઝિકલી લોકો સામૂહિક જાપ કરે છે, ભક્તિ કરે છે અને દર મહિનાની વદ સાતમે ગુરુમહારાજની આરતી તથા વિશેષ આરાધના કરે છે. વયસ્કો અને મિડલ એજના તો ખરા, યંગસ્ટર્સ તેમ જ બાળકો પણ આ ભક્તિમાં જોડાય છે. આ ઉપરાંત જૈનોના અતિ પવિત્ર દિવસ પર્યુષણમાં તુલસી સાથે અનેક જપાનીઓ ઉકાળેલું પાણી પીએ છે, સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, ઈવન એકાસણાંનું તપ કરે છે અને એ પણ પચ્ચક્ખાણ (નિયમ) લઈને. ૧૦૦થી વધુ જપાનીઓએ તુલસી સાથે શત્રુંજય, શંખેશ્વર, ગિરનાર તીર્થની વિધિવત્ યાત્રા પણ કરી છે. એમાંય ગિરનારના નેમનાથ તો સૌને બહુ ગમે છે.

નૈમિશનો લોચ કરતા નિપુણરત્નવિજયજી મહારાજસાહેબ.
ભારતના જૈનો વિશે તુલસી કહે છે કે તેઓ ખૂબ શ્રદ્ધાળુ છે, પણ તેમનામાં ધૈર્ય નથી.
આચાર્ય શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી છેલ્લા સાડાત્રણ દાયકાથી દર વર્ષે શ્રાવણ સુદ સાતમથી શ્રાવણ સુદ પૂર્ણિમા દરમ્યાન ‘નવકાર મહામંત્ર આરાધના’ કાર્યક્રમનું આયોજન થાય છે. એ જ પરંપરાએ જપાનમાં પણ તુલસી આ ૯ દિવસનું અનુષ્ઠાન કરાવે છે.
ભારરૂપ ન બન્યા
જનરલી જૈન ધર્મમાં મોટાં ધાર્મિક અનુષ્ઠાનોમાં અન્ય જૈનોને સંઘરૂપે લઈ જવાની, સર્વેની રહેવાની અને જમવાની સુવિધા કરવાનું કામ પુણ્ય ઉપાર્જનનું કાર્ય કહેવાય છે. જોકે આ બધા જૅપનીઝ પોતાના ખર્ચે અહીં આવ્યા, હોટેલમાં રહ્યા અને જમવાની વ્યવસ્થા પણ જાતે જ કરી. સંઘ કે કોઈ વ્યક્તિ પર તેઓ ભારરૂપ નહોતા બન્યા.
ચાતુર્માસના મંગલ-પ્રવેશ નિમિત્તે આવેલા ૮૧ જૅપનીઝમાંથી ૬૩ જણ રવિવાર, ૨૬ જુલાઈના પ્રસંગ પછી બીજા દિવસે પોતાના દેશ જવા નીકળી ગયા હતા, પણ આ ગ્રુપે મહારાજસાહેબને પવિત્ર ગ્રંથ અર્પણ કરવાનો લાભ લીધો હોવાથી એમાંથી ૧૮ લોકો અહીં રોકાઈ ગયા હતા અને ૩૧ જુલાઈએ યોજાયેલા અર્પણ-કાર્યક્રમમાં ભાગ લઈને સાંજની ફ્લાઇટમાં નીકળ્યા હતા.
નાગાનોકેનમાં દેરાસર કે જૈન ઉપાશ્રય નથી. તુલસીએ પોતાના ઘરના એક ઓરડામાં ભગવાનની તથા ગુરુની મંગલ મૂર્તિ પધરાવી છે. અહીં સૌ ભેગા થઈને સર્વે ધાર્મિક કાર્યક્રમો કરે છે.
