આજે ૪૨ વર્ષના થયેલા ધીરજ સોલંકીએ ૨૦૦૩માં જમણો પગ ગુમાવ્યો હતો, વળતર ન આપવું પડે એટલે રેલવે બહાનાબાજી કરી રહી હતી; બૉમ્બે હાઈ કોર્ટે એના દાવા ફગાવ્યા એટલું જ નહીં, વળતર પરનું વ્યાજ વધારી પણ આપ્યું
અકસ્માતમાં પગ ગુમાવનાર ધીરજ સોલંકી.
વિલેપાર્લે-ઈસ્ટના સદાનંદ રોડ પર રહેતા ૪૨ વર્ષના ધીરજ સોલંકીને ૨૩ વર્ષ પહેલાં બનેલી રેલવે-અકસ્માતની દુર્ઘટનામાં તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે ન્યાય આપ્યો છે. ૨૦૦૩ની આ
ટ્રેન-દુર્ઘટનામાં ધીરજે પોતાનો જમણો પગ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ તેમણે યોગ્ય વળતર મેળવવા માટે રેલવે-પ્રશાસન પાસે સતત ફેરા માર્યા હતા, પરંતુ પ્રશાસન દ્વારા વિવિધ કારણો આપીને ક્લેઇમ આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. અંતે આ મામલે બૉમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવતાં કોર્ટે ધીરજને ટ્રૅક ઓળંગનાર (ટ્રેસપાસર) ગણાવવાના રેલવેના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આ સાથે જ હાઈ કોર્ટે રેલવે ઍક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (RACT) દ્વારા ૨૦૦૫માં મંજૂર કરાયેલા ૧.૯૦ લાખ રૂપિયાના વળતર પર વ્યાજનો દર ૬ ટકાથી વધારીને ૯ ટકા કરવાનો આદેશ પણ આપ્યો છે.
ધીરજ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૩માં ૨૪ જાન્યુઆરીએ અમે મિત્રો ફરવા જવા વિલે પાર્લેથી ચર્ચગેટ જતી ટ્રેનમાં ચડ્યા હતા. ટ્રેનમાં અતિશય ભીડ હોવાના કારણે હું દરવાજા પાસે ઊભો હતો અને બહાર લટકી રહ્યો હતો. એ દરમ્યાન વિલે પાર્લે રેલવે-સ્ટેશન નજીક લાઇટના થાંભલા સાથે અથડાતાં હું ટ્રેનમાંથી નીચે પડી ગયો. આ ગંભીર અકસ્માતમાં મને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને દોઢ મહિના સુધી કોમામાં રહ્યા બાદ મારો જમણો પગ ઘૂંટણ નીચેથી કાપવો પડ્યો હતો. આ મામલે મેં RACTમાં વળતર માટેની માગણી કરી હતી જેમાં ૨૦૦૫માં ટ્રિબ્યુનલે મારું વળતર મંજૂર કર્યું હતું, પરંતુ રેલવે દ્વારા ૨૦૦૬માં આ નિર્ણય સામે અપીલ કરવામાં આવતાં વળતર અટકી પડ્યું હતું.’
ADVERTISEMENT
તાજેતરમાં હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન જસ્ટિસ રાજેશ પાટીલની સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે રેલવે પોતાના પક્ષને સાબિત કરવા માટે કોઈ યોગ્ય સાક્ષી રજૂ કરી શકી નથી. રેલવેનો એવો દાવો હતો કે ધીરજ સોલંકી સાંતાક્રુઝ સ્ટેશન પાસે ટ્રૅક ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવ્યા હતા. જોકે હાઈ કોર્ટે આ દાવો અસ્વીકાર્ય ગણાવ્યો હતો. ધીરજ સોલંકીના વકીલ સાયનંદ ચોગુલેએ પુરાવા સાથે રજૂઆત કરી હતી કે ધીરજ સોલંકીએ વિલે પાર્લેથી દાદરની યોગ્ય ટિકિટ ખરીદી હતી જેથી તેઓ માન્ય મુસાફર (બોનાફાઇડ પૅસેન્જર) સાબિત થાય છે.
રકમ ઉપાડવાની મંજૂરી
હાઈ કોર્ટના આ નિર્ણયથી ધીરજ સોલંકીને હવે RACT પાસે જમા થયેલી વળતરની રકમ ઉપાડવાની મંજૂરી મળી ગઈ છે. અકસ્માત બાદ મેમરી-લૉસ અને શારીરિક ખોડખાંપણને કારણે ધીરજ સોલંકીનો અભ્યાસ છૂટી ગયો હતો અને તેઓ કોઈ કાયમી રોજગાર મેળવી શક્યા નહોતા. કૃત્રિમ પગ સાથે જીવન જીવતા ધીરજ માટે આ વળતરની રકમ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
