Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: કલ્યાણમાં એક રખડતો શ્વાન ૬ કલાકમાં ૧૩૦ લોકોને કરડ્યો

News In Shorts: કલ્યાણમાં એક રખડતો શ્વાન ૬ કલાકમાં ૧૩૦ લોકોને કરડ્યો

Published : 10 August, 2026 07:04 AM | Modified : 10 August, 2026 07:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નિક રહેવાસીઓએ આ વિશે પ્રશાસનને ફરિયાદ કરી પણ રજા હોવાને લીધે તેમને રાત સુધી જવાબ મળ્યો નહોતો.

નિક રહેવાસીઓએ આ વિશે પ્રશાસનને ફરિયાદ કરી પણ રજા હોવાને લીધે તેમને રાત સુધી જવાબ મળ્યો નહોતો.


કલ્યાણમાં એક જ રખડતા શ્વાને હાહાકાર મચાવ્યો છે. સંદીપ હોટેલથી ખડકપાડા સુધીના વિસ્તારમાં ૧૩૦થી વધુ લોકોને શ્વાન કરડ્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અચાનક થયેલા હુમલાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો છે અને ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૧ વર્ષની બાળકી સહિત ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રવિવારે બપોરે બે વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધીમાં આ ઘટના બની હતી. સ્થાનિક રહેવાસીઓએ આ વિશે પ્રશાસનને ફરિયાદ કરી પણ રજા હોવાને લીધે તેમને રાત સુધી જવાબ મળ્યો નહોતો.

બાપ-દીકરા પર હવસખોરોનો હુમલો 



નાલાસોપારાના શ્રીરામનગરમાં રવિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ મદરેસાની પાસે છોકરીઓની છેડતી કરનારાઓને સવાલ પૂછવા બદલ બાપ અને દીકરા પર બે જણે કોયતાથી હુમલો કર્યો હતો. પિતા અતીક ખાન અને તેના દીકરા શેરુ ખાનને હુમલા બાદ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અતીક ખાનની હાલત સ્થિર છે, જ્યારે શેરુ ખાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અજ્જુ અને અઝીમ નામના બે હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને પોલીસ તેમને શોધી રહી છે. 


ઉજવણી ક્રાન્તિની

 


૧૯૪૨માં ૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલન શરૂ થયું હતું અને ત્યારથી ૯ ઑગસ્ટે ક્રાન્તિ દિન મનાવવામાં આવે છે. ગઈ કાલે પણ મુંબઈ પોલીસના જવાનો અને અધિકારીઓએ ક્રાન્તિ સ્તંભ પાસે જઈને ક્રાન્તિ દિન મનાવ્યો હતો. 

ડે-કૅર કે પછી કૅરલેસ સેન્ટર?

કાંજુરમાર્ગ-વેસ્ટમાં આવેલા યુરોકિડ્ઝ રુણવાલ ફૉરેસ્ટ ક્લબ હાઉસમાં ૭ વર્ષના એક છોકરાને ડે-કૅરના સ્ટાફે પ્લાસ્ટિકની બૉટલથી મારીને તેના હોઠ પર સોજો લાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. ૪ ઑગસ્ટે બનેલી આ ઘટનામાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની આરોપીનું નામ મનીષા વાયંગકર હોવાની માહિતી મળી છે. ૩૮ વર્ષના સ્મિથ પટેલ અને તેમની પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી આરંભી છે. બે અલગ-અલગ ફર્મમાં મૅનેજર તરીકે કામ કરતાં સ્મિથ પટેલ અને તેમની પત્ની ચોથી ઑગસ્ટે ડે-કૅરમાંથી તેમના દીકરા વિહાંશને લેવા ગયાં ત્યારે તેનો ઉપરનો હોઠ સૂજેલો લાગ્યો હતો. તેમણે આ બાબતે સ્ટાફને પૂછતાં તે રમતાં-રમતાં પડી ગયો હોવાનું કારણ આપ્યું હતું.  શરૂઆતમાં તો વિહાંશનાં મમ્મી-પપ્પા સ્ટાફે આપેલો જવાબ માની ગયાં હતાં. જોકે ઘરે આવ્યા બાદ વિહાંશે જેને તે દીદી કહીને બોલાવતો હતો તે મનીષાએ પ્લાસ્ટિકની બૉટલથી માર્યું હોવાનું જણાવ્યું હતું. ડે-કૅર સેન્ટરના સ્ટાફના આવા વર્તન પાછળના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

બીડમાંથી ૧.૯૪ કરોડ રૂપિયાનું હલકી ગુણવત્તાનું એડિબલ ઑઇલ પકડાયું

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બીડમાં ‘સેફ ફૂડ, સેફ મહારાષ્ટ્ર’ ઝુંબેશ હેઠળ વિવિધ ઠેકાણે રેઇડ પાડીને ૧.૯૪ કરોડ રૂપિયાનું હલકી ગુણવત્તાનું એડિબલ ઑઇલ પકડી પાડવામાં આવ્યું હતું. ૬ અને ૭ ઑગસ્ટ દરમ્યાન FDAએ કરેલી કાર્યવાહીમાં પાંચ કંપનીઓનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. FDAએ જણાવ્યા મુજબ આખા મહારાષ્ટ્રમાં આ ઝુંબેશ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ રીતે રેઇડ પાડવાનું ચાલુ જ રહેશે.

નાશિક-પુણે હાઇવે પર ખેડૂતોનું ચક્કાજામ

પુણે-નાશિક સેમી હાઈ-સ્પીડ રેલવે-પ્રોજેક્ટ સંગમનેરથી જ પસાર થવો જોઈએ એવી માગણી સાથે હજારો ખેડૂતો, નાગરિકો અને સામાજિક કાર્યકરોએ નાશિક-પુણે હાઇવે પર હિવરગાવ પાવસા ટોલપ્લાઝા પર ગઈ કાલે રસ્તારોકો આંદોલન કર્યું હતું. એને કારણે બે કિલોમીટર લાંબો ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો. કૉન્ગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતના નેતૃત્વમાં આ આંદોલન કરવામાં આવ્યું હતું.

પધરામણી પ્રથમ પૂજ્યની

‘પરેલચા વિઘ્નહર્તા’ની ચંદ્રમૌલેશ્વર સ્વરૂપની મહાકાય ગણેશમૂર્તિની પધરામણી રવિવારે થઈ હતી. નંદી સાથેની આ મૂર્તિ જોવા માટે સેંકડોની સંખ્યામાં ગણેશભક્તો ઊમટ્યા હતા. 

બજરંગબલી અને વિઘ્નહર્તા સાથે હોય એવી મૂર્તિ પણ મુંબઈમાં એક ગણેશ પંડાલમાં લાવવામાં આવી હતી.

પાછળ બાબા રામદેવ પીર હોય અને આગળ ગણેશજી એવી મૂર્તિ ઇન્દિરાનગરમાં રવિવારે લાવવામાં આવી ત્યારે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK