Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધિવિનાયક મંદિર દાન ચોરી કેસમાં વિવાદ વકર્યો! ટ્રસ્ટીઓની સરકારી તપાસની માંગ

સિદ્ધિવિનાયક મંદિર દાન ચોરી કેસમાં વિવાદ વકર્યો! ટ્રસ્ટીઓની સરકારી તપાસની માંગ

Published : 04 August, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Siddhivinayak Temple Donation Row: મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી દાનની કથિત ઉચાપતથી મોટો વિવાદ થયો છે, ટ્રસ્ટીઓએ વાર્ષિક ૧૮ કરોડ રુપિયાની ચોરીના દાવાની સરકારી તપાસની માંગ કરી છે; દરમિયાન મહારાષ્ટ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ (Mumbai) ના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર (Siddhivinayak Temple) ના દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીનો મુદ્દો હવે મોટો વિવાદ બની ગયો છે. એક તરફ મંદિરના ટ્રસ્ટીઓએ આ મામલે સરકારી તપાસની માંગ કરી છે, તો બીજી તરફ વિવિધ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. દર વર્ષે અંદાજે રુપિયા ૧૮ કરોડનું દાન બારોબાર સિકવવામાં આવતું હોવાના દાવો સામે આવ્યા બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે, જેને પગલે મંદિરના હિસાબોની સ્વતંત્ર તપાસ કરવાની માંગ ઉઠી છે. આ મામલે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) એ પણ મંદિર ટ્રસ્ટ પાસે ખુલાસો માંગ્યો છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?



મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena) ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) એ દાવો કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે અંદાજે રુપિયા ૧૮ કરોડની ચોરી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લખાયેલા એક પત્રનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, ચોરીના આક્ષેપમાં કર્મચારીઓની ધરપકડ થયા બાદ દાનની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું.


ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર, દાનપેટીમાંથી મળતી રોકડની ગણતરી દરમિયાન શંકાસ્પદ બાબતો ધ્યાને આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ટ્રસ્ટનો દાવો - અમે જ આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે


આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ચેરમેન (Siddhivinayak Temple Trust President) અને શિવસેના (Shiv Sena) ના એમએલએ સદા સરવંકર (Sada Sarvankar) એ જણાવ્યું હતું કે, વર્તમાન ટ્રસ્ટીઓએ જ આ કથિત ચોરી પકડી પાડી હતી અને આ મુદ્દો સાર્વજનિક થાય તે પહેલાં જ અધિકારીઓને જાણ કરી દીધી હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ફરિયાદો મળ્યા બાદ સીસીટીવી અને નજર રાખવામાં આવી હતી, જેના પરિણામે ચોરીમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચોરી અટક્યા બાદ મંદિરના દાનની આવકમાં મોટો વધારો થયો છે.

રાજકીય ધમાસાણ શરૂ

આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો કે મહારાષ્ટ્રના સૌથી સમૃદ્ધ મંદિરોમાંથી એક એવા સિદ્ધિવિનાયકમાં વર્ષો સુધી આવી ગેરરીતિ કેવી રીતે ચાલુ રહી? બીજી તરફ, સદા સરવંકરે વર્તમાન ટ્રસ્ટ પરના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે ટ્રસ્ટીઓએ પોતે જ વિસલબ્લોઅર બનીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પકડાયેલા કેટલાક કર્મચારીઓના સંબંધો શિવસેના (UBT) ના નેતાઓ સાથે છે. સામે પક્ષે શિવસેના (UBT) ના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે વર્તમાન વહીવટદારો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરકારે અહેવાલ માંગ્યો

આરોપો અને વધતા જતા વિવાદને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાય વિભાગે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ પાસે આ કથિત નાણાકીય ગેરરીતિ અંગે અહેવાલ માંગ્યો છે. ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે વિવાદ શરૂ થાય તે પહેલાં જ તેમણે સ્વતંત્ર ઓડિટની માંગ કરી હતી અને તેઓ ચાલુ તપાસમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

તપાસ ચાલુ

દાનની મોટી રકમની ચોરીના આરોપો બાદ હાલ તપાસ અધિકારીઓ મંદિરના નાણાકીય રેકોર્ડ, રોકડ રકમ એકત્ર કરવાની પ્રક્રિયા અને કર્મચારીઓની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. આ કૌભાંડ કેટલું મોટું છે તે આગામી સરકારી તપાસ અને તપાસ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK