મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ ટોલનાકા પાસે છટકું ગોઠવીને ૧,૬૬,૧૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
થાણેના એક્સાઇઝ વિભાગે જપ્ત કરેલો દારૂ.
થાણેમાં અન્ય રાજ્યમાંથી દવાનું નકલી ઇન્વૉઇસ બનાવીને દારૂની તસ્કરી કરવાનું મોટું કૌભાંડ સ્ટેટ એક્સાઇઝ વિભાગે મંગળવારે વહેલી સવારે પકડી પાડ્યું છે. એક્સાઇઝ વિભાગની ફ્લાઇંગ સ્ક્વૉડે બાતમીના આધારે મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ ટોલનાકા પાસે છટકું ગોઠવીને ૧,૬૬,૧૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે પરગત સિંહ કરતાર સિંહ અને અમરીતબીર સિંહ હરપ્રીત સિંહની ધરપકડ કરી છે. અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે દવાની આડમાં ગોવામાં બનેલા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
થાણેના એક્સાઇઝ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત બાતમીના આધારે મંગળવારે સવારે મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ ટોલનાકા પાસે છટકું ગોઠવીને એક કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. કન્ટેનર ખોલતાં એમાં દવાની જગ્યાએ રૉયલ બ્લુ મૉલ્ટ વ્હિસ્કીની 180 મિલીલીટરની બૉટલોનાં ૧૪૫૦ બૉક્સ (કુલ ૧૨,૫૨૮ લીટર) મળી આવ્યાં હતાં. દારૂના જથ્થા અને કન્ટેનર સહિત કુલ ૧,૬૬,૧૧,૫૦૦ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી છે. આ તસ્કરી પાછળ કોઈ મોટું રૅકેટ સક્રિય હોઈ શકે છે જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે.’
