વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાશિકમાં સભા થઈ હતી ત્યારે શાંતિગિરિ તેમને મળી નહોતા શક્યા.
સ્વામી શાંતિગિરિ મહારાજ
મહારાષ્ટ્રના નાશિકની લોકસભા બેઠક પર શિવસેનાના હેમંત ગોડસે બે ટર્મથી સંસદસભ્ય છે. આમ છતાં નાશિકમાં પંચાવન મઠ અને નવ ગુરુકુળ ધરાવતા વગદાર સ્વામી શાંતિગિરિ મહારાજે લોકસભાની ટિકિટ મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા. ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમને ચૂંટણી ન લડવા માટે બહુ સમજાવવામાં આવ્યા હતા તો પણ તેમણે ધરાર નામ પાછું નહોતું લીધું. નાશિક બેઠકની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હવે સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કાશીમાં પ્રચાર કરવાનું કહ્યું છે. શાંતિગિરિ મહારાજે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા આદર્શ છે. નાશિક લોકસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય મારો હતો, પણ દેશના હિત માટે નરેન્દ્ર મોદીને ફરી વડા પ્રધાન બનાવવા જરૂરી છે. આથી પહેલી જૂને થનારા મતદાનના પ્રચાર માટે હું કાશી જઈશ. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું કે નહીં એ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ નક્કી કરીશ.’ ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાશિકમાં સભા થઈ હતી ત્યારે શાંતિગિરિ તેમને મળી નહોતા શક્યા.

