જુહુમાં રહેતી જોશી ફૅમિલીના સિક્યૉરિટી ગાર્ડે પૉમેરેનિયન ડૉગીનું અપહરણ કરીને અંધેરી રેલવે-સ્ટેશન પાસે મૂકી દીધી હતી : શ્રુતિ પટેલે ડૉગીને જોયા બાદ હૉસ્પિટલ લઈ જઈને પ્રાણીપ્રેમીને ત્યાં મૂકી હતી
જુહુના જોશી પરિવાર સાથે ફરી જોડાઈ ગયેલી ડૉગી પ્રિક્સી. (તસવીર : શાદાબ ખાન)
જુહુમાં આવેલા રુસ્તમજી સીરૉક ટાવરમાં રહેતા જોશી પરિવારની પ્રિક્સી નામની પૉમેરેનિયન ડૉગીનું સોસાયટીના સિક્યૉરિટી સુપરવાઇઝર રાજેન્દ્ર પંઢારકરે ૧૫ એપ્રિલે અપહરણ કર્યું હતું. સિક્યૉરિટી કૉન્ટ્રૅક્ટરે પગારમાં ૪૦૦૦ રૂપિયા કાપી લીધા એના ગુસ્સામાં આરોપી રાજેન્દ્ર પંઢારકરે ડૉગીનું અપહરણ કરીને જોશી પરિવાર પાસેથી ૨૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. ડૉગીના ગળાનો પટ્ટો અને આઇડેન્ટિટી ટૅગ દૂર કરીને આરોપીએ ડૉગીને વિલે પાર્લે રેલવે-સ્ટેશન પાસે મૂકી દીધી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝનમાં પ્રિક્સી અંધેરી રેલવે-સ્ટેશન પાસે ફરતી હોવાનું જણાયું હતું.
૨૩ વર્ષની બૅન્કિંગ અને ફાઇનૅન્સ પ્રોફેશનલ શ્રુતિ પ્રકાશ પટેલે પ્રિક્સીને અંધેરી રેલવે-સ્ટેશન પાસે જોઈ હતી. શ્રુતિએ પ્રિક્સીને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવી હતી અને એને અંધેરી-ઈસ્ટમાં રહેતા સંદીપ ભોસલેને સોંપી હતી. અદિતિ જોશીએ પ્રિક્સીનું અપહરણ કરીને ખંડણી માગવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી અને ડૉગીને શોધવા માટે એના ફોટો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા હતા. પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરના પલ ફાઉન્ડેશનના માધ્યમથી ૧૯ એપ્રિલે પ્રિક્સી ડૉગી અંધેરીના સંદીપ ભોસલે પાસે હોવાનું જણાયું હતું અને બાદમાં ડૉગીને જોશી પરિવારને સોંપવામાં આવી હતી.

