પોલીસે બે જણને તાબામાં લઈ તપાસ હાથ ધરી
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર મૉડેલા ચેકનાકા નજીક શનિવારે નાકાબંધી કરવામાં આવી હતી એ દરમ્યાન એક ટેમ્પોમાંથી પોલીસને છરી, ફાઇટર કડું, બટનચાકુ અને ચૉપર જેવાં ૪૦થી વધુ હથિયાર મળી આવ્યાં હતાં. આ મામલે પોલીસે ગેરકાયદે હથિયાર રાખવાના આરોપસર શિવકુમાર ગૌતમ અને શાહિદ શેખ સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે આ તમામ હથિયાર ભિંવડીથી મુલુંડના ખિંડીપાડા લઈ જવાઈ રહ્યાં હતાં એ સમયે ચેકનાકા નજીક નાકાબંધી દરમ્યાન મળેલાં તમામ હથિયાર પોલીસે જપ્ત કર્યાં હતાં.
મુલુંડના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અજય જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશ અને રાજ્યમાં ચાલી રહેલા તંગ વાતાવરણમાં મુલુંડના તમામ એન્ટ્રી-પૉઇન્ટ પર અમારી ટીમ નાકાબંધી કરી રહી છે. એ દરમ્યાન કોઈ શંકાસ્પદ વાહન પસાર થતું જણાય તો એને ચેક કરવામાં આવે છે. શનિવારે સવારે પોણાસાત વાગ્યે એક થ્રી-ટાયર ટેમ્પો થાણેની દિશામાંથી મુલુંડ ચેકનાકા તરફ આવી રહ્યો હતો. શંકા જતાં મૉડેલા ચેકનાકા નજીક એને અટકાવવામાં આવ્યો હતો. ટેમ્પોમાં પાછળ બેસેલા યુવકો પાસે રહેલી ગૂણીમાં ૯ ઇંચ કરતાં મોટી ૪૦ છરીઓ હતી અને એ તમામનો શેપ અલગ-અલગ હતો. એ ઉપરાંત ફાઇટર કડું, બટનચાકુ અને ચૉપર સહિતનાં હથિયાર ભર્યાં હતાં. આ તમામ હથિયાર ક્યાંથી લઈ આવ્યાં એનો યોગ્ય જવાબ ન મળતાં અમે બન્ને આરોપીઓને તાબામાં લીધા હતા. બન્નેને પોલીસ-સ્ટેશને લાવી વધારે તપાસ કરતાં તેમણે એ હથિયાર ભિંવડીથી લઈ આવ્યા હોવાનું કહ્યું હતું. બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધી આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

