મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે થાણેના શીલ ગામમાં બુલેટ ટ્રેનના રૂટમાં ગેરકાયદે ઊભી કરવામાં આવેલી ઇમારત તોડવા માટે થાણે મહાનગરપાલિકાની ટીમ ગઈ હતી. લોકોએ વિરોધ કરીને અતિક્રમણ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા.
થાણેના શીલ ગામમાં ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે ઇમારત તોડી પાડવામાં આવી હતી
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈ કાલે થાણેના શીલ ગામમાં બુલેટ ટ્રેનના રૂટમાં ગેરકાયદે ઊભી કરવામાં આવેલી ઇમારત તોડવા માટે થાણે મહાનગરપાલિકાની ટીમ ગઈ હતી. લોકોએ વિરોધ કરીને અતિક્રમણ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવવાની સાથે તેમને અપશબ્દો પણ કહ્યા હતા. આને લીધે થોડો સમય મામલો ગરમ થઈ ગયો હતો. એ પછી ઘટનાસ્થળે વધુ પોલીસ-બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
થાણે મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યા મુજબ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન થાણે મહાનગરપાલિકાની હદના શીલ, ડવલે, પડલે, દેસાઈ, આગાસન, બેતવડે અને મ્હાતાર્ડી ગામમાંથી પસાર થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ તમામ ગામની જમીન સંપાદિત કરવામાં આવી છે. શીલ ગામમાં સંપાદિત કરવામાં આવેલી જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ એક માળની ગેરકાયદે ઇમારત ઊભી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યા બાદ એ ઇમારત તોડી પાડવા માટેની નોટિસ મોકલવામાં આવી હતી. સોમવારે સવારે અતિક્રમણ વિભાગની ટીમ આ ગેરકાયદે ઇમારત તોડવા ગઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને કાર્યવાહી કરવા ગયેલી ટીમને ધક્કે ચડાવી હતી. કેટલાક લોકો ઇમારતમાંથી બહાર નહોતા નીકળતા એટલે વધારાની પોલીસ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસની મદદથી ઇમારત ખાલી કરાવીને તોડી પાડવામાં આવી હતી.

