લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં રાજા ઋષભદેવની ૭૨ કૌશલ અને ૧૪ લલિત કલાઓનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કાર્યક્રમમાં રાજા ઋષભદેવ પરના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ફડણવીસે રાજા ઋષભદેવ કલા સંસ્કૃતિ-પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસે ગુરુભગવંતોને અને સંતોને નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
બોરીવલીના કોરા કેન્દ્રમાં ‘ઋષભાયન 02’ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજાઈ છે. ૩ દિવસની આ કૉન્ફરન્સની શરૂઆત ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થઈ હતી. આ અવસરે મુખ્ય પ્રધાને ‘ભારતીય સંસ્કૃતિ કે પુરોધા રાજા ઋષભ’ પુસ્તકનું લોકાર્પણ પણ કર્યું હતું. આ મેગા ઇવેન્ટનું આયોજન રાજા ઋષભદેવના જીવન અને યોગદાનના મહત્ત્વને લોકો સામે ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું છે.
લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ (LVJST) દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં રાજા ઋષભદેવની ૭૨ કૌશલ અને ૧૪ લલિત કલાઓનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા ૨૦૦ જેટલા સ્ટૉલ્સ, વિદ્વાનોનાં વક્તવ્ય, પૅનલ ડિસ્કશન, ૧૧૧૧ દુર્લભ ગ્રંથો-હસ્તપ્રતોની લાઇબ્રેરીનું લોકાર્પણ, ઇન્ટરનૅશનલ સ્કૉલર્સ દ્વારા રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન, યુવાનો માટે ફિલ્મ-ફેસ્ટિવલ અને કૉમ્પિટિશન વગેરે જેવાં અનેક પ્રકારનાં આયોજન કરવામાં આવ્યાં છે.


