વિલિંગ્ડન હાઇટ્સ બિલ્ડિંગના ૧૭થી ઉપરના ૧૮થી ૩૪ સુધીના માળ ગેરકાયદે છે જેને રહેવાસીઓએ કોર્ટના આદેશ મુજબ ખાલી કરવા પડ્યા છે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)
તાડદેવમાં વિલિંગ્ડન હાઇટ્સના રહેવાસીઓની હેરાનગતિ ઓછી થવાનું નામ નથી લેતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દરમ્યાનગીરી પછી રહેવાસીઓને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવાની તૈયારી તો બતાવી છે, પણ પહેલાં પેનલ્ટીના ૩૨ કરોડ રૂપિયા ભરવાનું પણ કહ્યું છે.
વિલિંગ્ડન હાઇટ્સ બિલ્ડિંગના ૧૭થી ઉપરના ૧૮થી ૩૪ સુધીના માળ ગેરકાયદે છે જેને રહેવાસીઓએ કોર્ટના આદેશ મુજબ ખાલી કરવા પડ્યા છે. હવે BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ‘OC મેળવતાં પહેલાં રહેવાસીઓએ ૩૨ કરોડની પેનલ્ટી ભરવી પડશે, જેના માટે રહેવાસીઓએ તૈયારી બતાવી છે. રહેવાસીઓ પેનલ્ટી ભરશે તો તરત જ અમે હાઈ કોર્ટમાં જાણ કરી દઈશું.’
ADVERTISEMENT
BMC અને હાઈ કોર્ટના આદેશો વચ્ચે અટવાયેલા આ બિલ્ડિંગના રહેવાસીઓની હાલત અત્યારે કફોડી બની છે. OC ન મળે ત્યાં સુધી તેઓ ઘરમાં રહી નથી શકતા એટલે અમુક પરિવારો હોટેલમાં, ઑફિસમાં અને સગાંઓના ઘરે આશ્રય લઈ રહ્યા છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે BMCના આર્કિટેક્ટે નિરીક્ષણ કર્યા બાદ ૩૨ કરોડ રૂપિયાનો અંદાજિત આંકડો આપ્યો છે. હજી ફાઇનલ આંકડો મળ્યો નથી. અમુક રહેવાસીઓએ દંડ ભરવાની તૈયારી તો બતાવી છે, સાથે રોષ પણ વ્યક્ત કર્યો છે કે સાઉથ મુંબઈમાં રહીએ છીએ એટલે અમે શ્રીમંત છીએ એવું લોકો સમજી બેસે છે, અમારી હાલાકી કોઈ સમજતું નથી.’


