ટોલ માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત, ૧૫ ઑગસ્ટથી અમલ
નીતિન ગડકરી
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ ટોલ ટૅક્સ કલેક્શન કરવા માટેના ફાસ્ટૅગ વિશે મોટી જાહેરાત કરી છે જેના કારણે પ્રાઇવેટ વાહનોને મોટો ફાયદો થશે. આ વર્ષે ૧૫ ઑગસ્ટથી પ્રાઇવેટ વાહનો માટે ૩૦૦૦ રૂપિયાનો ફાસ્ટૅગ આધારિત વાર્ષિક પાસ આપવામાં આવશે જે નૅશનલ હાઇવેઝ પર ૨૦૦ ટ્રિપ અથવા એક વર્ષ (જે વહેલું હોય એ) માટે માન્ય રહેશે. આ સુવિધા ફક્ત કાર, જીપ, વૅન વગેરે જેવાં નૉન-કમર્શિયલ વાહનો માટે જ લાગુ પડશે. આ પાસ રાજમાર્ગ યાત્રા ઍપ અથવા NHAI/MoRTHની વેબસાઇટ પરથી બનાવી શકાશે.
આ મુદ્દે નીતિન ગડકરીએ સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી કે...
ADVERTISEMENT
- એક ઐતિહાસિક પહેલ તરીકે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો ફાસ્ટૅગ આધારિત વાર્ષિક પાસ ૧૫ ઑગસ્ટથી રજૂ કરવામાં આવી રહ્યો છે.
- આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા ૨૦૦ ટ્રિપ્સ સુધી (જે પણ વહેલું હોય એ માટે) માન્ય રહેશે.
- આ પાસ ખાસ કરીને ફક્ત નૉન-કમર્શિયલ પ્રાઇવેટ વાહનો જેવાં કે કાર, જીપ, વૅન વગેરે માટે બનાવવામાં આવ્યો છે; એ દેશભરના નૅશનલ હાઇવેઝ પર સરળ મુસાફરી શક્ય બનાવશે.
- ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા ઍપ તથા નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અથવા મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ (MoRTH)ની વેબસાઇટ્સ પર વાર્ષિક પાસને સક્રિય કરવા અને રિન્યુ કરવા માટે એક અલગ લિન્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે જે પ્રક્રિયાને સરળ બનાવશે.
- આ નીતિ ૬૦ કિલોમીટરની મર્યાદામાં સ્થિત ટોલ પ્લાઝા વિશે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને દૂર કરે છે અને એક જ સુલભ વ્યવહાર દ્વારા ટોલ ચુકવણી સરળ બનાવશે. પ્રતીક્ષા સમય ઘટાડીને, ભીડ ઘટાડીને અને ટોલ પ્લાઝા પર વિવાદો દૂર કરીને, વાર્ષિક પાસની નીતિ લાખો ખાનગી વાહનચાલકો માટે ઝડપી, સરળ અને સારા મુસાફરી અનુભવ માટે પ્રતિબદ્ધ છે.
એક્સપ્રેસવે પર ટોલ ચૂકવવો પડશે?
નીતિન ગડકરીની જાહેરાત મુજબ આ વાર્ષિક પાસ નૅશનલ હાઇવેઝ (NH) પર ટોલની ચુકવણી કરવા માટે ઉપયોગી થશે, પણ દેશમાં ઘણા એક્સપ્રેસવે બાંધવામાં આવ્યા છે અને એમાં આ પાસથી ટોલની ચુકવણી થશે કે એક્સપ્રેસવે પર અલગથી ટોલ ચૂકવવો પડશે એ મોટો સવાલ છે.


