ગૌરચ નિકમ નામના આ મુસાફરના પગમાંથી લોહી વહેતું હોવા છતાં આરોપીએ તેને લાકડીથી મારવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાર પછી તે પીડિતનો મોબાઇલ લઈને ભાગી ગયો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તપોવન એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને ટ્રૅક નજીક ઊભેલા એક સગીરે લાકડીથી હાથ પર ફટકો માર્યો હતો. સગીરે મોબાઇલ પડાવવા આ રીતે માર્યું હતું, પરંતુ ફટકાને લીધે મુસાફરનું બૅલૅન્સ ગયું અને તે ટ્રેનમાંથી પડી ગયો. થાણે જિલ્લાના શહાડ-આમ્બિવલી રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રૅક પર પડતાં મુસાફરનો ડાબો પગ કપાઈ ગયો હતો. ગૌરચ નિકમ નામના આ મુસાફરના પગમાંથી લોહી વહેતું હોવા છતાં આરોપીએ તેને લાકડીથી મારવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાર પછી તે પીડિતનો મોબાઇલ લઈને ભાગી ગયો હતો.
ગૌરચને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ-ફરિયાદ બાદ ૧૬ વર્ષના સગીર આરોપીની ગઈ કાલે અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન આરોપી આવા અનેક કેસમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.


