Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ મિશન, મહાનગરપાલિકા

એક જ મિશન, મહાનગરપાલિકા

Published : 19 June, 2023 08:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના ૫૭ વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વાર બે અલગ-અલગ જગ્યાએ યોજાશે સ્થાપના દિનના કાર્યક્રમ

તસવીર : આશિષ રાજે

તસવીર : આશિષ રાજે


મુખ્ય પ્રધાન ગોરેગામના નેસ્કોમાં અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં કાર્યકરોને સંબોધશે. એમાં ઉદ્ધવ ઠાકરે બીએમસી પોતાની પાસે જ રહે એ માટે કાર્યકરોને માર્ગદર્શન આપે અને સામે પક્ષે એકનાથ શિંદે બીજેપીની મદદથી મુંબઈ સુધરાઈમાં કઈ રીતે પગપેસારો કરી શકાય એની ગાઇડલાઇન્સ કાર્યકરોને આપે એવી શક્યતા છે


એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ અને ૧૦ અપક્ષ વિધાનસભ્યોએ ગયા વર્ષે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર સાથેનો છેડો ફાડ્યો હતો. આ ઘટનાને આવતી કાલે એક વર્ષ થઈ રહ્યું છે. શિવસેનાનાં બે ફાડિયાં થઈ ગયાં છે ત્યારે આજે પક્ષના સ્થાપના દિવસે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શક્તિપ્રદર્શન થશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા ગોરેગામના નેસ્કો કૉમ્પ્લેક્સમાં અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે બંને જૂથો આગામી બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને શું મેસેજ આપે છે એના પર બધાનું ધ્યાન છે. એનું કારણ એ છે કે જો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકામાં પરાસ્ત કરવામાં આવે તો એને મરણતોલ ફટકો પડી શકે એમ છે અને આ વાત શિંદેસેના અને બીજેપી સારી રીતે જાણે છે. એટલે જ એકનાથ શિંદેએ મુંબઈમાં ઉદ્ધવ સેનાના નેતા અને કાર્યકરોને પોતાની બાજુ કરવા માટે કોઈ કસર નથી છોડી. એકનાથ શિંદેએ શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે ગ્રુપ તરફથી જબરદસ્ત શાબ્દિક લડાઈ ચલાવી રહેલાં પાર્ટીના આક્રમક પ્રવક્તા મનીષા કાયંદેએ પણ ગઈ કાલે શિંદેસેના જૉઇન  કરી લીધી હતી. સુધરાઈની ચૂંટણી પહેલાં ઉદ્ધવસેનાને આ મોટો ફટકો કહી શકાય.



હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ ૧૯૬૬ની ૧૯ જૂને શિવસેનાની સ્થાપના કરી હતી એને આજે ૫૭ વર્ષ થઈ રહ્યાં છે. ગયા વર્ષે એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે ઐતિહાસિક બળવો કર્યો હતો એટલે શિવસેનાના ઇતિહાસમાં આજે પહેલી વખત ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એમ બે જૂથ દ્વારા પક્ષની સ્થાપનાની ઉજવણી કરવામાં આવી રહી છે.


શિવસેનાના પંચાવન વિધાનસભ્યોમાંથી ચાલીસ એકનાથ શિંદે સાથે છે અને માત્ર ૧૫ વિધાનસભ્યો જ અત્યારે ઉદ્ધવ ઠાકરે સાથે છે. આથી રાજ્યસ્તરે ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. એકનાથ શિંદેએ બીજેપીના સહયોગથી સરકારની સ્થાપના કરીને મુખ્ય પ્રધાન બન્યા બાદ રાજ્યભરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની શરૂઆત કરી છે, પણ તેમને હજી સુધી મુંબઈમાં ખાસ સફળતા નથી મળી. સરકારમાં સહયોગી પક્ષ બીજેપી પણ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુંબઈ બીએમસી આંચકવાના પ્રયાસ કરી રહી છે. આથી એકનાથ શિંદે દ્વારા આજે નેસ્કોમાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેની બીએમસી પરની પકડને પડકારવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પાસે અત્યારે મુંબઈ બીએમસી સિવાય ખાસ કંઈ નથી. તેઓ બીએમસી પોતાની પાસે જ રહે એ માટે પોતાની સાથેના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને એકજૂથ રાખવાના પ્રયાસ કરે એવી શક્યતા છે. ગઈ કાલે જ પોતાની સાથેના પદાધિકારીઓ અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે વરલીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ બીએમસી આંચકવા માટે દિલ્હીના બીજેપીના નેતાઓ આંટાફેરા મારી રહ્યા હોવાનું કહ્યું હતું.


આમ કહીને ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મરાઠી માણસો પાસેથી મુંબઈ છીનવી લેવા માગે છે એવો હાઉ ઊભો કરવાની વારંવાર કોશિશ કરી છે. ઉદ્ધવ ઠાકરે સારી રીતે જાણે છે કે એકનાથ શિંદેને બીજેપીનું પીઠબળ છે એટલે ધીમે-ધીમે તેઓ રાજ્યમાં પગપેસારો કરી રહ્યા છે. આવી જ રીતે મુંબઈમાં પણ એકનાથ શિંદેને સફળતા મળશે કે ટકી રહેવું મુશ્કેલીભર્યું થઈ જશે. આ વાતને ધ્યાનમાં રાખીને જ આજે સાંજે કિંગ્સ સર્કલમાં આયોજિત પક્ષના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ મુંબઈમાં વસતા મરાઠીઓને પોતાના પક્ષે રાખવાના તમામ પ્રયાસ કરશે.

મુંબઈ બીએમસીમાં શિવસેનાના નેવું જેટલા નગરસેવક છે, જેમાંથી અત્યારે ગણ્યાગાંઠ્યા નગરસેવકો જ જાહેરમાં એકનાથ શિંદે સાથે જોડાયા છે. શિવસેનાના સત્તાસંઘર્ષનો નિર્ણય હજી સુધી નથી આવ્યો એટલે શિવસેનાના અનેક નગરસેવકો કઈ બાજુ જવું એની રાહ જોઈને બેઠા છે. નિર્ણય જે પક્ષે આવશે એ પ્રમાણે તેઓ વર્તશે એમ રાજકીય નિષ્ણાતોનું કહેવું છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK