તપાસ દરમ્યાન એક આરોપી આર્મીનો અગ્નિવીર હોવાનું જણાયું
મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીની ટીમે પકડી પાડેલા આરોપીઓ.
સાઉથ મુંબઈના હાઈ સિક્યૉરિટી ઝોન ગણાતા નેવીનગરમાંથી એક જુનિયર ખલાસી સાથે બનાવટ કરીને રાઇફલ અને ૪૦ કારતૂસો લઈને ફરાર થઈ ગયેલા આરોપીને મુંબઈ પોલીસે તેલંગણમાંથી પકડ્યો છે. આ કામમાં તેને સાથ આપનાર તેના ભાઈની પણ પોલીસે ધરપકડ કરી છે.
નેવીની રાઇફલ ચોરાવાથી જાહેર જનતાની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો હતો. તેથી મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતી અને તેમની ટીમે ચોરને પકડવા માટે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને તેને તેલંગણના નક્સલવાદી જંગલ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. રાકેશ ડુબ્બુલા નામના તેલંગણના આસિફાબાદમાં રહેતા આરોપી અને તેના ભાઈને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આરોપીઓ પાસેથી ૨૦-૨૦ કારતૂસો ભરેલી બે મૅગેઝિન, એક ખાલી મૅગેઝિન અને એક રાઇફલ જપ્ત કરવામાં આવી છે. આરોપી પાસે નેવીનો યુનિફૉર્મ કેવી રીતે આવ્યો અને રાઇફલ ચોરવા પાછળ કયું કાવતરું હતું એ જાણવા માટે પોલીસ તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની તપાસમાં એક આરોપી આર્મીની અગ્નિપથ સ્કીમ હેઠળ અગ્નિવીર તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આપેલી માહિતી મુજબ ૬ સપ્ટેમ્બરે નેવીનગરના વૉચ ટાવર પર નેવીનો યુનિફૉર્મ પહેરીને આવેલા અજાણ્યા શખ્સે જુનિયર ખલાસીને રિલીવ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. ખલાસીના ગયા બાદ બનાવટી અધિકારીએ તેની એક રાઇફલ અને ૪૦ જીવંત કારતૂસ લઈને ટાવરની બહાર ઊભેલા તેના ભાઈને આપી દીધી હતી. ત્યાર બાદ બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


