ફક્ત જમણા પગ પર ઊભેલી, ૧૮ ફુટ ઝૂકેલી અને ૨૦ ફુટ ઊંચી, અંદાજે એક ટન વજનની બાપ્પાની મૂર્તિ ટૉક ઑફ ધ ટાઉન બની છે : આ અદ્ભુત કલાકૃતિ અંગ્રેજી આલ્ફાબેટ Sના આકારમાં વજન ડિવાઇડ કરીને બનાવવામાં આવી છે
એક પગ પર ઊભેલી પરળચા મહારાજાની અદ્ભુત મૂર્તિ.
નાનામોટા સૌને ગમતા ગણપતિબાપ્પાના અનોખા અને સુંદર સ્વરૂપમાં સૌથી વધારે વિવિધતા જોવા મળે છે. ચિત્રકારો અને મૂર્તિકારો એમાં અલગ-અલગ કલાકારીગરી દર્શાવતા હોય છે. આ વર્ષે ‘પરળચા મહારાજા’ તરીકે ખ્યાતનામ એવા ગણપતિની યુનિક મૂર્તિએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. આગમન વખતે જ એના સ્વરૂપને જોઈને લોકો ભાવવિભોર થઈ ગયા છે. માત્ર જમણા પગ પર ઊભેલી ૧૮ ફુટ ઝૂકેલી એવી ૨૦ ફુટ ઊંચી મૂર્તિ મૂર્તિકાર અરુણ દત્તે અને તેમની ટીમે બનાવી છે.
આવી અનોખી અને સખત કાળજી માગી લેતી પડકારરૂપ મૂર્તિ બનાવવા વિશેની માહિતી આપતાં અરુણ દત્તેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વર્ષોથી ગણપતિની મૂર્તિ બનાવું છું. નાનપણથી મનમાં હતું કે હવામાં રહે એવી મૂર્તિ બનાવવી. ૨૦૨૩માં આ જ મંડળ માટે ઘોડા પર આરૂઢ થયેલા ગણપતિની મૂર્તિ બનાવી હતી. જોકે આ વખતે મંડળે કહ્યું કે દેવ અને દાનવોના યુદ્ધની થીમ છે અને એ પ્રકારની મૂર્તિ જોઈએ છે. એથી આ કન્સેપ્ટ પર કામ કર્યું. ફક્ત જમણા પગને જમીન પર ટેકવી આખી મૂર્તિ અંગ્રેજી આલ્ફાબેટ ‘S’ પ્રમાણે વજન ડિવાઇડ કરીને બનાવી. અમે વર્ષોથી મૂર્તિ બનાવતા હોવાથી વજન કઈ રીતે ડિવાઇડ કરવું એની જાણ હોય છે, અનુભવ હોય છે. મૂર્તિ માત્ર મોટી કે ઊંચી બનાવવી એ પૂરતું નથી હોતું. એ સુંદર, મનમોહક અને લોકોને ગમે એવી હોવી જોઈએ. મૂર્તિની રિધમ સચવાવી જોઈએ. આ મૂર્તિમાં અમે ૧૮ ફુટનો બેન્ડ (વળાંક) લીધો છે. બૉડી પૂરી ટર્ન થાય છે જે યુનિક છે. એનું બૅલૅન્સ કરવું યુનિક છે.’
ADVERTISEMENT
કઈ રીતે મૂર્તિ તૈયાર કરી એ વિશે જણાવતાં અરુણ દત્તેએ વધુમાં કહ્યું હતું કે ‘પહેલાં અમે અંદરનું આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. લોખંડના રૉડ વાપરીને એ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. એના વેલ્ડિંગમાં ખાસ કાળજી લીધી કે ક્યાંય પણ એ કાચું ન રહી જાય. એ પછી માત્ર ૪-૫ દિવસમાં અમે ઉપરની મૂર્તિને ઓપ આપ્યો છે. અમારી ૪૦ જણની ટીમ હોય છે જે આના પર કામ કરતી હોય છે. ઇટ્સ અ ટીમવર્ક. બધાના એફર્ટ લાગતા હોય છે. ફક્ત ગણપતિનું મસ્તિષ્ક જ એટલું વજનદાર હોય છે કે છ જણે મળીને ઉપાડવું પડે. જોકે એમ છતાં ગણેશોત્સવ પતે ત્યાં સુધી એક ડર પણ રહેતો હોય છે કે બધું સમુંસૂતરું પાર પડે. જોકે બાપ્પાની કૃપા હોય છે.’
મૂર્તિની હાઇટ જરાય વધારી નથી શકાતી
પરેલના દામાદોર હૉલથી લાલબાગ તરફ જતાં પહેલી ગલીમાં સ્નેહદીપ સોસાયટી પાસે બિરાજતા ‘પરળચા મહારાજા’ની વિગતો આપતાં મંડળના સેક્રેટરી પ્રતીક કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરળ સાર્વજનિક ઉત્સવ મંડળ (પશ્ચિમ વિભાગ) - પરળચા મહારાજા’નું આ ૮૨મું વર્ષ છે. લાલબાગ બ્રિજ પચીસ ફુટ ઊંચો હોવાથી અને મૂર્તિ એની નીચેથી પસાર કરવાની હોવાથી હાઇટ ૨૦ ફુટ કરતાં વધારી નથી શકાતી. ટ્રૉલીની હાઇટ સાથે એ ૨૪ ફુટ કરતાં કોઈ પણ રીતે વધવી ન જોઈએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ વખતે અમે દેવ અને દાનવોના યુદ્ધની થીમ રાખી છે. બાપ્પા દાનવોનો-અનિષ્ટનો સંહાર કરે છે એ દર્શાવ્યું છે. પુરાણકાળના દાનવો સાથે આ યુગના દાનવો (બળાત્કારી, અત્યાચાર કરનારા)નો ગણપતિ સંહાર કરે છે એવું દર્શાવ્યું છે. અમારા મૂર્તિકાર અરુણ દત્તેસાહેબે ગણપતિની મૂર્તિ તો યુનિક બનાવી જ છે, પણ એની કાળજી પણ એટલી જ રાખવી પડે એમ છે. મૂર્તિનું મોટા ભાગનું વજન આગળની તરફ ઝૂકેલું છે. એથી આગમન વખતે મંડપ સુધી જે ટ્રૉલીમાં તેમને લાવવામાં આવ્યા એમાં પાછળની સાઇડ બૅલૅન્સ કરવા ટ્રૉલીમાં રેતીની ૧૦૦ ગૂણ રાખવામાં આવી હતી. અમારી ૬૦ જણની ટીમ ફક્ત એ ટ્રૉલીની મૂવમેન્ટ કરવા રાખવામાં આવી છે. આગમન અને વિસર્જન વખતે એ ટીમના સભ્યો માત્ર એ જ બાબત પર ફોકસ કરે છે.’
અવિરત ભંડારો
પરળચા મહારાજાનું લોકેશન એવું છે કે પરેલ અને પ્રભાદેવી બન્ને સ્ટેશનના કૉમન બ્રિજની નીચેથી પસાર થતી ગલી અમારી ગલીમાં આવે છે એમ જણાવીને પ્રતીક કદમે કહ્યું હતું કે ‘બ્રિજ પાસેથી લોકો પરેલ સ્ટેશને ઊતરે તો સૌથી પહેલાં અમારા ગણપતિનાં દર્શન કરીને આગળ જાય છે અથવા છેલ્લે અમારા પરળચા મહારાજાનાં દર્શન કરવા આવે છે અને એ પછી સવારની પહેલી ટ્રેન પકડી ઘરે જતા હોય છે. છેલ્લાં પાંચ વર્ષથી અમે સાંજની આરતી ૭.૩૦ વાગ્યે પતે એ પછી ભંડારો રાખીએ છીએ જે રાતના બે-ત્રણ વાગ્યા સુધી ચાલે છે. ભક્તો આવે, દર્શન કરે, જમે-પ્રસાદ લે, આરામ કરે એ પછી સવારની પહેલી ટ્રેન પકડીને ઘરે જતા હોય છે.’


