શિવસેનાના સંજય ગાયકવાડે ૧૯૮૭માં વાઘના શિકારનો અને એનો દાંત ગળામાં પહેર્યો હોવાનો દાવો કર્યો હતો : વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ કેસ નોંધાયો
સંજય ગાયકવાડ
શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ૧૯૮૭માં વાઘના શિકારનો અને એનો દાંત ગળામાં પહેર્યો હોવાનો દાવો કર્યા બાદ રાજ્યના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે શનિવારે દાંત કબજે કર્યો હતો તથા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ તેમની સામે કેસ કર્યો હતો.
વાઘના કહેવાતા દાંતને ફૉરેન્સિક ઓળખ માટે મોકલવામાં આવ્યો છે અને તદનુસાર આગળ પગલાં લેવામાં આવશે.આ વિધાનસભ્ય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ (શિવસેના)ના છે અને તાજેતરમાં તેમણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો મૂકીને વાઘના શિકારનો દાવો કર્યો હતો અને વાઘના દાંતને તેમણે ગળામાં પહેર્યો હતો એમ ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (બુલડાણા ડિવિઝન) સરોજ ગાવસેએ એક યાદીમાં જણાવ્યું હતું. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે વિડિયોની માહિતી ધ્યાનમાં લીધી છે અને દાંતને કબજે કર્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ ૧૯૭૨ હેઠળ આ વિધાનસભ્ય સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ બુલડાણા રેન્જ ઑફિસર અભિજિત ઠાકરેએ જણાવ્યું હતું.