News In Shorts: બોગસ વીઝાના આધારે દુબઈ ફરવા જવા નીકળેલા ગુજરાતના બે યુવકોની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ, પરમ સંરક્ષક સિદ્ધિવિનાયક..., વધુ સમાચાર
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દેવનાર વિસ્તારમાં એક ગાર્ડન પાસે બેસીને ગાંજો ફૂંકતા પાંચ ડ્રગ-પેડલર્સને પોલીસે પકડવાનો પ્રયત્ન કરતાં તેમણે ચપ્પુથી બે પોલીસ-કૉન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. એને લીધે બન્ને કૉન્સ્ટેબલને ગંભીર ઈજા થઈ હતી. આ પાંચેય ડ્રગ-પેડલર્સની દેવનાર પોલીસે ધરપકડ કરી હતી.
શનિવારે રાતે દેવનારમાં પૅટ્રોલિંગ કરવા નીકળેલી પોલીસની ટીમે ગાર્ડન પાસે ગાંજો પીતા પાંચ લોકોને જોયા હતા. તેમને પકડવાનો પ્રયત્ન કરતાં ધારદાર શસ્ત્રથી તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. એક કૉન્સ્ટેબલને છાતીમાં અને પેટમાં ઘા માર્યા હતા અને બીજા કૉન્સ્ટેબલને કાન પર ઈજા થઈ હતી. જોકે આ પાંચેય ડ્રગ-પેડલર્સની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી હતી. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટેન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
બોગસ વીઝાના આધારે દુબઈ ફરવા જવા નીકળેલા ગુજરાતના બે યુવકોની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ
નવી મુંબઈની એક એજન્ટ પાસેથી ૮ લાખ રૂપિયામાં બોગસ દસ્તાવેજ બનાવડાવ્યા હતા
બોગસ વીઝા સહિત ખોટા જૉઇન્ટ લેટરના આધારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) ફરવા નીકળેલા સુરતના રહેવાસી ૨૧ વર્ષના કેતન પિપળિયા અને ૨૧ વર્ષના ભરતકુમાર ભદરકાની મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સહાર પોલીસે ધરપકડ કરી હતી. બન્ને યુવકો શનિવારે બપોરે મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યા હતા એ દરમિયાન ઇમિગ્રેશન વિભાગની તપાસમાં બન્ને યુવકોના દસ્તાવેજો પર શંકા આવતાં વધુ તપાસ કરવામાં આવી હતી જેમાં બન્નેના વીઝા બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. બન્ને યુવકોએ UAE ફરવા જવા માટે નવી મુંબઈના એક એજન્ટ પાસેથી આઠ લાખ રૂપિયા આપીને વીઝા સહિતના દસ્તાવેજો તૈયાર કરાવ્યા હોવાની માહિતી સામે આવી હતી.
સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈથી UAE પ્રવાસ પહેલાં દરેક મુસાફરના દસ્તાવેજોની ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી એ દરમિયાન કેતન અને ભરતકુમારના દસ્તાવેજો પર શંકા આવતાં તેમની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. એ સમયે તેમણે શિપમાં નોકરી માટે UAE જતા હોવાનો દાવો કર્યો હતો. એ ઉપરાંત તેમણે જૉઇનિંગ લેટર પણ બતાડ્યો હતો. એ દરમિયાન ઇમિગ્રેશન વિભાગે વધુ તપાસ કરતાં વીઝા સહિત જૉઇનિંગ લેટર બોગસ હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં, બન્નેએ દુબઈ ફરવા જવા માટે નવી મુંબઈ-બેલાપુરમાં સ્નેહા નામની મહિલાને ૮ લાખ રૂપિયા આપી તમામ દસ્તાવેજો તૈયાર કરાવ્યા હોવાની માહિતી સામે આવી હતી. અંતે ઇમિગ્રેશન વિભાગે આગળની તપાસ અમને સોંપતાં અમે બન્ને સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’
જમ્મુમાં નદીના ભારે વહેણે પુલ તોડી નાખ્યો

જમ્મુ-કાશ્મીરમાં અનરાધાર વરસાદને લીધે હજી અનેક વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત છે. કઠુઆ જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ નૅશનલ હાઇવે પર આવેલા બ્રિજનો એક આખો ભાગ તૂટીને બેસી ગયો હતો. કઠુઆ જિલ્લામાં પડેલા પુષ્કળ વરસાદને લીધે સહાર ખડ્ડુ નદીમાં એકસાથે ભારે માત્રામાં પાણી વહી આવ્યું હતું. બેકાબૂ વહેણને લીધે બ્રિજ પણ તૂટી ગયો હતો.
પરમ સંરક્ષક સિદ્ધિવિનાયક...

ગણેશ ચતુર્થીનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ભોપાલમાં સિદ્ધિ પંચાયત કમિટીએ ઑપરેશન સિંદૂર વિશે એક વર્કશૉપનું આયોજન કર્યું હતું. આ વર્કશૉપમાં છોકરીઓએ ઑપરેશન સિંદૂરના પ્રતીક સમાન સૈન્યના વાહન પર ગણપતિબાપ્પાની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવી હતી.
ગુરુદ્વારામાં ગરુડભાઈ
ઇન્ડોનેશિયાના જકાર્તામાં કાર-ફ્રી ડેની ઉજવણી નિમિત્તે લોકો સાઇકલ, પૅડલ સ્કૂટર વગેરે લઈને નીકળ્યા હતા અને એક દિવસ જો કાર વિના ટ્રાવેલ કરવામાં આવે તો પ્રકૃતિને કેટલો ફાયદો થાય એનાં પોસ્ટર્સની વહેંચણી કરી હતી. બીજી તરફ ગઈ કાલે વિશ્વ ઉરાંગઉટાંગ દિવસ મનાવવામાં આવ્યો હતો. એમાં પર્યાવરણ માટે કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થાએ ઉરાંગઉટાંગ જેવાં કૉસ્ચ્યુમ્સ પહેરેલા સ્વયંસેવકો શહેરમાં ઠેર-ઠેર ફરતા મૂક્યા હતા.
પ્રકૃતિ બચાવવા માટે ઇન્ડોનેશિયામાં બે અનોખી રૅલી


ઇન્ડોનેશિયાના જકાર્તામાં કાર-ફ્રી ડેની ઉજવણી નિમિત્તે લોકો સાઇકલ, પૅડલ સ્કૂટર વગેરે લઈને નીકળ્યા હતા અને એક દિવસ જો કાર વિના ટ્રાવેલ કરવામાં આવે તો પ્રકૃતિને કેટલો ફાયદો થાય એનાં પોસ્ટર્સની વહેંચણી કરી હતી. બીજી તરફ ગઈ કાલે વિશ્વ ઉરાંગઉટાંગ દિવસ મનાવવામાં આવ્યો હતો. એમાં પર્યાવરણ માટે કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થાએ ઉરાંગઉટાંગ જેવાં કૉસ્ચ્યુમ્સ પહેરેલા સ્વયંસેવકો શહેરમાં ઠેર-ઠેર ફરતા મૂક્યા હતા.


