રાજસ્થાનની કૉલેજમાં જતાં પહેલાં છેલ્લી વાર ઑફિસના લોકોને મળી આવું કહીને ગુરુવારે નીકળેલો ધ્રુવ જેઠવા હજી મળ્યો નથી
ગુમ થયેલો ધ્રુવ જેઠવા.
થાણેના કાલેર વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષનો હોનહાર વિદ્યાર્થી ધ્રુવ જેઠવા ગુરુવારે સાંજે કલ્યાણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. આ વિશે પરિવારજનોએ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી છે. ધ્રુવ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતો અને તેણે JEE પરીક્ષામાં ૯૯ પર્સન્ટાઇલ મેળવ્યા હતા, જ્યારે બારમા ધોરણમાં સાયન્સમાં ૯૧ ટકા મળ્યા હતા. રાજસ્થાનની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન મેળવી ચૂકેલા આટલા હોશિયાર વિદ્યાર્થીના અચાનક ગાયબ થઈ જવાથી અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસ પણ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
ધ્રુવના પિતા જયસુખભાઈ થાણેમાં ટેલરિંગની દુકાન ચલાવે છે. તેમણે ભાવુક થઈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધ્રુવ મારો એકનો એક દીકરો છે. હું તેની સાથે હંમેશાં મિત્રની જેમ રહ્યો છું. નાનપણથી જ તેનું એન્જિનિયર બનવાનું સપનું હતું, જેના માટે તેણે ભારે મહેનત કરીને તમામ પરીક્ષાઓમાં ટૉપ કર્યું હતું. હાલમાં વેકેશન હોવાથી તે કલ્યાણમાં મારા એક મિત્રની ઑફિસે કંઈક નવું શીખવા જતો હતો. રાજસ્થાનની કૉલેજમાં ૧૦ ઑગસ્ટથી સેશન શરૂ થવાનું હોવાથી તે ગુરુવારે સવારે ૭ વાગ્યે ‘ઑફિસના લોકોને છેલ્લી વાર મળીને આવું છું’ કહીને ઘરેથી નીકળ્યો હતો.’
ઘટનાના દિવસે શું થયું?
ઘટનાના દિવસની વિગત આપતાં જયસુખભાઈએ કહ્યું હતું કે ‘એ દિવસે મારી તેની સાથે બે વાર વાત થઈ હતી. સાંજે ૪ વાગ્યે તેણે મને ફોન કરીને કહ્યું કે તેના ફોનમાં બૅટરી ઓછી હોવાથી ફોન બંધ થઈ જશે. ત્યાર બાદ તેનો ફોન સતત સ્વિચ્ડ-ઑફ આવવા લાગ્યો. રાત્રે ૮ વાગ્યા સુધી તે ઘરે ન આવતાં અમે તેની શોધખોળ શરૂ કરી હતી. થાણે રેલવે પોલીસ-સ્ટેશનમાં પૂછપરછ દરમ્યાન કોઈ અકસ્માત ન થયો હોવાની ખાતરી કર્યા પછી અમે ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં તેના ગુમ થવાની વિધિવત્ ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
આ મામલે ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસને ગંભીરતાથી લઈને અમે અત્યાર સુધીમાં રેલવે-સ્ટેશન અને સિટીના થઈને આશરે ૨૬૦ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે ગુમ થયેલો એ દિવસે ધ્રુવે અમુક બૅન્ક-ટ્રાન્ઝૅક્શન પણ કર્યાં હતાં. બનાવ પાછળનું સાચું કારણ જાણવા માટે અમારી ટીમ વિવિધ પ્રયાસો કરી રહી છે અને રેલવે પોલીસની મદદ લઈને શોધ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.’
