નવી મુંબઈ પોલીસ સિમ કાર્ડ સ્વૉપ કરીને ૧૮.૭૪ લાખ રૂપિયા પડાવી લેનાર ૨૧ વર્ષના આરોપીને બંગાળથી પકડી લાવી છે.
સિમ કાર્ડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ પોલીસ સિમ કાર્ડ સ્વૉપ કરીને ૧૮.૭૪ લાખ રૂપિયા પડાવી લેનાર ૨૧ વર્ષના આરોપીને બંગાળથી પકડી લાવી છે. આ કેસમાં હૅકર દ્વારા જે પાર્ટીની સાથે છેતરપિંડી કરવાની હોય તેના મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડિંગ કંપનીમાંથી સિમ કાર્ડ સ્વૉપ કરી બૅન્કમાંથી તેને મળતાં ટ્રાન્ઝૅક્શન્સના મેસેજ પોતાના ફોન પર ડાઇવર્ટ કરાવી એના આધારે ઍક્ચ્યુયલ પાર્ટીની વિગતો જાણીને પૈસા સેરવી લે છે.
આ કેસમાં પણ જે ઓરિજિનલ પાર્ટી છે તેનો મોબાઇલ તેની પાસે જ હતો. તેને એમ મેસેજિસ આવતા હતા કે તેનું કાર્ડ ડીઍક્ટિવેટ કરવામાં આવ્યું છે. તેને આ બાબતનો ખ્યાલ નહોતો કે તેના મોબાઇલ પર આવતા મેસેજિસ અન્ય ફોન પર ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. બૅન્કના મેસેજિસ, ઓટીપી બધું હૅકરના ફોન પર જતું હતું. એ પછી હૅકરે મૂળ પાર્ટીના અકાઉન્ટમાંથી એ રકમ અન્ય એક બૅન્ક અકાઉન્ટમાં સેરવી લીધી હતી. જ્યારે તે ખાતેદારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે એ વ્યક્તિને થોડા કમિશનની લાલચ આપી તેના ડૉક્યુમેન્ટ્સના આધારે તેના જ નામનું બૅન્ક-અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું અને તેની ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ અને અન્ય બધા જ જરૂરી દસ્તાવેજો હૅકરે પોતાની પાસે રાખ્યાં હતાં. નવી મુંબઈ પોલીસે આ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરીને આખરે ૨૧ વર્ષના હૅકર નૂર ઇસ્લામ સનફુઇને પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા ડિસ્ટ્રિક્ટમાંથી ઝડપી લીધો હતો.