સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ચાર વર્ષથી બંધ ટૉય ટ્રેન મે મહિનાથી ફરી શરૂ કરવામાં આવશે અને એમાં પહેલી વખત વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવશે
ટૉય ટ્રેન
બોરીવલી-ઈસ્ટમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ચાર વર્ષથી બંધ ટૉય ટ્રેન મે મહિનાથી ફરી શરૂ કરવામાં આવશે અને એમાં પહેલી વખત વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવશે. રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ (RITES)ના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર રાહુલ મિથુલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સંજય ગાંધી નૅશનલ પાર્કમાં મે મહિનાથી ટૉય ટ્રેન સર્વિસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાચની સીલિંગ અને મોટી બારીઓવાળા વિસ્ટાડોમ કોચમાંથી આસપાસનાં મનોહર દૃશ્યો જોઈ શકાય છે. વિસ્ટાડોમ કોચ ભારતમાં પહેલી વખત ૨૦૧૭માં આંધ્ર પ્રદેશની ટ્રેનમાં જોડવામાં આવ્યો હતો. સંજય ગાંધી નૅશનલ પાર્કની વન રાણી તરીકે ઓળખાતી ટૉય ટ્રેનના ટ્રૅક ૨૦૨૧માં આવેલા ‘તાઉતે’ વાવાઝોડાને લીધે ઊખડી ગયા બાદથી બંધ કરી દેવામાં આવી હતી. ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨.૮ કિલોમીટર લાંબા રૂટનું નવેસરથી કામ કરવામાં આવી રહ્યું છે.’
ઉલ્લેખનીય છે કે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ૧૯૭૦માં શરૂ કરવામાં આવેલી ત્રણ કોચની વનરાણી ડીઝલના એન્જિનથી ચાલતી હતી અને એમાં ૬૦થી ૮૦ ટૂરિસ્ટ પ્રવાસ કરી શકતા હતા. વન રાણી ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં શરૂ થવાની હતી, પરંતુ કેટલાંક કારણોસર કામ પૂરું નહોતું થયું. જોકે હવે ચોમાસા પહેલાં વન રાણી વિસ્ટાડોમ સાથે શરૂ થઈ જશે.

