Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે સુખની વહેંચણીનો સંદેશ આપી રહ્યું પર્વાધિરાજ પર્વ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે સુખની વહેંચણીનો સંદેશ આપી રહ્યું પર્વાધિરાજ પર્વ

05 September, 2024 09:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩મા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથના જીવન આધારિત હૃદયસ્પર્શી નાટિકાનાં દૃશ્યો નિહાળી વંદિત બન્યા હજારો આત્મા

નાટિકાનાં દૃશ્યો નિહાળી વંદિત બન્યા

નાટિકાનાં દૃશ્યો નિહાળી વંદિત બન્યા


બીજાની ચિંતા દૂર કરનારાનું દુઃખ દૂર થયા વિના ન રહે.
આપણી પાસેથી ખાલી હાથે જનારા આપણાં પુણ્ય ખાલી કરી જાય, આપણી પાસેથી ભરેલા હાથે જનારા આપણાં પુણ્ય ભરીને જાય.
આપણું આપેલું દાન આપણી આફતને ટાળી દે છે.
સમાજ પાસેથી મેળવેલું સમાજને પાછું આપવું એ દાન ન કહેવાય, પરંતુ સંવિભાગ કહેવાય.
- નમ્રમુનિ


પોતાના સુખમાં અન્યને પણ ભાગીદાર બનાવીને સુખનો ગુણાકાર કરી લેવાની પ્રેરણા પ્રસારીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે ઊજવાયેલો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ચતુર્થ દિવસ હજારો-હજારો હૃદયને પ્રભુની સુખને સંવિભાગ કરવાની વિચારધારા પ્રત્યે વંદિત-અભિવંદિત બનાવી ગયો હતો.



કણ-કણમાં ગુંજી રહેલી શાંતિ અને લીલીછમ વનરાજીથી શોભી રહેલા પરમધામ સાધના સંકુલના નૈસર્ગિક ખોળામાં પરમ ગુરુદેવના પવિત્ર સાંનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભવ કલ્યાણકારી આરાધનાના આ અવસરે સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમ જ વિદેશના જર્મની, ઑસ્ટ્રેલિયા, લંડન, નાઇરોબી, અમેરિકા એમ ૧૭૦ દેશોના મળીને હજારો ભાવિકો ભક્તિભાવથી જોડાઈને પ્રભુના જ્ઞાનથી સમૃદ્ધ બની રહ્યા છે, સત્યને પામી રહ્યા છે, જીવનદૃષ્ટિ પામી રહ્યા છે અને સ્વયંની આત્મશુદ્ધિ કરી કલ્યાણ સાધી રહ્યા છે.


મૉલ-મસ્તીના કલ્ચરમાં રાચી રહેલા આજના દિશાહીન યંગસ્ટર્સને સત્ય પમાડતાં વહેલી સવારના ૭ વાગ્યે પરમ ગુરુદેવના ઇંગ્લિશ પ્રવચન, દોષોની શુદ્ધિ કરાવતી ૮ વાગ્યે કરાવવામાં આવતી ઇનર ક્લીનિંગ ધ્યાન સાધના અને રોમ-રોમને સ્પંદિત કરી દેનારી મધુર ઉપાધ્યાય પદની ૮.૩૦ કલાકની કલ્યાણકારી ધૂનના ગુંજારવ બાદ ભવ્ય જીવોને પ્રતિબોધિત કરનારાં અમૃત વચનો વહાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે માત્ર પોતાનું જ દુઃખ શોધીને એને દૂર કરવાના પ્રયત્નમાં લાગેલા આ જગતના મોટા ભાગના લોકોની વચ્ચે સવાર પડતાં જ આજે હું કોનું દુઃખ દૂર કરું?ના વિચાર સાથે અન્યના ચહેરા પર મુસ્કાન લાવી દેનારા લોકો વાસ્તવિકતામાં મનુષ્ય હોય છે. બીજાની તકલીફો, બીજાનું દુઃખ દૂર કરવા માટે જે પોતાનાં મન-વચન-કાયાનું યોગદાન આપે છે તેને જ પરમાત્માનું વરદાન મળતું હોય છે. પરમાત્મા કહે છે, તમારી પાસે આવનારી વ્યક્તિ જો તમારી પાસેથી ખાલી હાથે જાય છે તો તે તમારાં પુણ્યને પણ ખાલી કરી જાય છે, પણ તમારી પાસે આવનારી વ્યક્તિ જો તમારી પાસેથી કાંઈક ભરીને લઈ જાય છે તો તે તમારા પુણ્યને પણ ભરી જાય છે. મારી પાસે જે કાંઈ પણ છે

એમાં કોઈ અજાણ્યાને, કોઈ અતિથિને ભાગ આપવો એને ભગવાને સંવિભાગ કહ્યું છે. બીજાનાં દુઃખને દૂર કરવાં પોતાના સુખનો જે સંવિભાગ કરે છે તેના સુખનો ગુણાકાર થતો રહેતો હોય છે. ભગવાન કહે છે, આપતાં જેને આવડે તે આગળ વધી જાય, માત્ર પોતાના માટે ભોગવતાં આવડે તે પાછળ રહી જતા હોય છે.


બીજાની મુશ્કેલીના સમયમાં મુસ્કાન લાવનારાનું માનવજીવન સાર્થક બની જતું હોય છે અને એવાં અન્યનાં દુઃખ દૂર કરનારાદાં દુઃખ અને સંકટો પણ સહજતાથી ટળી જતાં હોય છે. આપણે અન્યને આપેલું સુખ, આપણી આફતોને ટાળી દેતું હોય છે. પરમાર્થ ભાવનાની પ્રેરણા આપતી પરમ ગુરુદેવની આવી પાવન વાણી સાથે આ અવસરે પ્રસ્તુત કરવામાં આવેલી તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથના જીવન આધારિત હૃદયસ્પર્શી નાટિકાનાં અદ્ભુત અને સંવેદનશીલ દૃશ્યોને નિહાળી હજારો ભાવિકો પ્રભુચરણમાં વંદિત-અભિવંદિત આત્મનત બની કૃતકૃત્ય બન્યા હતા.

આત્મદૃષ્ટિને ઉજાગર કરી દેનારા આવા અદ્ભુત અવસરોની સાથે જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ અને સાધના-આરાધનાના દિવ્ય તરંગોથી પરમધામના આંગણે વ્યતીત થઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના એક પછી એક પાવન દિવસો બાદ આવતી કાલ ૫/૯/૨૦૨૪ના ગુરુવારે પર્વના પંચમ દિવસે સવારના ૮.૩૦ વાગ્યાથી પરમધામની ધરા પર સર્જાશે ૨૬૦૦ વર્ષ પહેલાંની એ ક્ષત્રિયકુંડ નગરી, જ્યાં માતા ત્રિશલા દેવીને આવેલાં ૧૪ મહાસ્વપ્નની રજવાડી વણઝાર પધારશે રૂમઝૂમ પગલે, બાળ સંસ્કરણની પ્રેરણા આપતાં પેરન્ટિંગ ડ્રામાની થશે પ્રસ્તુતિ અને હજારો ભાવિકોની નૃત્ય-કીર્તના, ઊછળતી ભક્તિ ભાવના અને મધુર સ્વરોમાં ગુંજતી ભક્તિ સ્તવના સાથે પ્રભુ મહાવીર જન્મોત્સવનાં લેવાશે ભવ્યાતિભવ્ય દિવ્ય વધામણાં!

એ સાથે જ જૈન દર્શનમાં જેનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવાં ૧૪ મહાસ્વપ્નની ઉછામણીના ઊછળતા અહોભાવ સાથે સ્વપ્ન ગ્રહણ કરીને ધન્ય બનશે પુણ્યવાન ભાવિકો!

૨૬૦૦ વર્ષ પહેલાં સર્જાયેલી ભગવાન મહાવીરના જન્મની ધન્યાતિધન્ય ક્ષણોની જીવંત અનુભૂતિ કરવા, પ્રભુપ્રેમના પાવન રંગે રંગાઈને ભવ સાર્થક કરવા આ અવસરે દરેક પ્રભુપ્રેમી ભાવિકને પરમધામ, વાલકસ વિલેજ, તાલુકો-કલ્યાણ, જિલ્લો-થાણે, મહારાષ્ટ્ર ખાતે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2024 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK