શનિવારે આ માટે ખાસ આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ઝોન-૭ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાકેશ ઓલાએ આ માલમતા લોકોને પાછી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે પૂર્વનાં પરાંઓ મુલુંડ, ઘાટકોપર, ભાંડુપ, કાંજુરમાર્ગ અને વિક્રોલીના ચોરી, લૂંટ, ચેઇન-સ્નૅચિંગ, ઘરફોડી જેવા ગુનાઓ ઉકેલીને આશરે ૮૯.૭૯ લાખ રૂપિયાની માલમતા એમના મૂળ માલિકોને પાછી આપી હતી. ભાંડુપ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા જૈનમ હૉલમાં શનિવારે આ માટે ખાસ આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ઝોન-૭ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાકેશ ઓલાએ આ માલમતા લોકોને પાછી આપી હતી.
ઝોન-૭ હેઠળ આવતાં ભાંડુપ, ઘાટકોપર, પંતનગર, વિક્રોલી, પાર્કસાઇટ, કાંજુરમાર્ગ, મુલુંડ અને નવઘર પોલીસ-સ્ટેશનોના અધિકારીઓએ ટેક્નિકલ તપાસ કરીને અને પદ્ધતિસર ફૉલો-અપ લઈને ચેઇન-સ્નૅચિંગ, સશસ્ત્ર લૂંટ, બંધ ઘરમાંથી ચોરી, મોબાઇલચોરી અને અન્ય પ્રકારની ચોરીઓના કેસનો ઉકેલ લાવીને એમાં આરોપીઓ પાસેથી માલમતા રિકવર કરી હતી. લોકો ભૂલી ગયા હોય એવી માલમતા પણ શોધીને પોલીસે તેમને પાછી આપી હતી.


