મુંબઈની છ લોકસભા બેઠકમાંથી અત્યાર સુધી BJPએ બે અને એકનાથ શિંદે જૂથે એક ઉમેદવાર જાહેર કર્યા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર
લોકસભાની ચૂંટણી જાહેર થવા છતાં રાજ્યના સત્તાધારી પક્ષોમાં કેટલીક બેઠકોની સમજૂતી નથી થઈ એટલે જાહેરાત અટકી છે. ગઈ કાલે બપોરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં થાણે, કલ્યાણ, નાશિક અને સંભાજીનગર બેઠક વિશે સમજૂતી થઈ હોવાનું અને ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ચાર વાગ્યે આ સંબંધી જાહેરાત થવાની શક્યતા હતી, પરંતુ કોઈક કારણસર એ કરવામાં નહોતી આવી. સત્તાધારી પક્ષના નેતાઓની લાંબી ચર્ચા બાદ પણ મુંબઈની ત્રણ લોકસભા બેઠકોની સમજૂતી નહોતી થઈ શકી. ૨૦૧૯માં જે પક્ષોના ઉમેદવાર વિજયી થયા હતા એ બેઠક એ પક્ષને ફાળવવાની માગણી કરવામાં આવી રહી છે, પણ ભારતીય જનતા પાર્ટી (BJP) વધુ બેઠકનો આગ્રહ રાખી રહી છે એને લીધે નિર્ણય ન થઈ શક્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈની છ લોકસભા બેઠકમાંથી અત્યાર સુધી BJPએ બે અને એકનાથ શિંદે જૂથે એક ઉમેદવાર જાહેર કર્યા છે.

