Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઓરિજિનલ જૉની લીવર છે ત્યારે તમારી મિમિક્રી શું કામ જોઈએ?

ઓરિજિનલ જૉની લીવર છે ત્યારે તમારી મિમિક્રી શું કામ જોઈએ?

29 November, 2022 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગટનેતાની સભામાં ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની મશ્કરી કરી હતી એ બાબતે સંજય રાઉતે માર્યો ટોણો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ રવિવારે ગોરેગામમાં નેસ્કો ખાતે આયોજિત ગટનેતાની સભામાં ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી સહિતના લોકોની મિમિક્રી કરીને તેમની મશ્કરી ઉડાવી હતી. આ વિશે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘આપણી પાસે મિમિક્રી કરવા માટે જૉની લીવર છે તો હું તમારી મિમિક્રી શા માટે જોઉં? રાજકારણમાં મિમિક્રીનું કોઈ સ્થાન નથી હોતું.’ 

શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે રાજ ઠાકરેને ઉદ્દેશીને આગળ કહ્યું હતું કે ‘માત્ર મિમિક્રી કરીને અને અમારા પર ટીકા કરીને તમે કેટલો સમય રાજકારણ કરશો? હવે આ બહુ થયું. તમે લાંબા સમયથી રાજકારણમાં છો. માત્ર ટીકા કરવાને બદલે રાજકારણમાં એક નેતા તરીકે કામ કરી બતાવો. સભાઓમાં બીજા નેતાઓનો અવાજ કાઢીને કેટલો સમય ચલાવશો. આખું રાજ્ય તમને જુએ છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ભારે મહેનત કરી રહ્યા છે. તમે ચાર દિવસ તેમની સાથે ચાલીને બતાવો.’



સંજય રાઉતે રાજ ઠાકરેની ટીકા કરવા સામે એમએનએસના પ્રવક્તા ગજાનન કાળેએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘૧૦૦ દિવસ મહારાષ્ટ્રની જનતા કાદર ખાન જેવા અભિનયથી વંચિત હતી. સંજય રાઉતના રૂપમાં કાદર ખાન રોજ સવાર, બપોર અને સાંજે આક્રમક રીતે બોલે છે. આવું બોલવું એ રાજકારણ છે?’


ભગત સિંહ કોશ્યારી રાજ્યપાલનું પદ છોડવા માગતા હોવાની અફવા
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવા સહિતની ટીકા વિરોધીઓ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે સમાચાર વહેતા થયા હતા કે તેઓ રાજ્યપાલનું પદ છોડવા માગે છે. જોકે રાજ્યપાલની નજીકનાં સૂત્રો મુજબ આ વાતમાં કોઈ તથ્ય નથી. ભગતસિંહ કોશ્યારીએ આવી કોઈ ઇચ્છા જાહેર નથી કરી. કેટલાક લોકો જાણી જોઈને આવા સમાચાર ચલાવી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ સંબંધી ટિપ્પણી બાબતે વિરોધ પક્ષો તેમનું રાજીનામું માગી રહ્યા છે. આમ છતાં તેમની સામે હજી સુધી બીજેપીની આગેવાનીની કેન્દ્ર સરકારે કોઈ કાર્યવાહી નથી કરી.

કોરોનાના સમયમાં ૩૦૦૦ કરોડ રૂપિયા વીમા કંપનીઓને આપ્યા
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપ કર્યો હતો કે ‘કોરોના મહામારીના સમયમાં કોઈ યંત્રણા કામ નહોતી કરતી તો પણ તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા પાક વીમા કંપનીઓને ૩૦૦૦ કરોડ રૂપિયા એક વર્ષમાં આપવામાં આવ્યા હતા. એ સમયે સરકારે ખેડૂતોને કોઈ મદદ નહોતી કરી અને વીમા કંપનીઓને આટલી મોટી રકમ કોઈ કામ વિના કેવી રીતે ફાળવી? યંત્રણા કામ નહોતી કરતી એટલે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈનો એક રૂપિયો પણ એ સમયે સરકારે નહોતો આપ્યો. આથી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકારની પોલ હવે ખૂલી રહી છે. સત્તા ગયા બાદ હવે ઉદ્ધવ ઠાકરે ખેડૂતો વિશે બોલી રહ્યા છે. તેમની હિંમતને દાદ આપવી જોઈએ. અઢી વર્ષમાં કંઈ જ ન કરનારાઓ હવે વીમા કંપનીની ઑફિસો તોડવાની સાથે મોરચો કાઢવાનું નાટક કરી રહ્યા છે.’


મહિલા સંબંધી નિવેદનમાં અર્થનો અનર્થ કરાયો : બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવે મહિલા સંબંધી કરેલા નિવેદનની માફી માગી છે. રાજ્યના મહિલા પંચને આપેલા જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘મહિલાઓના સશક્તીકરણ માટે હું વિશ્વસ્તરે કામ કરું છું. થાણેના કાર્યક્રમમાં મેં જે કહ્યું હતું એની ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવાનો પ્રયાસ કરાયો છે. મેં કહ્યું હતું કે મહિલાઓ સાડી અને સલવાર-કુર્તામાં સુંદર લાગે છે. તેઓ હું પહેરું છું એવાં સાદાં વસ્ત્રોમાં પણ સરસ દેખાય એમ કહ્યું હતું. આમ છતાં કોઈની ભાવના દુભાઈ હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. મારા શબ્દોથી કોઈને દુ:ખ થયું હોય તો હું ક્ષમા માગું છું.’

સંજય રાઉતને હવે બેલગામ કોર્ટના સમન્સ
બેલગામ-મહારાષ્ટ્ર સીમા વિવાદ સંબંધે સંજય રાઉતે અશોભનીય ભાષામાં કરેલા ભાષણ બાબતે બેલગામ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં ત્યાંની કોર્ટે સંજય રાઉતને પહેલી ડિસેમ્બરે હાજર રહેવાનો સમન્સ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમન્સ બિનજામીનપાત્ર હોવાથી સંજય રાઉત કોર્ટમાં હાજર ન થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. સંજય રાઉતે આ વર્ષની ૩૦ માર્ચે બેલગામમાં ભાષણ કર્યું હતું, જેમાં તેમણે અપશબ્દો કહ્યા હોવાથી તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 

બેકારી અને ફુગાવાને બદલે ભાજપ સરકાર લવ-જેહાદ પર ધ્યાન આપી રહી છે : ભુજબળ

એનસીપીના નેતા છગન ભુજબળે સોમવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે બેકારી, ફુગાવા અને ખેડૂતોની આત્મહત્યા જેવા પ્રશ્નો પાછલી પાટલીએ ધકેલી દીધા છે અને એને બદલે સરકાર લવ-જેહાદના બનાવો પર ધ્યાન આપી રહી છે. સમતા પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભૂતપૂર્વ પ્રધાને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘બેરોજગારી, ફુગાવો અને ખેડૂતોની આત્મહત્યા અત્યંત મહત્ત્વના પ્રશ્નો છે. આ સમસ્યાઓ પર ઢાંકપિછોડો કરવા ભાજપ સરકાર લવ-જેહાદ જેવા બનાવો સામે લાવી રહી છે. ચૂંટણીના સમયનો લાભ લેવા માટે સરકાર ઇરાદાપૂર્વક આમ કરી રહી છે.’ આ ઉપરાંત સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાં ગણેશ અથર્વશીર્ષ પર મફત અભ્યાસક્રમ શરૂ કરવા સામે પણ તેમણે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેનારી સમિતિ અસ્તિત્વ જ ધરાવતી નથી. કાર્યકારી વાઇસ-ચાન્સેલર અધિકાર ધરાવતા નથી અને તેમને એની પરવાનગી પણ નથી. આવા વિષયો અન્ય ધર્મોમાં પણ છે. શું આપણે એ પણ શરૂ કરી દઈશું? આવા અભ્યાસક્રમો શરૂ થયા છે ત્યારે શું સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસીના અભ્યાસક્રમો બંધ કરી દેવા જોઈએ?’

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK