વિકી પત્ની કૅટરિના કૈફ સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં રાજમહલ નામના લક્ઝરી કૉમ્પ્લેક્સના અપાર્ટમેન્ટમાં રેન્ટ પર રહે છે
વિકી કૌશલ અને કૅટરિના કૈફ
વિકી કૌશલ હાલમાં પત્ની કૅટરિના કૈફ સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં ‘રાજમહલ’ નામના લક્ઝરી કૉમ્પ્લેક્સના અપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. હાલમાં વિકીએ પોતાના આ અપાર્ટમેન્ટનો લીઝ કૉન્ટ્રૅક્ટ ત્રણ વર્ષ માટે રિન્યુ કરાવ્યો છે. આ અપાર્ટમેન્ટના ભાડાપેટે વિકી દર મહિને ૧૭.૦૧ લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવશે જેમાં દર વર્ષે કૉન્ટ્રૅક્ટ મુજબ વધારો થશે.
વિકીનો અપાર્ટમેન્ટ ૨૫૮.૪૮ સ્ક્વેર મીટર એરિયા ધરાવે છે અને એમાં ત્રણ કાર-પાર્કિંગની સુવિધા છે. આ લીઝ ડીલ ૨૦૨૫ના એપ્રિલમાં રજિસ્ટર્ડ કરવામાં આવી છે. ડીલ પ્રમાણે પહેલા અને બીજા વર્ષે વિકી દર મહિને ૧૭.૦૧ લાખ રૂપિયા ભાડું ચૂકવશે. ત્રીજા વર્ષે આ ભાડું વધીને ૧૭.૮૬ લાખ રૂપિયા થશે. આમ વિકી ત્રણ વર્ષમાં ભાટાપેટે કુલ ૬.૨ કરોડ રૂપિયા ચૂકવશે.
આ ડીલ માટે વિકીએ ૧.૬૯ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી પણ ચૂકવી છે. એ સિવાય તેણે ૧.૭૫ કરોડ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા છે. એ પહેલાં વિકીએ ૨૦૨૧માં જુલાઈમાં આ જ અપાર્ટમેન્ટ પાંચ વર્ષ માટે લીઝ પેટે લીધો હતો અને એ સમયે એનું ભાડું દર મહિનાના આઠ લાખ રૂપિયા હતું.

