બજારને ગયા બુધવારના ૧૬૨૮ પૉઇન્ટના કડાકા કરતાં ગઈ કાલના મંગળવારની ૧૦૫૩ પૉઇન્ટની ખરાબી વધુ ભારે પડી ઃ ત્યારના ૪.૫૯ લાખ કરોડ સામે આ વખતે રોકાણકારોના ૮.૪૨ લાખ કરોડ રૂપિયા હોમાઈ ગયા
પ્રતીકાત્મક તસવીર
હૅમિલ્ટન (ન્યુ ઝીલૅન્ડ) : મનમાં જે મંદી ચાલતી હતી એ સ્ક્રીન પરની તેજીને ભારે પડવા માંડી છે. એક સપ્તાહમાં માર્કેટ બીજી વખત ઘવાયું છે. ગયા બુધવારે ૧૭મીએ સેન્સેક્સ ૧૬૨૮ પૉઇન્ટ લથડ્યો હતો, ગઈ કાલના મંગળવારે બજાર ૧૦૫૩ પૉઇન્ટ પટકાયું છે. આ ખુવારી પ્રમાણમાં નાની હોવા છતાં સવિશેષ ઘાતક નીવડી છે. ૧૭મીની ખુવારીમાં માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૪.૫૯ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હતો. ગઈ કાલે ૮.૪૨ લાખ કરોડ (એનએસઈ ખાતે ૮.૪૭ લાખ કરોડ) સાફ થઈ ગયા છે! ૧૭મીની તુલનાએ ગઈ કાલે માર્કેટ બ્રેડ્થ વધુ ખરાબ જોવા મળી છે. રોકડું અને બ્રૉડર માર્કેટ વધુ ખરડાયું છે. ચાર્ટ પર બજારની નબળાઈ વધી છે.
એક બીજી મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહથી એફઆઇઆઇ એકધારી વેચવાલ છે. ૧૭ જાન્યુઆરીએ એફઆઇઆઇ દ્વારા બજારમાં ૧૦૫૭૮ કરોડની તગડી વેચવાલી આવી ત્યારથી લઈને અત્યાર સુધીના કામકાજના પાંચ દિવસમાં એણે કુલ મળીને ૨૭૮૨૯ કરોડ રૂપિયાની રોકડી કરી લીધી છે. ગઈ કાલે એફઆઇઆઇનું નેટ સેલિંગ ૩૧૧૫ કરોડ રહ્યું છે. સામે દેશી સંસ્થાઓની નેટ લેવાલી માત્ર ૨૧૪ કરોડ રહી છે.
ADVERTISEMENT
ત્રીજું, ૧૭મીની ખરાબીમાં વિશ્વબજારોની નબળાઈ એક મહત્ત્વનું કારણ હતું. ફેડ ગવર્નર તરફથી રેટ કટના મામલે આર્થિક પંડિતો અને પન્ટરોને વધુ પડતા આશાવાદી ન રહેવાની ચેતવણી અપાઈ હતી, જે બજારોને ગમી નહોતી. વિશ્વભરનાં બજારો એના પગલે વધતે-ઓછે અંશે ઘટ્યાં હતાં. મંગળવારે સ્થિતિ અલગ હતી. મોટા ભાગનાં એશિયન બજાર નોંધપાત્ર રીતે સુધર્યાં હતાં. હૉન્ગકૉન્ગ અઢી ટકા, ચાઇના અને સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ, ન્યુ ઝીલૅન્ડ એક ટકો, ઑસ્ટ્રેલિયા અને ફિલિપીન્સ અડધો ટકો, તાઇવાન અને મલેશિયા સાધારણ વધીને બંધ હતાં. સામે થાઇલૅન્ડ એક ટકો, સિંગાપોર અડધા ટકા કરતાં ઓછું અને જપાન નામ પૂરતું નરમ હતું. યુરોપ રનિંગમાં ફ્લૅટ હતું. બ્રેન્ટ ક્રૂડ પણ એકાદ ટકો ઘટીને ૭૯ ડૉલર આસપાસ હતું. અર્થાત્, ઘરઆંગણે માર્કેટનું માનસ બગાડે એવાં કોઈ પરિબળ વિશ્વસ્તરે નહોતાં છતાં સેન્સેક્સ મજબૂત ઓપનિંગ બાદ ૭૨,૦૦૦ વટાવી ત્યાંથી એકધારા ઘટાડામાં ૧૮૦૫ પૉઇન્ટ તૂટી ૭૦,૨૩૪ની તાજેતરનું નવું લોઅર બૉટમ બનાવી મહિનાના તળિયે બંધ રહે એ કેવું? આને તમે સફરનો થાક કહી શકો કે પછી નવી તેજી માટે થઈ રહેલી જગ્યા પણ ગણાવી શકો છો.


