સીટબેલ્ટ ન પહેરવા પર પહેલાં ૨૦૦ રૂપિયા ફાઇન હતો, હવે ૧૦૦૦ રૂપિયા : હેલ્મેટ ન પહેરવા પર પહેલાં ૫૦૦ રૂપિયા દંડ હતો, હવે ૧૦૦૦ રૂપિયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યમાં શુક્રવારથી મોટર વેહિકલ ઍક્ટના ફાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે જે અનુસાર સીટબેલ્ટ ન પહેરવા પર પહેલાં ૨૦૦ રૂપિયા ફાઇન વસૂલવામાં આવતો હતો જે હવે પાંચગણો વધારી ૧૦૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. એવી જ રીતે હેલ્મેટ ન પહેરવા પર પહેલાં ૫૦૦ રૂપિયા ફાઇન વસૂલવામાં આવતો હતો જે હવે ડબલ કરી ૧૦૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. નિયમ અનુસાર પિલ્યન રાઇડરને પણ આ જ ફાઇન લાગુ રહેશે એવી સ્પષ્ટતા ટ્રાફિક-વિભાગના અધિકારીઓએ કરી છે.
કાર, બાઇક કે પછી અન્ય કોઈ પણ વાહન ચલાવતા સમયે કરવામાં આવતી બેદરકારી તમને ભારે પડી શકે છે. રાજ્યમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ટ્રાફિક-વિભાગ દ્વારા શુક્રવારે સવારે એક સર્ક્યુલર અધિકારીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે એમ જણાવતાં મુંબઈ ટ્રાફિક-વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયમાં એવું જોવા મળ્યું હતું કે ૧૪ વર્ષ કરતાં મોટા બાળકને વાલીઓ પોતાની સાથે બાઇક કે પછી સ્કૂટર પર લઈને મુસાફરી કરતા હોય છે જેમાં માતા-પિતા સહિત બાળક એટલે એ ટ્રિપલ સીટ સવારી ગણવામાં આવે છે, જેમાં કાયદા પ્રમાણે ૧૪ વર્ષથી મોટા બાળક માટે એક જગ્યા ફાળવવી અનિવાર્ય છે જેનો અમલ નાગરિકો કરતા નથી. આવામાં અમારા અધિકારીઓ પણ અમુક કિસ્સામાં ધ્યાન આપતા નહોતા, જેનો ફાઇન પહેલાં માત્ર ૨૦૦ રૂપિયા જ હતો. જોકે હવે એને વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. એવી જ રીતે કારમાં પણ ૧૪ વર્ષથી મોટા બાળક માટે એક જગ્યા ફાળવવી જરૂરી છે. જો એવું ન કરતાં કોઈ કારચાલક સામે આવશે તો તેની પાસેથી ૧૦૦૦ રૂપિયા ફાઇન વસૂલવામાં આવશે, જે આ પહેલાં ૨૦૦ રૂપિયા હતો.’


